જેરુસલેમમાં છે ધર્મોનો ત્રિવેણીસંગમ, 170થી વધુ ચર્ચ અને 70થી વધુ મસ્જિદો - Sandesh
NIFTY 10,094.25 -100.90  |  SENSEX 32,923.12 +-252.88  |  USD 65.1675 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • જેરુસલેમમાં છે ધર્મોનો ત્રિવેણીસંગમ, 170થી વધુ ચર્ચ અને 70થી વધુ મસ્જિદો

જેરુસલેમમાં છે ધર્મોનો ત્રિવેણીસંગમ, 170થી વધુ ચર્ચ અને 70થી વધુ મસ્જિદો

 | 6:54 pm IST

આંતરરાષ્ટ્રીય સમુદાયની ચેતવણીને હાંસિયામાં ધકેલી દઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપી દીધી છે. તેમણે દાયકા જૂની અમેરિકા અને આંતરરાષ્ટ્રીય નીતિને તોડી નાખીને આ જાહેરાત કરી છે. આ પગલાંથી જ્યાં ઇઝરાયલ ખુશ છે, તો કેટલાય દેશો ચિંતામાં છે. તેઓ આ જાહેરાતને પશ્ચિમ એશિયામાં હિંસા ભડકાવે એવું પગલું માને છે. જેરુસલેમ આટલું મહત્ત્વપૂર્ણ છે અને ટ્રમ્પની જાહેરાત દુનિયાભરમાં ચિંતાનું કારણ કેમ બની છે?

ટ્રમ્પે આ જાહેરાત કેમ કરી?

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના ચૂંટણીપ્રચાર દરમ્યાન ઇઝરાયલના ગાઢ સમર્થક તરીકેનું વલણ અપનાવતાં તેલ અવીવથી અમેરિકી દૂતાવાસને જેરુસલેમ લઈ જવાનું વચન આપ્યું હતું. અમેરિકી કાયદા હેઠળ રાષ્ટ્રપતિને દર ૬ મહિનામાં એક દસ્તાવેજ ઉપર સહી કરવાની હોય છે, જે દૂતાવાસને તેલ અવીવમાં ચાલુ રાખવા માટેની પરવાનગી આપે છે. ટ્રમ્પ જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપી પોતાનું ચૂંટણીવચન પાળવા માગે છે. તેમની ઇચ્છા ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્યામિન નેતાન્યાહૂને ખુશ રાખવાની લાગે છે, કેમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે નેતાન્યાહૂ ટ્રમ્પના મુખ્ય સમર્થક ગણાય છે.

ઝઘડાનું કારણ

ઇઝરાયલ આખા જેરુસલેમ ઉપર પોતાનો દાવો કરે છે. ૧૯૬7નાં યુદ્ધ દરમ્યાન ઇઝરાયલે જેરુસલેમના પૂર્વી વિસ્તાર ઉપર કબજો જમાવી દીધો હતો, તો ફિલિસ્તિની લોકો ઇચ્છે છે કે જ્યારે પણ ફિલિસ્તિન એક અલગ દેશ બને તો પૂર્વ જેરુસલેમ જ તેમની રાજધાની બને. આ દાવા દાયકાઓથી ચાલતા રહેલા ઇઝરાયલી ફિલિસ્તિની વિવાદની જડ છે. વિવાદનું મુખ્ય કારણ શહેરનો પૂર્વ હિસ્સો છે. અહીં યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમોનાં મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. આ જ કારણ છે કે જેરુસલેમ સાથે જોડાયેલો વિવાદ રાજનીતિક હોવાની સાથે સાથે ધાર્મિક પણ છે.

