શું રશિયા, ચીન અને ઉ. કોરિયા સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યાં છે ટ્રંમ્પ! - Sandesh
  • Home
  • World
  • શું રશિયા, ચીન અને ઉ. કોરિયા સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યાં છે ટ્રંમ્પ!

શું રશિયા, ચીન અને ઉ. કોરિયા સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યાં છે ટ્રંમ્પ!

 | 9:40 pm IST

ચીન, રશિયા અને ઉત્તર કોરિયાથી વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખી પેંટાગોને વર્ષ 2019માં સૈન્ય બજેટમાં ધરખમ વધારો કરવાની માંગણી કરી છે. પેંટાગોને અમેરિકી સરકારને તેના ઈતિહાસનું સૌથી મોટું સંરક્ષણ બજેટ રજુ કરવાનો આગ્રહ કર્યો છે. પેંટાગોને સરકારને 686 અરબ ડોલરનું તોતિંગ સંરક્ષણ બજેટ મંજુર કરવા માંગણી કરી છે.

અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે આ પ્રસ્તાવ રજુ કરતા કહ્યું હતું કે, અમેરિકાનું સૈન્ય પહેલા કરતા વધારે મજબુત થશે. સેના પાસે તમામ પ્રકારના હથિયારો ઉપલબ્ધ રહેશે. આ બજેટને રશિયા, ચીન અને ઉત્તર કોરિયાની તૈયારીના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે.

વર્તમાનમાં અમેરિકાનું સંરક્ષણ બજેટ દુનિયામાં સૌથી મોટું છે. અમેરિકા બાદ બીજા નંબરે ચીનનું સંરક્ષણ બજેટ આવે છે. પરંતુ ચીનનું બજેટ અમેરિકાના ત્રીજા ભાગ જેટલું જ છે. દુનિયાના ઘણા ખરા દેશોનું સંપૂર્ણ બજેટ પણ અમેરિકાના માત્ર સંરક્ષણ બજેટ બરાબર નથી. ઘણા નિષ્ણાંતો તો અમેરિકાના આટલા વિશાળ સંરક્ષણ બજેટને યુદ્ધ બજેટ ગણાવે છે. તેમાં હજી પણ ધરખમ વધારો કરવાની માંગણી ઉઠી છે.

પેંટાગોને અમેરિકી સંરક્ષણ બજેટમાં 2017ની સરખામણી 80 અરબ ડૉલરના ધરખમ વધારા સાથે 686 અરબ ડૉલરનું મસમોટું બજેટ રજુ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. પેંટાગોનનું કહેવું છે કે બજેટમાં વૃદ્ધિનો મુખ્ય હોતુ રશિયા અને ચીનનો મુકાબલો કરવાનો છે. બજેટ પ્રસ્તાવનો ખુલાસો કરતા સોમવારે અંડર સેક્રેટરી ઓફ ડિફેન્સ ડેવિડ એલ. નૉરક્યૂવિસ્ટે જણાવ્યું હતું કે, અમેરિકાની સુરક્ષા તથા સમૃદ્ધિ માટે આતંકવાદ નહીં, પરંતુ અન્ય મોટી શક્તિઓની પ્રતિસ્પર્ધા મુખ્ય પડકારો તરીકે સામે આવી છે.

બજેટ પ્રસ્તાવમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, એ સ્પષ્ટ છે કે ચીન અને રશિયા પોતાના સત્તાવાદી મોડલ સાથે પોતાને અનુરૂપ દુનિયા બનાવવા માંગે છે અને અન્ય દેશોના આર્થિક, કૂટનૈતિક તથા સુરક્ષા સંબંધી નિર્ણયો પર વીટો અધિકાર મેળવવા માંગે છે.

આમ પહેલેથી જ દુનિયાનું સૌથી મોટુ સંરક્ષણ બજેટ ધરાવતા અમેરિકા તેમાં વધારો કરશે તો તે અમેરિકી ઈતિહાસનું સૌથી મોટું બજેટ લેખાશે.