સત્ય સાબિત કરવા કરતાં સમજાય તેમાં વધારે મજા છે - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • સત્ય સાબિત કરવા કરતાં સમજાય તેમાં વધારે મજા છે

સત્ય સાબિત કરવા કરતાં સમજાય તેમાં વધારે મજા છે

 | 7:42 am IST

રીલેશન ના રિલેસનઃ રવિ ઈલા ભટ્ટ

અપના

સચ ઉસકો સુનાને કે લિયે

હમ સે કિસ્સોં કા હવાલા ચાહિયે

સત્ય બોલવી, સાંભળવાની કે કહેવાની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ પોતાની વાતને સાચી ઠેરવે છે. પોતે સત્ય બોલે છે તેવું પુરવાર કરવા ગમે તે સ્તરે જવા તૈયાર હોય છે. ઉબૈદ હારિસની ઉપરોક્ત પંક્તિઓ આ વાતને સચોટ રીતે પુરવાર કરે છે. આપણે જ્યારે પણ સાચી બાબત રજૂ કરીએ ત્યારે તેની સાથે ઘટનાઓ જોડતા હોઈએ છીએ. ગયા વખતે આવું થયું હતું ને તો તે આમ કર્યું હતું અને પછી મેં આમ કર્યું હતું… જેવા ઉદાહરણો આપીને આપણે પોતાની જાતને સાચી ઠેરવતા હોઈએ છીએ.

બે વ્યક્તિ જ્યારે સત્ય વિશે વાત કરતી હોય છે ત્યારે સત્ય ક્યારેય સનાતન નથી હોતું. બંને પક્ષે પોતપોતાનું સત્ય હોય છે. ભગવાન બુદ્ધ કહેતા કે, જે છે તે ખરેખર નથી… અને જે નથી તેનું તો સાચે જ અસ્તિત્વ નથી…. આ સત્યને આપણે હવે સમજી તો શકીએ છીએ પણ અપનાવી શકતા નથી.

સંબંધોની વાત આવે એટલે આપણે ત્રાજવાં લઈને બેસી જઈએ છીએ. ત્યારબાદ છે અને નથીના વજનીયા મૂકી મૂકીને સામેની વ્યક્તિને દોષિત સાબિત કરવા મથતા રહીએ છીએ. સંબંધમાં આપણી પાસે શું છે, શું મળવું જોઈએ અથવા શું આપવું જોઈએ તે જાણવાના બદલે આપણને શું નથી મળ્યું, શું મળવાનું નથી તેની વાતો લઈને બેસી જઈએ છીએ. આ વધુની કામના આપણને ઓછામાં ઓછું આપે છે. પતિ-પત્નીના સંબંધો, માતા-પુત્રના કે પિતા પુત્રીના કે, મિત્રતાના અથવા તો અન્ય કોઈપણ સંબંધમાં આપણે માત્ર એક જ પ્રયાસ કરતા હોઈએ છીએ કે સામેની વ્યક્તિ ખોટી હોય કે સાબિત થાય. આપણે હંમેશાં સાચા જ છીએ, હતા અને રહેવાના છીએ તે સાબિત કરવા મથતા રહેતા હોઈએ છીએ.

સામાન્ય રીતે જ્યારે બે વ્યક્તિ વચ્ચે ચર્ચા ચાલતી હોય ત્યારે બંને એવા જ પ્રયાસ કરતી હોય છે કે તે સાચી છે અને તેના દ્વારા ઉચ્ચારાયેલો એક એક શબ્દ સનાતન સત્ય જેવો છે. સાચું અને ખોટું સાબિત કરવાની ચકમકમાં સંબંધને ક્યાંય ઝાળ અડી જાય છે અને લાગણીઓ ભડકે બળવા લાગે છે. ઘણી વખત આપણે અજાણતા પણ આવું કરી બેસીએ છીએ. છતાં એક વાત દેખીતી છે કે આપણે સભાન પણે સાબિત તો કરીએ જ છીએ કે હું જ સાચો છું કે હું જ સાચી છું.

બિનજરૂરી અને અર્તાિકક દલીલો કરતી વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે સામેની વ્યક્તિ આપણી છે. તેની સામે કંઈપણ સાબિત કરી દેવાથી કશું જ થવાનું નથી. તેને તમે ખોટી સાબિત કરશો તો પણ તમારો આનંદ ક્ષણજીવી જ રહેશે. તમારે દર વખતે સત્ય સાબિત કરવા કરતા તેને સમજાવવું વધારે મહત્ત્વનું હોય છે. ઘણી વખત એવી સ્થિતિ આવતી હોય છે કે આપણે સત્ય સાબિત કરવું પડે છે. ત્યારે સાબિતીની પળોજણમાં પડયા વગર સત્ય સમજાવવું વધારે મહત્ત્વનું હોય છે. દર વખતે દલીલોથી નહીં પણ સમયના ભરોશે છોડીને પણ સત્ય સમજાવી શકાય છે. કોઈપણ બાબતને સમય આપો આપમેળે તે સાચી સાબિત થશે. અહીંયા શકીલ જમાલીનો શેર કંઈક અલગ જ વાત કરે છે,

ઝુટ મેં શક કી કમ ગુંજાઈશ હો સકતી હૈ

સચ કો જબ ચાહો ઝુઠલાયા જા સકતા હૈ

અંગત સંબંધોમાં આપણે આ ભૂલો કરતા જ હોઈએ છીએ. આપણે સત્યને સાબિત કરવામાં એ ભૂલી જઈએ છીએ કે, આ સંબંધ, સંબંધી અને વ્યક્તિ આપણા માટે કેટલા મહત્ત્વના છે. સંબંધ કેટલા નાજુક તાંતણે બંધાયેલો છે. માત્ર સાબિત કરે દેવાની ઘેલછામાં આપણે ઘણી ખત સારા સંબંધોનો ભોગ લઈ લેતા હોઈએ છીએ. ક્યારેક એવી સ્થિતિ હોય છે કે, આપણે ખરેખર સાચા હોઈએ છીએ પણ ત્યારે સાબિતી માટે બૂમો મારવી, બરાડા પાડવા કે પછી દલીલબાજીમાં પડી જવું, અધિરા થઈ જવું અયોગ્ય છે. સામેની વ્યક્તિને સત્ય સમજાય એટલું બહુ છે. તેની સાબિતી આપ્યા કરવી અયોગ્ય છે.

આપણી તકલીફ્ એ છે કે, સામેની વ્યક્તિ એક વખત ખોટી સાબિત થાય પછી આજીવન આપણે તેના ઉપર એ બાબતની મહોર મારી દઈએ છીએ. તેને સતત ટોક્યા કરીએ છીએ. તેને ક્યારેય સમજવાનો પ્રયાસ કરતા જ નથી. આપણે કોઈને ક્યારેક કોઈ વાત સમજાવવી છે તો એકાદ વખત સમજાવો પછી તેને સ્પેસ આપો જેથી તે જાત અનુભવ કરી શકે. આપણે તરત જ પરિણામ માગીએ છીએ અને ફ્રી એક વખત સાચું ખોટું સાબિત કરવા બેસી જઈએ છીએ.

બાળક અભ્યાસમાં ભૂલ કરે તો આપણે તેને ખખડાવી નાખીએ છીએ. તે મહેનત જ નહીં કરી હોય, તને શીખવાડયું હતું, પણ પ્રેક્ટિસ જ નહીં કરી હોય. આપણે એટલું નથી વિચારતા કે આંબો વાવ્યા પછી યોગ્ય સમયે જ કેરી આવે છે તો પછી ઉતાવળ કરીને આંબાને ત્રાસ શા માટે આપીએ છીએ. તેનું સનાતન સત્ય એટલું જ છે કે સમય આવ્યે જ કેરીઓ મળશે.

આપણે લોકો વારંવાર પુરાવા આપીને, બરાડા પાડીને, દલીલો કરીને સત્ય સાબિત કરવા મથીએ છીએ પણ એ નથી વિચારતા કે આ અસત્ય ખરેખર કેટલો સમય ટકશે. તેનું આયુષ્ય કેટલું રહેશે. સત્ય તેજોમય છે. તેને આપોઆપ બહાર આવવા દો. સૂર્યોદય થાય અને અંધકાર દૂર જાય તેમ સત્ય આપોઆપ બહાર આવે છે. દલીલો અને ધારણાઓના વાદળા આપોઆપ દૂર થઈ જતા હોય છે. આવું સત્ય કોઈને પણ સરળતાથી સમજાઈ જતું હોય છે, તેને સાબિત કરવાની જરૂર પડતી નથી.ે.

[email protected]