જેરુસલેમથી ચાલતી ઇઝરાયલી સરકાર

ઇઝરાયલ લાંબા સમયથી જેરુસલેમને પોતાની રાજધાની તરીકે માન્યતા અપાવવા માટે પ્રયાસ કરતો રહ્યો છે. અહીં ઇઝરાયલી પ્રધાનમંત્રીનું નિવાસ અને કાર્યાલય છે, એ ઉપરાંત દેશની સંસદ અને સુપ્રીમ કોર્ટ પણ અહીં જ આવેલી છે, જોકે તમામ દૂતાવાસ તેલ અવીવમાં છે. એ માટે દુનિયાભરના નેતાઓને પણ ઇઝરાયલી અધિકારીઓને મળવા જેરુસલેમ જવું પડે છે. એમ જોઈએ તો જેરુસલેમ ઉપર ઇઝરાયલનું નિયંત્રણ છે પરંતુ પૂર્વ જેરુસલેમને પોતાનાં ક્ષેત્રમાં ભેળવી દેવા માટે ઇઝરાયલનાં પગલાંને આતંરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળતી નથી. આંતરરાષ્ટ્રીય સમુદાય ઇચ્છે છે કે જેરુસલેમનો દરજ્જો વાતચીત દ્વારા જ નક્કી થવો જોઈએ.

ફિલિસ્તિન અને ઇઝરાયલ બંનેનો દાવો

ઇઝરાયલ અને ફિલિસ્તિન બંને જેરુસલેમને પોતાની રાજધાની ગણાવે છે. વાસ્તવમાં ૧૯૪૮માં ઇઝરાયલે આઝાદીની જાહેરાત કરી હતી અને એક વર્ષ બાદ જેરુસલેમનું વિભાજન થયું અને એ બાદ પિૃમી હિસ્સામાં છે. ૧૯૬7માં ઇઝરાયલે ૬ દિવસો સુધી ચાલેલાં યુદ્ધ બાદ પૂર્વી જેરુસલેમ ઉપર કબજો કરી લીધો, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી નહીં. ૧૯૮0માં ઇઝરાયલે જેરુસલેમે પોતાની રાજધાની બનાવવાની જાહેરાત કરી નહીં. જેરુસલેમની એક તૃતીયાંશ વસ્તી ફિલિસ્તિની મૂળની છે, જેનામાં કેટલાય પરિવારો સદીઓથી અહીં રહે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં યહૂદી વસતીના વિસ્તારનો વિવાદનું એક મોટું કારણ છે. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ આ નિર્માણ ગેરકાયદે છે પણ ઇઝરાયલ તેને નકારે છે.

ત્રણ ધર્મોનો સંગમ

મધ્યપૂર્વનાં આ સૌથી જૂનાં શહેરોમાંનું એક એવું જેરુસલેમ યહૂદી, ખ્રિસ્તી અને મુસલમાનોનું સંગમસ્થળ છે. ત્રણ ધર્મનાં લોકો માટે તેનું મહત્ત્વ છે. અહીં 150થી વધુ ચર્ચ અને 70થી વધુ મસ્જિદ છે. શહેરના ખ્રિસ્તી વિસ્તારમાં પવિત્ર સેપુલ્કર ચર્ચ છે, જે દુનિયાભરના ખ્રિસ્તીઓ માટે મહત્ત્વનું છે. કહેવાય છે કે ઈશુ ખ્રિસ્તને અહીં જ શૂળી પર ચડાવી દેવાયા હતા. આ સ્થળને કેટલાંક લોકો ગોલગોથા કહે છે.

મુસ્લિમ હિસ્સો ચારે હિસ્સામાં સૌથી મોટો છે અને એ ક્ષેત્રમાં પવિત્ર ગુંબજ આકારનું ડોમ ઓફ રોક એટલે કે કુબ્બતુલ સખરદ અને અલ અક્સા મસ્જિદ છે. એ મુસ્લિમો માટે પવિત્ર સ્થળ છે. આ મસ્જિદ ઇસ્લામધર્મનું ત્રીજું સૌથી પવિત્ર સ્થળ છે.

યહૂદીઓનું માનવું છે કે અલ અક્સા મસ્જિદવાળી જગ્યા હોલી ઓફ હોલિઝ છે. યહૂદીઓ માને છે કે અહીં જ સૌથી પહેલી શિલાનો પાયો નખાયો હતો, જેના પર દુનિયાનું નિર્માણ થયું અને જ્યાં અબ્રાહમે પોતાના પુત્રી ઈસાકની કુરબાની આપી.

