Trump Order Tiktok Chinese Owned Parent Company To Divest Interest in US
  • Home
  • Featured
  • ટ્રમ્પનો ચીનને જબરદસ્ત ઝાટકો, ટિકટોકને સંપત્તિ વેચવાને લઇ આપ્યો આ મોટો આદેશ

ટ્રમ્પનો ચીનને જબરદસ્ત ઝાટકો, ટિકટોકને સંપત્તિ વેચવાને લઇ આપ્યો આ મોટો આદેશ

 | 11:18 am IST

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારના રોજ ચીની કંપની બાઇટડાંસને ટિકટોક એપના અમેરિકામાં વેપારને વેચવા માટે 90 દિવસનો સમય આપ્યો છે. ટ્રમ્પે પોતાના કાર્યકારી આદેશમાં કહ્યું કે એ વાતના અવિશ્વસનીય પુરાવા છે જેના પરથી મારે એ માનવું પડી રહ્યું છે કે બાઇટડાંસે એવા પગલાં ઉઠાવ્યા જેનાથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ઉભો થયો.

આની પહેલાં ગયા સપ્તાહે ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક અને વીચેટના ચીની માલિકોની સાથે ડીલિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમણે કહ્યું હતું કે ટિકટોક અને વીચેટ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને અર્થતંત્ર માટે ખતરો છે. એ હજી સુધી સ્પષ્ટ થયું નથી કે ટિકટોકને લઇ આપવામાં આવેલા આદેશનો મતલબ શું છે. અમેરિકામાં આ એપના 10 કરોડ યુઝર્સ છે.

માઇક્રોસોફ્ટની બાઇટડાંસની સાથે ચાલી રહી છે વાતચીત

ટ્રમ્પે બાઇટડાંસને અમેરિકન યુઝર્સ માટે લીધેલા ડેટા કે મળેલ કોઇપણ પ્રકારના ડેટાને પણ આપી દેવાનું કહ્યું છે. આપને જણાવી દઇએ કે અમેરિકામાં ટિકટોક ખરીદવા માટે માઇક્રોસોફ્ટની બાઇટડાંસ સાથે વાતચીત ચાલી રહી છે. એટલું જ નહીં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માઇક્રોસોફ્ટ કે કોઇ બીજી કંપનીની નહીં ખરીદવાની સૂરતમાં દેશમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવાની તારીખ 15મી સપ્ટેમ્બર નક્કી કરી દીધી છે. તેમણે આ સંબંધમાં કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર પણ કર્યા છે.

અમેરિકન રાષ્ટ્રપતિએ પાછલા દિવસોમાં ચીની એપ ટિકટોક અને વીચેટને 45 દિવસની અંદર પ્રતિબંધિત કરવાના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા હતા. આની પહેલાં સેનેટે એકમત થઇ અમેરિકન કર્મચારીઓને ટિકટોકનો ઉપયોગ ના કરવાના આદેશને પોતાની મંજૂરી આપી દીધી હતી. પ્રતિબંધના આદેશ પર હસ્તાક્ષર બાદ ટ્રમ્પે કહ્યું કે આ પ્રતિબંધ જરૂરી છે કારણ કે ‘અવિશ્વસનીય’ એપ જેવી ટિકટોકમાંથી ડેટાને એકત્રિત કરવો દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.

ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી પર સાંધ્યું નિશાન

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ‘ડેટાના કલેકશનથી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની અમેરિકન લોકોના ખાનગી અને સ્વામિત્વ સંબંધિત માહિતી સુધી પહોંચાડાય છે. તેનાથી ચીન અમેરિકાના સંઘીય કર્મચારીઓ અને ઠેકેદારોના સ્થાનોને ટ્રેક કરવાની મંજૂરી મળી જાય છે. એટલુ જ નહીં કોમ્યુનિસ્ટ પાર્ટી ખાનગી માહિતીના બ્લેકમેલ માટે ડોઝિયર બનાવી શકે છે અને કોર્પોરેટ જાસૂસી પણ કરી શકે છે.’

આ વીડિયો પણ જુઓ : ગુજરાતમાં 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન