બે કટ્ટર હરિફો બની રહ્યાં છે દોસ્ત, ટ્રમ્પે જિનપિંગને લઈને આપ્યું મોટું નિવેદન - Sandesh
  • Home
  • World
  • બે કટ્ટર હરિફો બની રહ્યાં છે દોસ્ત, ટ્રમ્પે જિનપિંગને લઈને આપ્યું મોટું નિવેદન

બે કટ્ટર હરિફો બની રહ્યાં છે દોસ્ત, ટ્રમ્પે જિનપિંગને લઈને આપ્યું મોટું નિવેદન

 | 8:04 pm IST

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધી ભારતને મહત્ત્વનો સાથી કહેતા રહ્યા છે પરંતુ એશિયાઈ દેશોના પ્રવાસ દરમિયાન ચીન પહોંચીને અમેરિકી પ્રમુખે એક લાંબી બેઠકને અંતે જણાવ્યું હતું કે શીન જિનપિંગ અને તેઓ સાથે મળીને વિશ્વની કોઈપણ મુશ્કેલી દૂર કરી શકે તેમ છે. શી જિનપિંગ સાથેની બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, ‘હું આશા સેવું છું કે આવનારાં ઘણાં વર્ષ સુધી આપણી મૈત્રી અને સફળતાઓને કારણે બંને દેશોની જ નહીં પણ વિશ્વની અનેક મુશ્કેલીઓ અને સુરક્ષા સંબંધી ખતરાઓનો પણ અંત આવશે. મને લાગે છે કે અમે તે મોટાભાગની મુશ્કેલીનું સમાધાન શોધી લઈશું અને લગભગ તમામ મુશ્કેલીને દૂર કરી દઈશું.’ ચીનપ્રવાસને બીજે દિવસે ટ્રમ્પે ચીની પ્રમુખ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ અને બંને દેશો વચ્ચેના વેપારને મુદ્દે પણ ચર્ચા થઈ હતી.

ચીની પ્રમુખે પરસ્પર સન્માનની ભાવના સાથે કામ કરવા બતાવી તૈયારી
ટ્રમ્પે જણાવ્યું હતું કે શી જિનપિંગને લાગે છે કે ઉત્તર કોરિયા સમસ્યાનું સમાધાન સંભવ બની શકે છે. ચીન અમેરિકાના વેપારી સંબંધોમાં આવેલી ખટાશ પણ દૂર થઈ શકે તેમ છે. બીજી તરફ ચીની પ્રમુખે જણાવ્યું હતું કે અમેરિકા-ચીન સંબંધોના નવા ઇતિહાસની શરૃઆત થઈ રહી છે. પારસ્પરિક સન્માનની ભાવના સાથે પોતે અમેરિકા સાથે કામ કરવા તૈયાર છે એમ કહેતાં ચીની પ્રમુખે કહ્યું હતું કે તેઓ પરસ્પર સહયોગ વધારવાના પક્ષમાં છે.

ચીનમાં ટ્વિટર પર પ્રતિબંધ વચ્ચે ટ્રમ્પ ટ્વિટ કરતા રહ્યા
ચીનમાં ટ્વિટર પર ભલે પ્રતિબંધ હોય પરંતુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વિટર પર ટ્વિટ કરતા રહ્યા હતા. એક અમેરિકી અધિકારીએ જણાવ્યા મુજબ ચીનમાં ગ્રેટ ફાયરવોલ દ્વારા સોશિયલ મીડિયા મંચ ટ્વિટર પર પ્રતિબંધ છે, પરંતુ ટ્રમ્પ પોતે જે ઇચ્છશે તે મુદ્દે ટ્વિટ કરતા જ રહેશે અને ટ્રમ્પે આ અધિકારીની વાતને સાચી ઠેરવતાં ટ્વિટ પણ કર્યા હતા.