હરવાફરવાની આઝાદી

જેરુસલેમના મોટાભાગના હિસ્સામાં યહૂદી અને ફિલિસ્તિનીઓ કોઈપણ જાતની રોકટોક વિના ફરી શકે છે, જોકે એક દાયકા પહેલાં ઇઝરાયલે શહેરમાં કેટલીક આરબ વસાહતોની વચ્ચેથી પસાર થતી એક વાડ બનાવી દીધી હતી, તેને કારણે ફિલિસ્તિનોને શહેરની મધ્યમાં જવા માટે ભીડવાળા ચેકપોઇન્ટ પાસેથી પસાર થવું પડે છે.

ઇઝરાયલી અમીર અને ફિલિસ્તિની ગરીબ

શહેરમાં રહેતાં ઇઝરાયલીઓ અને ફિલિસ્તિનીઓની વચ્ચે વાતચીત ભાગ્યે જ થાય છે. યહૂદી વસતી ખૂબ સંપન્ન લાગે છે, જ્યારે ફિલિસ્તિની વસાહતમાં ગરીબી જોવા મળતી હોય છે. શહેરમાં રહેતાં 3 લાખથી વધુ ફિલિસ્તિનીઓની પાસે ઇઝરાયલની નાગરિકતા નથી, તેઓ ફક્ત નિવાસી છે.

દાયકા જૂની હિંસા

ઇઝરાયલ અને ફિલિસ્તિનીઓની વચ્ચે છેલ્લાં 20 વર્ષમાં થયેલી મોટાભાગની હિંસા જેરુસલેમ અને વેસ્ટ બેન્કમાં થઈ છે. વર્ષ ૧૯૯૬માં જેરુસલેમમાં રમખાણ થયાં હતાં. વર્ષ 2000માં જ્યારે તત્કાલીન ઇઝરાયલી પ્રધાનમંત્રી એરિઅલ શેરોન ટેમ્પલ માઉન્ટ ગયા તો પણ હિંસા ભડકી હતી.

20૧૫માં એક પછી એક ચાકુથી હુમલાના ઘણા કિસ્સા બહાર આવ્યા હતા. એમ કહેવાય છે કે ટેમ્પલ ટાઉનમાં આવતાં યહૂદીઓની વધતી સંખ્યાથી નારાજ આતંકીઓએ આ હુમલા કર્યા હતા.

વર્ષ 20૧૬માં એ સમયે મોટો વિવાદ થયો જ્યારે ઇઝરાયલે અલ અક્સા મસ્જિદની પાસે સિક્યોરિટી કેમેરા લગાવવાનો પ્રયાસ કરાયો હતો. ફિલિસ્તિની બંધૂકધારીઓએ હુમલામાં ૨ ઇઝરાયલી પોલીસઅધિકારીનાં મોત નિપજ્યા બાદ કેમેરા લગાવવાનો પ્રયાસ કરાયો હતો.

દુનિયાભરમાં વિરોધ

આંતરરાષ્ટ્રીય સમુદાયમાં અમેરિકી દૂતાવાસને જેરુસલેમ લઈ જવાની ટ્રમ્પની યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. ફિલિસ્તિને કહ્યું છે કે આ પગલાંથી તો શાંતિપ્રક્રિયાની થોડીઘણી આશા પણ નિરાશામાં પલટાઈ જશે અને હિંસા ફરીથી ભડકી ઊઠે એમ છે.

અમેરિકાના મહત્ત્વના સાથી ગણાતા સાઉદી અરેબિયાએ આ પ્રકારનાં કોઈ પગલાંનો વિરોધ કર્યો છે. ૫7 મુસ્લિમ દેશોનાં સંગઠન ઇસ્લામી સહયોગ સંગઠને આ નગ્ન આક્રમકતા બતાવી છે. આરબ લીગે પણ આ પગલાં સામે વિરોધ કર્યો છે. એ ઉપરાંત તુર્કી, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, ઈરાન, જોર્ડન, ફ્રાન્સ, ચીન, રશિયા, જર્મની, બ્રિટને પણ આ પગલાંની આલોચના કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અંતોનિયો ગુટેરેસે કહ્યું છે કે ટ્રમ્પનું નિવેદન ઇઝરાયલ-ફિલિસ્તિન વચ્ચે શાંતિની સંભાવનાને બરબાદ કરી નાખશે.