કાલે અતિ પવિત્ર ઉત્પત્તિ એકાદશી: વર્ષભરની એકાદશી કરવાનું કાલે લેવું વ્રત - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • કાલે અતિ પવિત્ર ઉત્પત્તિ એકાદશી: વર્ષભરની એકાદશી કરવાનું કાલે લેવું વ્રત

કાલે અતિ પવિત્ર ઉત્પત્તિ એકાદશી: વર્ષભરની એકાદશી કરવાનું કાલે લેવું વ્રત

 | 11:28 am IST

હિન્દુ ચાતુર્માસ વેળાએ ચાર મહિનાના વિઘ્ન બાદ દેવ ઊઠી એકાદશીની ઉજવણી સાથે જ લગ્ન સહિતના શુભ કાર્યોની શરૂઆત થઇ ચૂકી છે. દેવ ઊઠી એકાદશી અને દેવદિવાળી જેવા પર્વોની રંગેચંગે ઉજવણી બાદ હવે મકરસંક્રાંતિ પર્વની ઉજવણીની કાગડોળે રાહ જોવાઇ રહી છે. જોકે, તે પૂર્વે ધાર્મિક રીતે મહત્વ ધરાવતી ઉત્પત્તિ એકાદશીની આવતી કાલે મંગળવારના રોજ ઉજવણી સાથે જ આખા વર્ષની અગિયારસના ઉપવાસનું વ્રત લેવામાં આવશે. વર્ષની ૨૪ અથવા તો અધિક માસ હોય તો વર્ષની ૨૬ એકાદશી કરવાનું વ્રત લેવાની સાથે જ ઉત્પત્તિ એકાદશીની ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવશે.

હિન્દુ શાસ્ત્રો અને સમુદાયમાં એકાદશી વ્રત, ઉપવાસનું ભારે મહત્વ આંકવામાં આવ્યું છે. હિન્દુ વર્ષમાં ૨૪ એકાદશી આવે છે. જો અધિક માસ હોય તો ૨૬ એકાદશી આવે છે. લોકો મહત્વ અને વ્રત પ્રમાણે એકાદશીના ઉપવાસ રાખે છે. જોકે, આખા વર્ષ દરમિયાન કરવામાં આવતી એકાદશીનું વ્રત પાળવા માટે ઉત્પત્તિ એકાદશીનું મહત્વ વધુ છે. દેવ ઊઠી એકાદશી બાદની આ પહેલી એકાદશી હોવાની સાથે જ આ દિવસે આખા વર્ષની એકાદશી કરવાનું વ્રત લેવામાં આવે છે. ઉત્પતિ એકાદશીથી જ વ્રતની શરૂઆત થાય છે. ઉત્પત્તિ એકાદશી કરવાથી હજારો ગૌદાનનું ફળ મળે છે. તેમજ વર્ષની બધી એકાદશી કરવાથી બ્રહ્મહત્યાના દોષથી મુક્તિ મળે છે. વળી, ચાર તીર્થધામનું ફળ પણ ઉત્પત્તિ એકાદશીના ૧૬માં ભાગનું જ ગણવામાં આવે છે. ઉત્પતિ એકાદશી કરવાથી શત્રુ નાશ થાય છે.

દેવ ઊઠી બાદની પહેલી એકાદશી ઉત્પત્તિ કે ઉત્પન્ન એકાદશી કહેવાય છે. એકાદશી કે અગિયારસના ઉપવાસ કરવામાં આવે છે, પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે એકાદશી એ દેવીનું નામ છે. આ દેવી ભગવાન વિષ્ણુના શરીરમાંથી ઉત્પન્ન થયા હતા તે દિવસની ઉત્પત્તિ એકાદશી તરીકે ઉજવણી કરાઇ છે. માન્યતા મુજબ, મૂર નામના રાક્ષસે દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢયા હતા. ત્યાર બાદ વિષ્ણુ ભગવાને વર્ષો સુધી રાક્ષસ સામે લડ્યા હોવા છતાં તે હાર્યો ન હતો. વિષ્ણુ ભગવાન જ્યારે ગુફામાં સૂતા હતા ત્યારે રાક્ષસ ગુફામાં તેમને મારવા આવ્યો હતો. તે વેળાએ વિષ્ણુ ભગવાનના શરીરમાંથી ઉત્પન્ન થયેલી કન્યાએ રાક્ષસનો વધ કર્યો હતો. તે કન્યાને એકાદશી નામ અપાયું હતું અને તે દિવસની ઉત્પતિ એકાદશી તરીકે ઉજવણી કરાઇ છે. સોમવારે બપોરે ૧૨.૨૫થી મંગળવારે બપોરે ૧૨.૩૫ વાગ્યા સુધી ઉત્પત્તિ એકાદશી મનાવાશે.