Trump's visit to Ahmedabad could give booster dose to the Indian economy
  • Home
  • Business
  • ટ્રમ્પની અમદાવાદની મુલાકાત ઇન્ડિયન ઇકોનોમીને બૂસ્ટર ડોઝ આપી શકે છે

ટ્રમ્પની અમદાવાદની મુલાકાત ઇન્ડિયન ઇકોનોમીને બૂસ્ટર ડોઝ આપી શકે છે

 | 7:10 am IST

સ્નેપ શોટ

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફર્સ્ટ લેડી મિલેનિયા સાથે ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ ઇન્ડિયા આવી રહ્યાં છે. ઇન્ડિયાની તેમની આ મુલાકાત દરમિયાન અમદાવાદ ખાતે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરાશે. આ સ્ટેડિયમમાં જ અમેરિકાનાં પ્રેસિડેન્ટ ટ્રમ્પનું ૧ લાખ લોકોની ઉપસ્થિતિમાં સન્માન થશે. જ્યારે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીના રોડશોનું આયોજન કરાયું છે જેમાં લાખો લોકો આ બે મહાનુભાવોનું સ્વાગત કરવા રોડની બંને બાજુ ઊભા રહેશે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ તેમની આ ભારતયાત્રાથી બહુ એક્સાઇટેડ છે અને અમેરિકાના મીડિયાને તેમણે કહ્યું છે કે, વડાપ્રધાન મોદીએ મને કહ્યું છે કે, રોડશોમાં લાખો લોકો હશે જેઓ અમારું સ્વાગત કરશે, મોદી કમાલના માણસ છે, તે મારા ફ્રેન્ડ છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે પત્રકારોને મજાકિયા અંદાજમાં એમ પણ કહ્યું કે, અમેરિકામાં વધારેમાં વધારે ૪૦ થી ૫૦ હજાર લોકો મારી સભામાં ભેગાં થાય છે એનાથી હવે મને ખુશી નથી મળતી. મોદી ઇન્ડિયામાં લાખો લોકો ભેગાં કરવાના છે. અમદાવાદમાં એરપોર્ટથી સ્ટેડિયમ સુધી ૫૦ થી ૭૦ લાખ લોકો ભેગાં થવાના છે. મોદીએ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવ્યું છે, આ સ્ટેડિયમમાં ૧ લાખ ૧૦ હજાર લોકો બેસી શકે છે. અમદાવાદનું આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી પણ મોટું છે.

આખી દુનિયાની નજર ૨૪ અને ૨૫મી ફેબ્રુઆરીએ પ્રેસિડેન્ટ ટ્રમ્પની ઇન્ડિયાની વિઝિટ પર રહેશે. પ્રેસિડેન્ટ ટ્રમ્પની આ મુલાકાત દરમિયાન અમેરિકા અને ઇન્ડિયા વચ્ચે વેપાર સમજૂતી પર ડીલ થવાની શક્યતા છે. આ ડીલ જો થઇ જાય તો ભારતની ઇકોનોમીને બૂસ્ટર ડોઝ મળી શકે તેમ છે અને એટલે જ ઇન્ડિયાની દૃષ્ટિએ પ્રેસિડેન્ટ ટ્રમ્પની મુલાકાત બહુ જ મહત્વની છે.

પ્રેસિડેન્ટ ટ્રમ્પની મુલાકાત અગાઉ અમદાવાદ શહેર નવા સાજ શણગાર સજી રહ્યું છે અને ત્યારે જ મીડિયામાં અમદાવાદની એક ઝૂંપડપટ્ટીની સામે દીવાલ બની રહી છે તેના સમાચારો ચમકી રહ્યાં છે. એરપોર્ટથી બહાર નીકળતાં  શરણિયાવાસ ઝૂંપડપટ્ટી કે જ્યાં ૫૫૬ કાચાં મકાનો બનાવેલા છે. આ ઝૂપડપટ્ટી પ્રેસિડેન્ટ ટ્રમ્પને રોડશો દરમિયાન ના દેખાય તે માટે ૭ ફૂટ ઊંચી દીવાલ બનાવાઇ રહી છે અને મીડિયામાં આ વાત ચગાવાઇ રહી છે. ઘરમાં મહેમાન આવવાના હોય ત્યારે આપણે અસ્ત-વ્યસ્ત સામાન વ્યવસ્થિત કરતાં હોઇએ છીએ, દીવાલ પર પોપડાં ઊખડી ગયાં હોય તો ત્યાં કેલેન્ડર લગાવી દેતાં હોઇએ છીએ. આ પ્રક્રિયા આપણું સારું દેખાય અને મહેમાનને ખરાબ ના લાગે તેના માટે હોય છે. આ વાત ગરીબીને છૂપાવવાની કે મિસમેનેજમેન્ટની વાત નથી.

પ્રેસિડેન્ટ ટ્રમ્પ આવે છે ત્યારે દેશની ઇકોનોમીને કેવી રીતે બૂસ્ટ મળે અને આ મુલાકાત દેશ માટે કેવી રીતે ફળદાયી બને તે અંગેની વાત અગત્યની હોવી જોઇએ, નહીં કે ઝૂંપડપટ્ટીને ઢાંકવા માટે બનાવાતી દીવાલ. આમ જોવા જઇએ તો કોંગ્રેસની સરકારમાં જ્યારે ૨૦૧૦માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમનું આયોજન કરાયું હતું ત્યારે દિલ્હીનું મોટાપાયે બ્યૂટિફિકેશન કરાયું હતું જેમાં નવા સ્ટેડિયમોથી લઇને ૨૬ ફ્લાયઓવર અને ૧૮ રેલવે ઓવરબ્રિજ દિલ્હીમાં બનાવાયાં હતાં. આ દિવસોમાં દિલ્હીમાં નહેરું કેમ્પનાં નામની ૨૦ વર્ષ જૂની ઝૂંપડપટ્ટીને ઢાંકવા બાંબુ અને બીજા પ્લાન્ટ્સ રોપવામાં આવ્યાં હતાં.

