સુરેન્દ્રનગર સબજેલના ગેઇટ ઉપર ત્રિપલ મર્ડરનો કેદી ઢળી પડ્યા બાદ મોત - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરેન્દ્રનગર સબજેલના ગેઇટ ઉપર ત્રિપલ મર્ડરનો કેદી ઢળી પડ્યા બાદ મોત

સુરેન્દ્રનગર સબજેલના ગેઇટ ઉપર ત્રિપલ મર્ડરનો કેદી ઢળી પડ્યા બાદ મોત

 | 6:12 pm IST

ચોટીલાના હીરાસર ગામે બે વર્ષ પૂર્વે નિવૃત સી.આર.પી.એફ. જવાને ગૃહ કલેશથી વાજ આવી રાત્રે મીઠી નિંદર માણી રહેલ પત્ની અને બે સંતાનો સહિત ૩ ઉપર રિવોલ્વરથી ધડાધડ ફાયરીંગ કરી ઢીમ ઢાળી દીધુ હતુ. ત્રિપલ મર્ડરના બનાવમાં પરિવારનો મોભી સુરેન્દ્રનગર સબ જેલમાં બે વર્ષથી કાચા કામના કેદી તરીકે કેદ હતા. ગુરૃવારે સવારે આ કેદીને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડયાની ફરિયાદ કરતા ગાંધી હોસ્પિટલે ખસેડાયો હતો. જયાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાતી વેળાએ સબ જેલના ગેઈટ પાસે ગબડી પડયો હતો. આથી પુન: ગાંધી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા મોત નિપજયાનું હોસ્પિટલ સુત્રોએ જાહેર કર્યુ હતુ. બીજી બાજુ મૃતકના પરિવારજનોએ આ બનાવને શંકાસ્પદ હોવાનું જણાવતા ચકચાર મચી જવા પામી છે.

ચોટીલા તાબાના બે હજારની વસ્તી ધરાવતા ખોબા જેવડા હીરાસર ગામમાં વર્ષ ર૦૧ર બાદ સી.આર.પી.એફ જવાન ભુપતભાઈ લાખાભાઈ નાકીયા પરિવાર સાથે નિવૃતી વ્યતીત કરી રહ્યા હતા. પરંતુ પત્ની દયાબેન ઉપર વહેમ રાખી શંકા કુશંકાઓ ઉભી થતી હતી. અને એ મામલે પતિ-પત્ની વચ્ચે ચણભણાટ રહેતો હતો. બાદમાં બે વર્ષ પૂર્વે હીરાસર ગામમાં રાત્રે રાંદલ તેડા ઉત્સવ બાદ પત્ની દયાબેન અને પુત્રી સીમરન (ઉ.વ.૧૩) અને પુત્ર નિતીન (ઉ.વ.૧ર) ઘેર પરત ફરી ઘરના ધાબા ઉપર સુઈ ગયા હતા. મીઠી નિંદર માણી રહેલ માતા અને બે સંતાનો ઉપર નિવૃત સી.આર.પી.એફ. જવાન ભુપત લાખાભાઈ નાકીયાએ પત્ની ઉપરની શંકાને ધ્યાનમાં રાખી પોતાની પાસેની રિવોલ્વર માંથી ધડાધડ ફાયરીંગ કરી માતા અને બે સંતાનોના ઢીમ ઢાળી દીધા હતા. આ ત્રિપલ મર્ડરના બનાવમાં હત્યાર ભુપત લાખાભાઈ નાકીયા સુરેન્દ્રનગરની સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યા હતા.

જેલમાં ગુરૃવારે સવારે કેદી ભુપત નાકીયાને છાતીમાં દુ:ખાવો થતો હોવાની ઈન્ચાર્જ જેલર અભીસિંહ રાઠોડને ફરિયાદ કરી હતી. આથી જેલરે તાત્કાલીક પોલીસ જાપ્તા સાથે કેદી ભુપતને ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જયાં તેની પ્રાથમિક સારવાર થવા પામી હતી. પરંતુ તેને બીપી ર૯૦ જેટલુ હાઈ થઈ જતા વધુ સારવાર અર્થે રાજકોટ મોકલવા જણાવ્યુ હતુ. પોલીસ જાપ્તા સાથે સુરેન્દ્રનગર સબ જેલમાંથી પોલીસ એમ્બ્યુલન્સમાં રાજકોટ ખસેડાતી વેળાએ કેદી ભુપત નાકીયાને જેલના ગેઈટ ઉપર ચક્કર આવતા ગબડી પડયા હતા.આથી પુન: ગાંધી હોસ્પિટલે ખસેડાતા ઉપસ્થિત ડોકટરે કેદી ભુપત નાકીયાનું મોત નિપજયાનું જાહેર થવા પામ્યુ હતુ.

લાશને રાજકોટ રવાના કરાઈ
સુરેન્દ્રનગર સબજેલમાં ત્રિપલ મર્ડરના બનાવમાં બે વર્ષથી સજા ભોગવી રહેલ હીરાસર ગામના ભુપત નાકીયા નું એટેક આવતા મોત નિપજયાનું તબીબી સુત્રોએ જાહેર કર્યુ છે. આથી આ કેદીની લાશને પી.એમ. અર્થે રાજકોટની ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવી છે. જયાં મૃતકનું પી.એમ. વિડીયો ગ્રાફી સાથે હાથ ધરાનાર હોવાનું જાણવા મળ્યુ છે.

કેદીનું મોત શંકાસ્પદ : પરિવારનો આક્ષેપ
હીરાસર ગામના ત્રિપલ મર્ડરના કાચા કામના કેદી ભુપત નાકીયાનું મોત નિપજયાનું ખુલવા પામ્યુ છે. ત્યારે આ બનાવ અંગે મૃતકના ભાઈ પાંચાભાઈ લાખાભાઈ નાકીયાએ ઘટના અંગે અમને મોડી જાણ કરવામાં આવી છે. તેમજ સુરેન્દ્રનગર સબ જેલમાં છેલ્લા કેટલાંક સમયથી કેદીનું આરોગ્ય કથળી જવુ અને બે થી ત્રણ કિસ્સામાં મોત નિપજયાનો આક્ષેપ કર્યો છે. જયારે મૃતક ભુપતભાઈએ તેમના ભાઈ પાંચાભાઈ સાથે બુધવારે સાંજે મોબાઈલ ઉપર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન કશુ અજુગતુ જણાયુ ન હતુ. ત્યારે અચાનક બીજા દિવસે છાતીમાં સામાન્ય દુ:ખાવા બાદ તેમનું મોત નિપજયાની ઘટના શંકા ઉપજાવનારી હોવાનું મૃતકના ભાઈએ જણાવ્યુ છે. અને આ મામલે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરનાર હોવાનું અંતમાં જણાવ્યુ છે.