ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને ચીની ટેલિકોમ જાયન્ટ હુઆવે કંપનીને બ્લેક લિસ્ટ કરી - Sandesh
  • Home
  • World
  • ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને ચીની ટેલિકોમ જાયન્ટ હુઆવે કંપનીને બ્લેક લિસ્ટ કરી

ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને ચીની ટેલિકોમ જાયન્ટ હુઆવે કંપનીને બ્લેક લિસ્ટ કરી

 | 3:07 am IST

। વોશિંગ્ટન ।

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે અમેરિકન ટેક્નોલોજી સામેના પડકારો મુદ્દે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી છે. ચીની ટેલિકોમ જાયન્ટ હુઆવે સહિત તેની ૭૦ સબ્સીડીઅરીને અમેરિકા દ્વારા બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવી છે. ટ્રમ્પના આ આદેશ દ્વારા વાણિજ્ય પ્રધાન વિલ્બર રોસને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે અસ્વીકાર્ય જોખમરૂપ માહિતી અથવા કોમ્યુનિકેશન ટેક્નોલોજીના આદાન પ્રદાનને અટકાવવાની સત્તા આપવામાં આવી છે. પ્રમુખના આદેશના પગલે અમેરિકી વાણિજ્ય વિભાગે હુઆવે ટેક્નોલોજી અને તેની પેટા કંપનીઓને બ્યૂરો ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સિક્યોરિટીના એન્ટિટી લિસ્ટમાં સામેલ કરી છે. આ નિર્ણયને પગલે ચાઇનીઝ ટેલિકોમ જાયન્ટ હુઆવે માટે અમેરિકી કંપનીઓ સાથે બિઝનેસ કરવો વધુ અઘરો બની જશે.

અમેરિકી વાણિજ્ય વિભાગના આ આદેશના પગલે અમેરિકી કંપનીઓ બીઆઈએસ દ્વારા લાઇસન્સ લીધા વિના હુઆવે કંપનીને ટેક્નોલોજી આપી શકશે નહીં. હુઆવે માટે કપરો સમય આવશે કારણ કે તેને કેટલાક પાર્ટ્સ માટે અમેરિકી સપ્લાયરો પર આધાર રાખવો પડે છે. હુઆવેને ઉત્પાદન ઘટાડવાની ફરજ પડે તો એશિયાના અને યુરોપના ઘણાં સપ્લાયરોને અસર થશે. હુઆવે નેટવર્ક સર્વરનું ઉત્પાદન કરવામાં અસમર્થ છે. આથી તેનો અર્થ એ કે અન્ય કોઇ દેશમાંથી પણ તેને આ પ્રોડક્ટ નહીં મળશે.

વિશ્વમાં ૧૦૫ અબજ ડોલરનો કારોબાર

હુઆવે વિશ્વમાં ૧૦૫ અબજ ડોલરનો કારોબાર કરે છે અને ટેલિકોમ ઇક્વિપમેન્ટ સપ્લાયર્સમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અમેરિકાના આ પગલાથી હુઆવેના બિઝનેસને ખાસ્સી અસર થશે. હુઆવેએ ૨૦૧૮ના વર્ષમાં કોમ્પોનન્ટ પાછળ ૭૦ અબજ ડોલરની રકમ ખર્ચી હતી અને તે પૈકી ૧૧ અબજ ડોલરના કોમ્પોનન્ટની ખરીદી અમેરિકી કંપનીઓ પાસેથી કરવામાં આવી હતી.

સપ્લાયર કંપનીઓના શેર્સ ઘટયા

હુઆવેને કોમ્પોનન્ટ સપ્લાય કરનારી કંપનીઓના શેર્સ ઘટયા હતા. દક્ષિણ કોરિયાની સેમસંગમાં ૨.૪ ટકા ઘટયા હતા, એસ કે હાઇનિક્સમાં ૩.૫ ટકા અને ચીનનો લક્સશેર પ્રિસિસન ઇન્ડસ્ટ્રી ૬.૧ ટકા ઘટયો હતો.

એપલ સામે પગલાંનો ખતરો

આ પગલા બાદ ચીન પણ અમેરિકી કંપનીઓ સામે વળતા પગલાં લેશે એમ માનવામાં આવે છે. અમેરિકાની એપલ કંપની સામે ચીન પગલાં લેશે તો તેના બિઝનેસને ખૂબ અસર થશે કેમકે એપલના આઇ ફોનની ચીનમાં મોટી બજાર છે.

અમેરિકા ફાઇવજીમાં પછાત રહી જશે : હુઆવે

ચાઇનીઝ ટેલિકોમ જાયન્ટ હુઆવેએ જણાવ્યું હતું કે, હુઆવેઇને અમેરિકામાં બિઝનેસ કરતા અટકાવવાથી અમેરિકા વધુ સુરક્ષિત કે મજબૂત બની જવાનો નથી. આ પગલાંના કારણે તો અમેરિકાને વધુ ખર્ચાળ વિકલ્પો શોધવા પડશે અને અમેરિકા ફાઇવજીની સેવાઓમાં પછાત રહી જશે.

ચીન સાથેનું વેપાર યુદ્ધ વધુ ભડકશે

અમેરિકા અને ચીન વચ્ચે જકાતના મુદ્દે હાલ વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે. ચીની કંપની સામેના પગલાંના કારણે બંને દેશો વચ્ચેનું વેપાર યુદ્ધ વધુ ભડકવાના એંધાણ છે. ટ્રમ્પના આદેશનો અમેરિકાના જ નાના ગ્રામીણ કેરિયરો દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન