કોઈપણ સમસ્યાનો અંત પળવારમાં લાવવો હોય તો ઈશ્વર પર રાખો શ્રદ્ધા - Sandesh
  • Home
  • Astrology
  • કોઈપણ સમસ્યાનો અંત પળવારમાં લાવવો હોય તો ઈશ્વર પર રાખો શ્રદ્ધા

કોઈપણ સમસ્યાનો અંત પળવારમાં લાવવો હોય તો ઈશ્વર પર રાખો શ્રદ્ધા

 | 4:37 pm IST

સૃષ્ટિ પર માનવદેહમાં જેનો જન્મ થાય છે તેના જીવનની દરેક ક્ષણ અગાઉથી નિર્ધારિત જ હોય છે. તમે અનેક વખત આ વાક્ય સાંભળ્યું હશે કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે. તેવી જ રીતે જીવનમાં આવતા સુખ-દુ:ખ અને સમસ્યાઓ પણ અગાઉથી નિશ્ચિત જ હોય છે. જીવનમાં આવતાં સારા અને ખરાબ સમયને કર્મના ફળ તરીકે સ્વીકારવામાં આવે છે. સારા કર્મ કરનારને સારું જીવન અને ખરાબ કર્મ કરનારને સમસ્યાગ્રસ્ત સમય ભોગવવો પડે છે. કર્મનો સિદ્ધાંત અટળ હોય છે. પરંતુ જ્યારે સમસ્યાનું નિર્માણ થાય છે ત્યારે જ તેના સમાધાન પણ અસ્તિત્વમાં આવી ચુક્યા હોય છે.

પૃથ્વી પર અવતાર ધરીને આવેલા ભગવાન શ્રીરામથી લઈ શ્રીકૃષ્ણ સહિતના તમામ દેવતાઓના અંશને પણ તેમના જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો જ પડ્યો છે. તેવી જ રીતે સામાન્ય જીવન જીવતા લોકોને પણ જીવનમાં ચઢતી અને પડતી જોવી પડે છે. પરંતુ વ્યક્તિએ એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ખરાબ સમય પછી સારો સમય આવે જ છે. જ્યારે વ્યક્તિ સમસ્યામાં પોતાની જાતને ઘેરાયો અને હારેલો સમજવા લાગે છે ત્યારે જ કોઈને કોઈ તેની મદદ આવે છે અને તેની સમસ્યાને દૂર કરી દે છે.

જો કોઈ વ્યક્તિ કપરા સમયમાં મદદે ન આવે તો પણ જ્યારે સમસ્યાનો અંત આવવાનો યોગ્ય સમય આવે છે ત્યારે ચમત્કારી રીતે તમને સમાધાન કે કોઈ રસ્તો સુઝી જાય છે જેના પર અમલ કરવાથી તમારા દુ:ખોનો અંત આવી જાય છે. આવું જ્યારે પણ થાય છે ત્યારે એ અનુભવ પણ થાય છે કે આટલી સરળતાથી કામ પાર પડશે તેવો વિચાર પણ મનમાં ન હતો. આવું તમારી સાથે પણ ક્યારેક તો થયું હશે. એટલા માટે જ જ્યારે પણ જીવનમાં સમસ્યાઓનો અંધકાર છવાઈ જાય ત્યારે નિરાશ ન થવું અને શ્રદ્ધા રાખવી કે સમસ્યા આવી છે તો તેનું સમાધાન પણ શક્ય છે જ.

જ્યારે વ્યક્તિનો સમય બદલાવાનો હોય છે ત્યારે દુનિયાની અદ્રશ્ય શક્તિઓ કામે લાગી જાય છે અને એક પછી એક સમસ્યાઓનો અંત આવવા લાગે છે. એટલા માટે જ જીવનના કપરા સમયમાં ચિંતા ન કરવી. શ્રદ્ધાથી પોતાના કર્મ અને પ્રયત્નો કરવા અને યોગ્ય સમયે તમારું જીવન પળવારમાં બદલી જશે.