ટ્રમ્પે જૂઠ્ઠા અને દગાબાજ કહ્યા પછી પાક. પીએમએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી - Sandesh
  • Home
  • Ahmedabad
  • ટ્રમ્પે જૂઠ્ઠા અને દગાબાજ કહ્યા પછી પાક. પીએમએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી

ટ્રમ્પે જૂઠ્ઠા અને દગાબાજ કહ્યા પછી પાક. પીએમએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી

 | 4:12 am IST

ઈસ્લામાબાદ :

ત્રાસવાદનો સફાયો કરવામાં નિષ્ફળ ગયેલા પાકિસ્તાનને કરાતી ૨૫.૫૦ કરોડ ડોલરની લશ્કરી સહાય રાતોરાત બંધ કરવાના અમેરિકાના નિર્ણય પછી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પની જાહેરાત પછી પાકિસ્તાનના વડા પ્રધાન શાહિદ ખાકન અબ્બાસીએ મંગળવારે નેશનલ સિક્યોરિટી કમિટીની તાકીદની બેઠક બોલાવી હતી. અમેરિકાના આ પગલાંનો કેવો જવાબ આપવો તે અંગે બુધવારની બેઠકમાં ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે તેવું જાણવા મળે છે. પાક.ની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિમાં વિદેશ પ્રધાન, આંતરિક બાબતોના પ્રધાન, આર્મી ચીફ અને વરિષ્ઠ સિવિલ અને લશ્કરી અધિકારીઓ હાજર રહેશે .

પાક.એ અમેરિકી રાજદૂત પાસે સ્પષ્ટતા માગી

ટ્રમ્પે પાક.ને અપાતી સહાય બંધ કરવા ટ્વિટ કર્યા પછી પાકિસ્તાને અમેરિકા ખાતેના રાજદૂત ડેવિડ હેલીને રાત્રે ૯ કલાકે બોલાવ્યા હતા અને ટ્રમ્પના ટ્વિટ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. પાક.ના વિદેશ સચિવ તહમીના ઝંઝુઆએ ડેવિડ સમક્ષ ટ્રમ્પે લગાવેલા આક્ષેપો અંગે સ્પષ્ટતા માગી હતી.

અમેરિકાની મદદ નથી જોઈતી તેવું કહી પાક.નાં તંગડી ઊંચી રાખવા હવાતિયાં

ટ્રમ્પે આર્થિક સહાય રોકવાની જાહેરાત કર્યા પછી પાક. હચમચી ગયું છે પણ અમેરિકાની મદદ નથી જોઈતી તેવું કહીને તંગડી ઊંચી રાખવાના પ્રયાસો કર્યા છે. અમેરિકાની તાનાશાહી ચલાવી લઈશું નહીં તેવું કહ્યું છે. અમેરિકા અફઘાનમાં યુદ્ધ લડવા પાક.ના સંસાધનોનો ઉપયોગ કરે છે. પાક. માટે ટ્રમ્પના નો મોર નું કોઈ મહત્ત્વ નથી.  બીજી તરફ પાક.ના સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તગીરે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં અલ કાયદાને હરાવવામાં પાક. દ્વારા અસાધારણ સહયોગ કરવામાં આવ્યો છે.

;