આઈએસના સ્થાપક ઓબામા અને સહ-સ્થાપક હિલેરી - Sandesh
  • Home
  • World
  • આઈએસના સ્થાપક ઓબામા અને સહ-સ્થાપક હિલેરી

આઈએસના સ્થાપક ઓબામા અને સહ-સ્થાપક હિલેરી

 | 10:22 am IST

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટેના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના સ્થાપક છે. હવે આ સંગઠન મધ્યપૂર્વથી લઈ યુરોપના શહેરોમાં હાહાકાર મચાવે છે. ટ્રમ્પે આ સાથે અમેરિકી પ્રમુખના સંપૂર્ણ નામ બરાક હુસેન ઓબામાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ફલોરિડામાં ચૂંટણી સભાને સંબોધન કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તમે જાણો છો કે અનેક રીતે તેઓ પ્રમુખ ઓબામાનું સન્માન કરે છે. તેઓ જ આઈએસઆઈએસના સ્થાપક છે. ભારપૂર્વક ઉલ્લેખ કરવા માટે તેમણે આ શબ્દો ત્રણવાર ઉચ્ચાર્યા હતાં.

ટ્રમ્પ અગાઉ ડેમોક્રેટિક ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી પર આઈએસના સ્થાપક હોવાનો આક્ષેપ મુકતા હતા. બુધવારે ચૂંટણી સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે ઓબામા આઈએસના સ્થાપક છે અને હિલેરી ક્લિન્ટન સહ-સ્થાપક છે.

ટ્રમ્પે અગાઉ પણ અનેકવાર કહ્યું હતું કે ઓબામા અને તેમના પૂર્વ વિદેશપ્રધાન હિલેરીની મધ્યપૂર્વ નીતિને લીધે જ ઈરાકમાં સત્તા અંગે શૂન્યાવકાસ સર્જાયો હતો અને તેનો ભરપૂર ગેરલાભ આઈએસે ઉઠાવ્યો છે.

ઈરાકમાંથી દળો પાછા ખેંચી લેવાની ઓબામાની જાહેરાતની આકરી ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે ઓબામાના આ નિર્ણયને કારણે જ ઈરાકમાં અસ્થિરતા સર્જાઈ હતી અને આઈએસ જેવા આતંકવાદી જૂથો ફૂલ્યાફાલ્યા હતાં.

ઈરાકમાં અલ કાયદાની સ્થાનિક પાંખ તરીકે આઈએસનો આરંભ થયો હતો અને 11 સપ્ટેમ્બર 2001એ અમેરિકા પર હુમલો કરાયો હતો. આઈએસે ઈરાકની બહુમતી પ્રજા શિયાઓ પર પ્રચંડ હુમલા શરૂ કર્યા હતા. આ કારણે અલ કાયદાની મધ્યસ્થ નેતાગીરીમાં પણ બેચેની પ્રવર્તી હતી. 2006માં અલ કાયદાનો સ્થાનિક નેતા જોર્ડનમાં જન્મેલા અબુ મુસાબ અલ ઝર્કાવી અમેરિકાના હવાઈ હુમલામાં મૃત્યુ પામ્યો હતો પરંતુ હજુ પણ તેને આઈએસનો સ્થાપક માનવામાં આવે છે.

ટ્રમ્પે આ સાથે બરાક ઓબામાના મૂળ નામ હુસેનનો પણ ઉલ્લેખ કર્યો હતો અગાઉ પણ તેમણે આ નામનો ઉલ્લેખ કરી ઓબામાની વફાદારી સામે આશંકા વ્યક્ત કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન