ત્રિપગી ખિસકોલી - Sandesh

ત્રિપગી ખિસકોલી

 | 9:41 pm IST

એક ખિસકોલી હતી. તે એક લીમડાના ઝાડ પર રહેતી. બાકીની ખિસકોલીઓ કરતાં તે જરાક શારીરિક રીતે જુદી હતી. બાકી બધી ખિસકોલીઓને ચાર પગ હતા, પણ આ ખિસકોલીને માત્ર ત્રણ જ પગ હતા. ત્રણ પગ હોવાને લીધે તેને જરાક ચાલવામાં તકલીફ પડતી પણ તે એકદમ મજાની ખિસકોલી હતી. પોતાને એક પગ ઓછો છે એ વાત જાણે કે સાવ બિનજરૃરી છે એમ તે શીખી ગયેલી. લીમડા પર રહેતાં બીજાં પંખીઓ તથા આસપાસનાં પ્રાણીઓ સાથે પણ તેને દોસ્તી હતી. ફક્ત એક કિક્કુ કાગડો જ એવો હતો કે જે કાયમ ખિસકોલીને ચીડવતો રહેતો. કિક્કુ કાગડો ખિસકોલીની ચાલની નકલ કરતો અને તેને હેરાન કરતો. કિક્કુ કાગડાની મમ્મી તેને કાયમ એમ ન કરવા કહેતી પણ તે કદી કોઈનું માનતો જ નહીં. કિક્કુની હરકતોથી ખિસકોલીને બહુ ગુસ્સો આવતો. ઘણી વાર તે આ લીમડાનું ઝાડ છોડીને બીજી જગ્યાએ રહેવા જવા માટે તેની માને કહેતી, પણ તેની મા તેને સમજાવતી કે બેટા, “આ આટલાં બધાં પ્રાણીઓ ને પંખીઓ તને સરસ વહાલ કરે છે તો પછી એક કિક્કુ કાગડાને લીધે તેમને બધાંને મૂકીને થોડું જવાય. એ થોડો મુરખ છે, પણ આજ નહીં તો કાલ સુધરશે ખરો.” કિક્કુ સુધરશે તે વાત કોઈ માનવા તૈયાર જ નહોતું, પણ એક દિવસ એવી ઘટના બની કે કિક્કુને સુધરવું જ પડયું.

એક દિવસ કિક્કુને પગમાં કાંટો વાગ્યો. કાંટો સરખો નીકળ્યો નહીં એટલે પગ સૂઝી ગયો. કાયમ ખિસકોલીને ચીડવતો કિક્કુ હવે પોતે જ ખોડંગાતો ચાલવા માંડયો. બીજાં પ્રાણીઓ હવે કિક્કુને ચીડવવા લાગ્યાં. જોકે, આ બધાંને ખિસકોલીએ વાર્યાં. તે બોલી, “તમને કાંટો વાગે તો દુખે છે એમ એને પણ દુખતું હશેને, એમ ખોટું ચીડવો નહીં.” કિક્કુએ ખિસકોલીનો આભાર માન્યો અને પોતાની હરકતો બદલ માફી પણ માગી. ધીમે ધીમે બેઉની પાકી દોસ્તી થઈ ગઈ. રોજેરોજ થોડું થોડું ખોતરીને કિક્કુનો કાંટો પણ નીકળી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન