વિશ્વાસ રાખો, તમે પણ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવી શકો છો - Sandesh
  • Home
  • Columnist
  • વિશ્વાસ રાખો, તમે પણ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવી શકો છો

વિશ્વાસ રાખો, તમે પણ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવી શકો છો

 | 2:45 am IST

કરન્ટ અફેર : આર. કે. સિંહા

દેશભરમાં પરીક્ષાની મોસમ બેસી ગઈ છે. ૧૦મા અને ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષા દેશભરના લાખો બાળકો પૂરી તૈયારી સાથે આપી રહ્યા છે. આ પરીક્ષાઓું પરિણામ જ તે બાળકોનું ભાવી નક્કી કરશે. કેટલાક સપ્તાહ પછી પરીક્ષાના પરિણામો પણ આવવા લાગશે.

તમે જોશો કે પરિણામો જાહેર થતાં જ પોતાને કરિયર કાઉન્સિલર કહેનારા હજારો લોકો સામે આવી જશે. તેઓ દાવા કરશે કે વધુ ગુણ મેળવીને ટોપર બનવું જ પૂરતું નથી. તેઓ પરીક્ષામાં સારું પ્રદર્શન કરનારાઓની ઉપલબ્ધિઓને ફગાવી દેતાં આગળ વધશે. તેઓ લેખ લખશે, સમાચાર ચેનલો પર જોવા મળશે. બધા માધ્યમો પર તેઓ એક જ રાગ આલાપતા હશે. તેઓ દરેક સ્થાને એમ કહેતાં સાંભળવા મળશે કે કારકિર્દીમાં સફળ થવાને અને પરીક્ષામાં સારા ગુણ લાવવા સાથે કોઈ સંબંધ નથી. તેઓ એક રીતે પરીક્ષામાં સારા ગુણ લાવનારાઓને હતોત્સાહ કરતા જોવા મળશે. તેમને પૂછો કે શાનદાર ગુણ મેળવવા વ્યર્થ જ હોય તો પછી પરીક્ષામાં ગુણ આપવાની પળોજણ જ બંધ કરી દેવી જોઇએ.

એ વાત ઠીક છે કે જે લોકો પરીક્ષામાં ટોપર નથી હોતા તેઓ પણ કારકિર્દીની દોડમાં આગળ વધે છે. તેમને પણ સફળતા મળે છે કેમ કે જીવનમાં દરેક માનવીને આગળ વધવાની તક મળતી જ રહે છે. આ પ્રકારના ઉદાહરણોની કોઈ ખોટ નથી. સચિન તેંદુલકરથી માંડીને બિલ ગેટ્સનો શાળામાં કોઈ ખૂબ સારો દેખાવ નહોતો રહ્યો. તેથી તેઓ શું પોતાના કે બીજાના બાળકોને સારા ગુણ મેળવવા પ્રેરણા નથી આપતા? શું તેઓ ઓછા ગુણ લાવનારા બાળકોથી વધુ પ્રભાવિત થતા હશે? દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ અને તેમના ઉત્તરાધિકારી સર્વપલ્લી રાધાક્રિશ્નન પહેલા ધોરણથી માંડીને કોલેજ અને યુનિવર્સિટી પરીક્ષાઓમાં હંમેશાં ટોપર રહ્યા હતા. તો તેમના જેવા મેધાવી વ્યક્તિઓની ઉપલબ્ધિને નજર અંદાજ કરી શકાય? શું સારા ગુણો મેળવવા કોઈ અપરાધ છે? શું કોઈ પરીક્ષામાં ઓછા ગુણ મેળવવા અને નાપાસ થવાની ઘટનાને ઉપલબ્ધિના રૂપમાં જોવામાં આવે?

એવું પણ કોઈ નથી કહેતું કે ગુણ ઓછા આવે કે નાપાસ થવાની ઘટના તમામ સંભાવનાનો અંત છે. તેનો અર્થ એ પણ નહીં કે ઓછા ગુણ આવતાં નિરાશાના સાગરમાં ડૂબકીઓ લગાવતા રહેવું. પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લેવી. પરીક્ષામાં ઓછા ગુણ આવતાં કે નાપાસ થતાં આત્મહત્યા કરી લેવી તે ઘટના પણ કાયરતા છે. પરંતુ કોઈના ઓછા ગુણ આવ્યા હોય તો તેણે તે તો સમજવું જ જોઇએ કે તેવું થયું કેમ? તેણે જાણવું સમજવું પડશે કે તેનાથી વધુ ગુણ મેળવનારે સરસાઈ મેળવી કઇ રીતે.

માનવું જોઇએ કે પરીક્ષા પણ એક સ્પર્ધા જેવી ઘટના છે. જેવી રીતે આપણે ક્રિકેટ, ફૂટબોલ, હોકી કે કોઈ પણ રમતમાં જીતના ઈરાદા સાથે રમતમાં ઊતરીએ છીએ તે રીતે જ પરીક્ષામાં આપણું લક્ષ્ય ટોપર બનવાનું હોવું જોઇએ. પરીક્ષામાં માત્ર ઉત્તીર્ણ થઇ જવાની ઘટના વળી કઈ ઉપલબ્ધિ છે? શું તમે કોઈપણ પરીક્ષામાં માત્ર ઉત્તીર્ણ થવા ભાગ લો છો? જો તમારું લક્ષ્ય માત્ર આટલું જ હોય તો તમે તમારી સાથે ન્યાય નથી કરી રહ્યા. માફ કરજો, તમે તમારી જાત સાથે દગો કરી રહ્યા છો.

હિન્દી બેલ્ટના લગભગ તમામ રાજ્યમાંથી અહેવાલ આવે છે કે બોર્ડની પરીક્ષાના કડક વલણને કારણે હજારો બાળકો પરીક્ષા કેન્દ્ર સુધી જ નથી પહોંચતા. તો હજી પણ આપણે ત્યાં લાખો બાળકો નકલના સહારે જ કોઈ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું સપનું જુએ છે? તો આપણા દેશની તે દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે.

બેશક, બધા જ પરીક્ષામાં ટોપર ના બની શકે. કેટલાક નાપાસ પણ થશે જ. એ પણ હકીકત છે કે બધા બાળકો સમાનપણે મેધાવી નથી હોતા. પાંચેય આંગળી સરખી નતી હોતી પણ પાંચેય આંગળીનું મહત્ત્વ તો છે જ. પરંતુ તેની સાથે એ પણ સાચું છે કે બાળક મહેનત કરે તો પહેલાંને મુકાબલે વધુ ગુણ લાવી શકે છે. અર્થાત મહેનતનો કોઈ વિકલ્પ નથી. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી વિશે ક્રિકેટ સમીક્ષકો માને છે કે તેમણે કઠોર પરિશ્રમ કરીને જ પોતાની જાતને સાબિત કરી છે. સચિન તેંડુલકર કે બ્રાયન લારાની જેમ તેઓ સંભાવનાઓથી લદાયેલા નહોતા. પરંતુ તેમણે મહેનત કરીને અને પોતાની ઊણપોમાં સુધાર લાવીને એક મુકામ હાંસલ કરી લીધો. સ્પષ્ટ છે કે કોઇ ઇચ્છે તો પોતાનામાં સતત સુધારા કરી શકે છે. પરીક્ષામાં આ જ રીતે સારો દેખાવ કરી શકે છે. થોડા સમય પહેલાં દેશના એક જાણીતા આર્કિટેક્ટ સાથે મુલાકાત થઈ. તેમણે દેશની અનેક મહત્ત્વની ઇમારતોની ડિઝાઈન તૈયાર કરેલી છે. કહી રહ્યા હતા કે ૧૦મા ધોરણ સુધી સરેરાશ વિદ્યાર્થી હતા. પરંતુ ગણિત સારું હતું. ગણિત વિષય તેમને ગભરાવતો નહતો. ૧૦મા ધોરણમાં ૬૫ ટકા આવ્યા હતા. તેમને સમજાતું નહોતું કે સાયન્સ વિષયમાં આગળ વધે કે કોમર્સ લે? તેમના માતાએ તેમને સાયન્સ વિષય લેવા આગ્રહ કર્યો. તેમની માતા એમની ક્ષમતાઓને જાણતા હતા. ૧૨મા ધોરણ બોર્ડની પરીક્ષામાં સારો દેખાવ કર્યો. તે પછી એક આર્કિટેક્ટ કોલેજમાં પ્રવેશ પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી લીધી. અર્થાત દરેકે પોતાની ક્ષમતાઓમાં સુધારો કરતાં આગળ વધવું જોઇએ.  મિડલની પરીક્ષા હોય કે મેટ્રિકની કે પછી સિવિલ સવર્સિની પરીક્ષા હોય પરંતુ તેમાં ટોપર રહેવું હંમેશાં મહત્ત્વનું કહેવાય છે. આ વિષય પર બિનજરૂરી ચર્ચાથી બચવું જ જોઇએ. સારા ગુણ મેળવવાનો એક જ રસ્તો છે, નિયમિત વાંચન લેખન. તમારે કઠોર પરિશ્રમ કરવો પડતો હોય છે. પૂર્વે કોઈ પરીક્ષામાં ટોપર રહેલા વિદ્યાર્થીને પૂછશો તો કહેશે કે તેણે આટલા સારા ગુણ કઈ રીતે મેળવ્યા? તેનો એક જ ઉત્તર મળશે કે દિવસ રાત વાંચતો હતો. તેથી તો તેમને અભૂતપૂર્વ સફળતા મળી. ખેલકૂદમાં તો ઘણી વાર તુક્કો લાગી જતાં વિજય મળી જતો હોય છે. આપણે જોઈએ છીએ કે ખેલકૂદમાં ઘણીવાર અપસેટ સર્જાતા હોય છે. મજબૂત ગણાતી ટીમને ઘણી વાર નબળી કહેવાતી ટીમ કે ખેલાડી હરાવી દેતા હોય છે. પરંતુ પરીક્ષામાં તો પ્રમાણિકતાથી મહેનત કર્યા વિના નોંધપાત્ર સફળતા ના જ મેળવી શકાય. એક રીતે પરીક્ષાનો અર્થ શિખરને આંબવાનો જ હોય છે. પરીક્ષામાં માત્ર ઉત્તીર્ણ થવાનો તો કાંઈ આનંદ કહેવાય? ઉત્તીર્ણ તો ઘણા થાય છે ટોપર કોઈક જ બને છે. ટોપર બનો. પ્રયાસ કરવામાં ખોટું શું છે?

( લેખક રાજ્યસભાના સભ્ય છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન