Trump costs more than $ 130 million for counting events Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: ટ્રમ્પની 210 મિનિટની ઈવેન્ટ માટે 130 કરોડનો ધુમાડો

અમદાવાદ: ટ્રમ્પની 210 મિનિટની ઈવેન્ટ માટે 130 કરોડનો ધુમાડો

 | 5:58 am IST

। અમદાવાદ ।

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવે છે, થોડા જ કલાકો માટે. પણ થોકબંધ સનદી અધિકારીઓ, અડધો અડધ પોલીસ તંત્ર, અમદાવાદ શહેરનું આખું તંત્ર આ થોડા કલાકોના ખેલ દરમિયાન અમદાવાદ શહેર સુંદરતમ દેખાય, સલામત દેખાય તે માટે ઘેલું થયું છે. ગણતરીના કલાકોની ઈવેન્ટ માટે ૧૩૦થી વધુ કરોડનો ખર્ચ થશે. જે ધમધમાટ એરપોર્ટથી મોટેરા વચ્ચે છે તે જોતા સરકાર-એએમસી ધારે તો ટૂંક સમયમાં જ કોઈ વિસ્તારની કાયાપલટ કરી શકે છે. તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. અહીં એવો સવાલ થાય તે સ્વાભાવિક છે કે, શહેરને રાતોરાત સુંદર, સ્વચ્છ, સુરક્ષિત બનાવી દેવાની સરકારમાં આ ત્રેવડ છે તો તે નાગરિકોને હાલાકીથી મુક્ત કરવા પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં કેમ દેખાતી નથી. થોડાક કલાક માટે આવતા ટ્રમ્પની કદમપોશી માટે આટલો ગંજાવર ખર્ચની સાથે યુદ્ધના ધોરણે બધું તાબડતોબ થઈ જાય છે. પણ પ્રજાએ જે વિશ્વાસથી ચૂંટીને મોકલે અને સરકાર બને તે જ પ્રજાની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આ જ સરકાર સતત ઉદાસીનતા દાખવી તેમનું જ અપમાન કરે છે.

આઘાતજનક બાબત એ છે કે આ બધું જ મોટેરામાં સુધરી રહ્યું છે પણ શહેરમાં બીજે ઠેર ઠેર ગંદકી, પીવાના પાણીના પ્રશ્નો, સલામતીની ચિંતા, ખરબચડા રસ્તા યથાવત્ છે. વેપાર-ધંધાના વિકાસ માટે કશું જ નથી થતું.

ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અમદાવાદ આવ્યા ત્યારે જે રોડને નવું રૂપ અપાયેલું તેને આજે પણ લોકો જિનપિંગ રોડ તરીકે ઓળખે છે, તે ખાસ નોંધવું જોઈએ.

બીજી તરફ શહેરમાં કુલ ૨૫૮૦ કિ.મી.નું રોડનું નેટવર્ક છે જે પૈકી ૯૫ કિ.મી.ના રોડ કાચા છે.  અમદાવાદ શહેરના ગટરના નેટવર્કની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૫-૧૬માં શહેરમાં ગટરનું નેટવર્કની લંબાઇ ૨૫૬૦ કિ.મી. હતુ જે ૨૦૧૯-૨૦માં વધીને માંડ ૨૬૦૦ કિ.મી.ની આસપાસ થઇ છે શહેરમાં માત્ર ૨૯ સુએજ પમ્પિંગ સ્ટેશનો છે જે ઓછા છે જેથી શહેરના પૂર્વ અને કોટ વિસ્તારમાં ગટરો બેક મારવાની સમસ્યા યથાવત છે. આજે પણ શહેરના ૯૦ ટકા વિસ્તારમાં જ ડ્રેનેજ નેટવર્ક પહોંચ્યું છે. ૧૦ ટકા વિસ્તાર એવો છે જ્યાં ડ્રેનેજ નેટવર્ક નથી. શહેરના સરખેજ, દાણીલીમડા, રામોલ સહિતના કેટલાય વિસ્તારો એવા છે જ્યાં હજુ સુધી પાણીનું નેટવર્ક પહોંચ્યું નથી. આજે પણ અહીં ટેન્કરોથી પાણી પહોંચાડવું પડે છે. મહિલાઓએ આજે પણ સવારે ટેન્કરની રાહ જોવી પડે છે. આજેપણ ખુલ્લેઆમ પીપળજ, ગ્યાસપુર, સૈજપુર-ગોપાલપુર સહિતના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કેમિકલના પાણી સીધા નાળામાં ઠલવાય છે જ્યાંથી પાણી સીધા સાબરમતી નદીમાં ઠલવાઇ રહ્યાં છે.

શહેરના લોકો રમૂજમાં ટ્રમ્પનો આભાર માને છે 

તૈયારીઓ જોઈ અમદાવાદના લોકો પરસ્પર વાતચીતમાં એવી પણ રમૂજ કરે છે કે ટ્રમ્પ સાહેબ, અહીં આવવા બદલ આભાર. અમારા શહેરનો એક વિસ્તાર તો સુધર્યો ! જો કે, બીજા શહેરના લોકો કટાક્ષમાં એમ કહે છે કે, ટ્રમ્પ સાહેબ અમારે ત્યાં આવો જેથી અમારે ત્યાં વિસ્તારો પણ સુધરે !

ડોનાલ્ડ ટ્રમ્પની વિઝિટ પાછળ ૧૩૦ કરોડથી વધુનો ખર્ચ

ટ્રમ્પની અમદાવાદ વિઝીટ પાછળ બધું મળીને આશરે રૂ.૧૩૦ કરોડનો ખર્ચ

મોટેરા અને તેની આસપાસના ૧૮ રોડ તથા ઈન્ટરનલ રોડને રિસરફેસ કરવા પાછળ રૂ.૫૦ કરોડનો ખર્ચ કરશે

વિઝીટના રૂટ પર નવી ફૂટપાથ, એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તે ડફનાળા સુધી ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમ પાછળ રૂ.૩૫ થી ૪૦ કરોડનો ખર્ચ

રોડ શો માટેના રૂટ પર બ્યુટિફિકેશન માટે ૩.૭૦ કરોડ ખર્ચશે

ચીમનભાઈ બ્રીજથી મોટેરા સ્ટેડિયમ સુધીના રસ્તા પર ફુલના કુંડા મુકવા માટે રૂ.૧.૭૩ કરોડ ખર્ચાશે

ચીમનભાઈ બ્રીજથી ઝુંડાલ સર્કલ સુધીના રસ્તા પર ફુલના કુંડા મુકવા માટે રૂ.૧.૯૭ કરોડ ખર્ચાશે

આ વીડિયો પણ જુઓ : LRD મુદ્દે આજે મહેસાણા બંધનું એલાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન