ટ્રિપલ તલાક ખરડો રાજ્યસભામાં રજૂ ન થઈ શક્યો, સરકાર વટહુકમ લાવે તેવી સંભાવના - Sandesh
  • Home
  • India
  • ટ્રિપલ તલાક ખરડો રાજ્યસભામાં રજૂ ન થઈ શક્યો, સરકાર વટહુકમ લાવે તેવી સંભાવના

ટ્રિપલ તલાક ખરડો રાજ્યસભામાં રજૂ ન થઈ શક્યો, સરકાર વટહુકમ લાવે તેવી સંભાવના

 | 2:31 am IST

। નવી દિલ્હી ।

સંસદનાં ચોમાસું સત્રના છેલ્લા દિવસે સર્વસંમતિ ન સધાતાં કેન્દ્ર સરકાર ટ્રિપલ તલાક ખરડો રાજ્યસભામાં રજૂ કરવામાં નિષ્ફળ ગઈ હતી. રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, ટ્રિપલ તલાક ખરડા મુદ્દે પક્ષો વચ્ચે સંમતિ ન સધાતાં હવે ટ્રિપલ તલાક ખરડો સંસદનાં શિયાળુસત્રમાં રજૂ કરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર ટ્રિપલ તલાકનો કાયદો અમલી બનાવવા માટે વટહુકમ લાવે તેવી સંભાવના છે.

સરકારને આશા હતી કે લોકસભામાં પસાર થઈ ચૂકેલા ખરડાને રાજ્યસભામાં રજૂ કરી પસાર કરી દેવાશે. વિપક્ષ દ્વારા ઉઠાવાયેલા વાંધા દૂર કરવા સરકારે ગુરુવારે તાત્કાલિક કેબિનેટની બેઠક બોલાવી કાયદાની વાંધાજનક જોગવાઈઓ હળવી બનાવવા મંજૂરી આપી હતી પરંતુ વિપક્ષને તેનાથી સંતોષ થયો નહોતો.

ટ્રિપલ તલાકનો અસલ ખરડો લોકસભામાં પસાર કરી દેવાયો છે પરંતુ હવે રાજ્યસભામાં અટકી ગયો છે. રાજ્યસભામાં મોદી સરકાર પાસે બહુમતી નથી.

ભગવાન રામે પણ શંકાના આધારે સીતાનો ત્યાગ કર્યો હતો : કોંગ્રેસ સાંસદે વિવાદ સર્જાયા બાદ માફી માગી

કોંગ્રેસના સાંસદ હુસૈન દલવઇએ જણાવ્યું હતું કે, આપણો સમાજ પુરુષપ્રધાન છે. ભગવાન રામે પણ શંકાના આધારે સીતાનો ત્યાગ કર્યો હતો, તેથી સમગ્ર પરંપરાને જ બદલવાની જરૂર છે. દલવઇએ જણાવ્યું હતું કે, ફક્ત મુસ્લિમોમાં જ નહીં પરંતુ હિંદુ, ખ્રિસ્તી, શીખ એમ તમામ સમુદાયમાં મહિલાઓ સાથે અન્યાય થાય છે. દલવઇનાં આ નિવેદન સામે ભાજપે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભાજપે કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધી પાસે માફીની માગ કરી હતી. વિવાદ વકરતાં દલવઇએ હિંદુ સમાજની માફી માગી હતી, તેમણે જણાવ્યું હતું કે, જો તમારી લાગણીને ઠેસ પહોંચી છે તો હું માફી માગું છું.

;