ઇન્ડિયામાં જ્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પ આવી રહ્યાં છે ત્યારે અમેરિકાનાં હ્યુસ્ટનમાં ૨૦૧૯માં હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો તેવોજ કાર્યક્રમ અમદાવાદમાં ”કેમ છો ટ્રમ્પ”નાં નામે યોજાવા જઇ રહ્યો છે. હ્યુસ્ટનનાં આ કાર્યક્રમમાં ૫૦ હજાર ઇન્ડિયન મૂળનાં લોકો હાજર રહ્યાં હતાં. જ્યારે અમદાવાદના ટ્રમ્પના સન્માન માટે ૧ લાખ લોકો મોટેરા સ્ટેડિયમમાં હાજર રહેવાનાં છે. આ કાર્યક્રમમાં  ટ્રમ્પ આવી રહ્યાં છે તેની પાછળ પ્રેસિડેન્ટ ટ્રમ્પનો એક પોલિટિકલ મોટિવ પણ છે. હાલમાં જ અમેરિકામાં ઔઇમ્પીચમેન્ટમાંથી હેમખેમ પ્રેસિડેન્ટ ટ્રમ્પ બહાર નીકળ્યાં છે અને તેના કારણે પ્રેસિડેન્ટ ટ્રમ્પની છબી થોડી બગડી પણ છે. હવે જ્યારે નવેમ્બરમાં અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી આવી રહી છે ત્યારે ટ્રમ્પની નજર ભારતિય મૂળના મતદારો પર પણ છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ પથરાયેલાં છે. અમેરિકામાં રહેતાં ગુજરાતીઓને પણ અમદાવાદનાં કાર્યક્રમાં સામેલ થવાં બોલાવવામાં આવ્યાં છે. અમેરિકાનાં ન્યૂયોર્ક શહેરમાં જ આશરે ૧ લાખ લોકો ગુજરાતી મૂળનાં રહે છે. અમેરિકામાં રહેતાં ગુજરાતીઓ મોટાભાગે ધંધા સાથે જોડાયેલાં છે અને બાકીના ઉચ્ચ પદો પર જોબ કરી રહ્યાં છે. એક ગણતરી મુજબ અમેરિકાની ૪૦ ટકા હોટલ ઇન્ડસ્ટ્રીઝ માત્ર ગુજરાતીઓ સંભાળી રહ્યાં છે. આ ગુજરાતીઓ ૪૦ બિલિયન ડોલરની હોટલ ઇન્ડસ્ટ્રીઝ પર કબજો જમાવ્યો છે. ગુજરાતનાં પટેલોના હાથમાં અમેરિકાની મોટેલ ઇન્ડસ્ટ્રીઝ છે તે તો જાણીતી વાત છે. આમ, ટ્રમ્પની નજર ગુજરાત અને ઇન્ડિયાનાં ઇન્ડિયન મૂળનાં મતદારો પર છે.

આ તો વાત થઇ ટ્રમ્પની લાભની પરંતુ પ્રેસિડેન્ટ ટ્રમ્પની આ મુલાકાત દરમિયાન ભારતને પણ ઘણી મોટી આશા છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીની ડીલ ફાઇનલ થાય તો તેમાં ભારતને ખૂબ મોટો ફાયદો થઇ શકે છે. ભારતે ૬.૩ બિલિયન ડોલરની ચીજ-વસ્તુઓ ૨૦૧૮માં અમેરિકામાં એક્સપોર્ટ કરી હતી. ભારતને જો જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ હેઠળ જો અમેરિકા ફાયદો કરાવે તો ૨૪૦ મિલિયન ડોલરની ડયૂટિ કન્શેસન મળી શકે છે. અત્યારે અમેરિકાએ ભારતને હાઇ ઇન્કમ ડેવલપ કન્ટ્રીઝની કેટેગરીમાં રાખ્યું છે અને એટલે આ જીએસપી કન્શેસન મળતું બંધ થયું છે. જો પ્રેસિડેન્ટ ટ્રમ્પની વિઝિટ દરમિયાન થનારાં વેપાર કરારમાં જો આ કન્શેસન મળી જાય તો ભારતને બહુ મોટો ફાયદો થઇ શકે છે. અમેરિકાની આ સામે તેની ભારતમાં આયાત થતી એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ, ડેરી પ્રોડક્ટ્સ અને હાર્લિ ડેવિડસન મોટરસાઇકલ જેવા વાહનો પર ડયૂટી ઓછી કરવાની ડિમાન્ડ છે તથા ડેટા રિલેટેડ રિલેક્સેશન માટે પોલિસીમાં સુધાર કરવાની પણ માગણી છે. આમ બંને તરફે વેપાર અંગે સમજૂતી સધાય તો ભારતને ઘણો ફાયદો થાય તેમ છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પની મુલાકાત પહેલાં જ અમેરિકા સાથે ભારતે ૨૫ હજાર કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ નક્કી કરી છે અને ભારત અમેરિકા પાસેથી ૩૦ જેટલાં હેવી ડયૂટી આર્મ્ડ હેલિકોપ્ટ્ર ખરીદી રહ્યું છે. આવનારાં દિવસોમાં જ્યારે ચીનની ઇકોનોમીમાં સેટબેક આવી રહ્યો છે ત્યારે અમેરિકા સાથેની વેપાર સમજૂતી ભારતને આર્થિક ક્ષેત્રે આગળ આવવાની મોટી તક પૂરી પાડી શકે તેમ છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન