'સત્ય' ખુશામતિયું નહિ, નિર્ભય હોય! - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • ‘સત્ય’ ખુશામતિયું નહિ, નિર્ભય હોય!

‘સત્ય’ ખુશામતિયું નહિ, નિર્ભય હોય!

 | 4:06 am IST

કબીર કાશીમાં જન્મ્યા અને કાશીમાં રહ્યા. કાશી પંડિતોની નગરી. કાશીના પંડિતોની ત્યાં પૂરા હિંદુ ધર્મ ઉપર જબરદસ્ત પક્કડ હતી. કાશીના પંડિતોનો નિર્ણય બ્રહ્મવાક્ય થઈ જતું. અને પંડિતો રૂઢિવાદી, કટ્ટર રહેતા. તેમને કોઈ પડકારી શકતું નહિ. રૂઢિઓ જ ધર્મ બની ગઈ હતી, ત્યારે કબીરે પંડિતોની સામે માથું ઊંચકેલું અને જબરદસ્ત પડકાર આપેલો. બ્રાહ્મણો સમસમી ઊઠતાં પણ કબીરના પ્રભાવ આગળ ચૂપ રહેતા.

ઊંચા ચઢકે બાંગ પુકારે ક્યાં વો અલ્લા બહેરા હૈ?

ચીટી કે પાંવમેં નૂપુર વાગે તો ભી અલ્લા સુનતા હૈ ।।

સંતો પાંચ પ્રકારના હોય છે. (૧) ખુશામતિયા સંત, (૨) અર્થપ્રધાન સંત, (૩) પંથપ્રધાન સંત, (૪) નિર્લોભી પણ ઉદાસીન સંત અને (૫) અન્યાય-અત્યાચાર સામે પડકાર આપનાર વીર સંત.

૧. ખુશામતિયા સંત : આ ગૃહસ્થોની ખુશામત કરતા રહે છે. કોઈને ખોટું લાગે તેવું બોલવું કે લખવું નહિ. શ્રીમંતો, વગદાર, માથાભારે માણસોનાં જાહેરમાં વખાણ કરવાં, તેમને ઊંચા બેસાડવા, માળાઓ પહેરાવવી, પ્રસાદીનાં પડીકાં આપવા જેથી તે નારાજ ન થાય, રાજી રહે. વગર બોલાવ્યે કોઈના ઘરે પહોંચી જવું. બહેનોનાં વખાણ કરવાં વગેરે અનેક પ્રકારે ખુશામત કરતા રહેવું. આવા સંતોમાં ખુમારી નથી હોતી.

૨. અર્થપ્રધાન સંત : આ ઉઘરાણિયા સંત હોય છે. જ્યારે જુઓ ત્યારે નાનાં-મોટાં નિમિત્ત બનાવીને તે ઉઘરાણાં કરતા જ હોય છે. સામે ચાલીને પોતાની પધરામણી કરાવડાવે, દબાણ કરીને પૈસા કઢાવે, શિકારી જેમ શિકારને શોધતો ફરે તેમ આવા સંતો ધનવાનોને શોધતા ફરે છે.

૩. પંથપ્રધાન સંત : તેમને પોતાના પંથ-પરિવાર-મંડળનો ફેલાવો કરવાની ધૂન લાગી હોય છે. ફરીફરીને ઈચ્છાએ કે વગર ઈચ્છાએ કંઠીઓ બાંધતા ફરે, ટોળું કેમ મોટું થાય તેની જ ચિંતા. ટોળું કેમ સારું થાય તેની ચિંતા નહિ. પહેલાં ટોળું વધારવાનું અને પછી દર વર્ષે ફરજિયાત ઊન કાતરી લેવાનું.

૪. નિર્લોભી સંત : આવા સંત નિર્લોભી, અપેક્ષા વિનાનાં હોય છે. તે કોઈની પાસે કશી અપેક્ષા રાખતાં નથી પણ પ્રવૃત્તિમુક્ત શાંત રહેતા હોય છે. જે થતું હોય તે થવા દેવું. કશામાં દખલ કરવી નહિ. આપણે ભલાને આપણો આત્મા કે પરમાત્મા ભલો. આવા સંત નિરુપદ્રવી અને શાંત હોય છે. પણ થોડા નમાલા પણ હોય છે.

૫. વીર સંત : આવા સંત વીર હોય છે. અન્યાય-અત્યાચાર જોઈને ચૂપ રહી શકતાં નથી. તે સામનો કરે છે. સામનો કરનાર જો શત્રુ હોય, શત્રુઓ કે વિરોધીઓની પરવા કર્યા વિના તે જીવનભર અનર્થો સામે ઝઝૂમતા રહે છે. તેમના ઝઝૂમવાથી ધર્મ સુધરે છે, સમાજ સુધરે છે. રાષ્ટ્ર પણ સુધરે છે.

કબીર આ પાંચમાં પ્રકારના સંત કહી શકાય. તેઓ જીવનભર ઝઝૂમતા જ રહ્યા. બધાંને રાજી રાખવા સૌની હાએ હા ન કરી, જે સત્ય લાગ્યું તે પૂરી નિર્ભયતાથી કહી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન