the four forms of religion Tulsidasji has described Astrology
  • Home
  • Astrology
  • તુલસીદાસજીએ કર્યુ છે વર્ણન, ધર્મના છે ચાર સ્વરૂપ

તુલસીદાસજીએ કર્યુ છે વર્ણન, ધર્મના છે ચાર સ્વરૂપ

 | 8:00 am IST

સત્ય

તુલસીદાસજીની ધર્મની વ્યાખ્યા સહુ પ્રથમ છે ‘ધરમ ન દૂસરા સત્ય સમાના, આગમ નિગમ પુરાન બખાના.’ ધર્મનું  સર્વ પ્રથમ આવશ્યક તત્વ છે જીવનમાં સત્યનો આવિર્ભાવ. સત્યની સાથે જ આપણે ધાર્મિક બની શકીએ. પ્રત્યેક ધાર્મિક સત્ય સાથે જોડાયેલા રહે, નહીંતર ધર્મ કેવો! ગોસ્વામીજીએ એક દૃષ્ટાંત આપ્યું છે. પૂનમની રાત હતી. એક વ્યક્તિ પાત્ર લઈને ઊભી હતી.

પાત્ર શુદ્ધ ઘીથી ભર્યું હતું. ચંદ્ર તેમાં દેખાવા લાગ્યો. તે વ્યક્તિને એમ લાગ્યું કે જુદા જુદા પાકની જેમ તેણે ઘીમાં આ ચંદ્રપાક બનાવી લીધો છે. તેમાં તેણે તેનો અનુભવ કરવાનો એટલે કે તેણે ચાખવાનો પ્રયત્ન કર્યો. ગોસ્વામીજી તુલસીદાસજી પૂછે છે, યુગો વીતી જાય તો પણ શું ક્યારેય ચંદ્રપાક બની શકે? સદીઓ વીતી જાય, જન્મજન્માંતર પસાર થઈ જાય ચંદ્રપાક બનાવવો  શક્ય છે ખરો? એવી જ રીતે જો સત્ય જીવનમાં ન હોય તો જીવનમાં ધર્મની સ્થાપના શક્ય છે ખરી? તો ધર્મનું એક અનિવાર્ય ચરણ છે સત્ય.

અહિંસા

ગોસ્વામીજી બીજી વાત કહે છેઃ ‘પરં ધરમ શ્રુતિ બિદિત અહિંસા, પર પીડા સમ અગન ગિરીસા.’ જો સત્ય ધર્મનું પ્રથમ ચરણ છે તો અહિંસા તેનું બીજું ચરણ છે. જો હૃદયમાં કરુણા હોય તો જ તેમાં અહિંસા જન્મે. કરુણા પ્રગટ થાય કે તરત જ હાથમાં રહેલા શાસ્ત્રો હેઠાં પડી જાય છે.

જો આપણે ધાર્મિક હોઈએ તો મહેરબાની કરીને ખુદ પોતાને છેતરો નહીં. ધાર્મિક હોવા માટે અહિંસક હોવું અનિવાર્ય છે. જે અહિંસક હોય તે જ ધાર્મિક છે. કરુણા આપણા  જીવનમાં  પ્રગટવી જ જોઈએ. તેને પ્રગટવા માટે અનેક રસ્તા છે પરંતુ જ્યાં સુધી કોઈ પ્રહાર ન કરે ત્યાં સુધી હચમચાવી ન દે, હૃદયને દૂષિત કરી દે તેવો કોઈ બનાવ ન બને, ત્યાં સુધી કરુણા નથી પ્રગટતી. ધર્મ માટે અહિંસાનો  ઘણું મહત્વ છે.

પરહિત

ધર્મનું ત્રીજું સ્વરૂપ છે પરહિત. પરહિતની જુદી જુદી વ્યાખ્યાઓ આપવામાં આવી છે. હકીક્તમાં બહુ  ઊંડા ઊતરીએ તો બસ એક જ વાત કહી શકીએ ‘પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ.’ બીજાનું હિત કરવા જેવો અન્ય કોઈ ધર્મ નથી. આપણે આપણા જીવનમાં સવાર-સાંજ કેટલું પરહિત કરીએ છીએ? આપણે પોતાને માટે તો વારંવાર ઘરમાંથી નીકળીએ છીએ, બજારમાં જઈએ છીએ, પરંતુ જ્યાં આપણો જરાપણ  સ્વાર્થ ન હોય એવાં કાર્યો માટે આપણે કેટલીવાર ઘરની બહાર નીકળીએ છીએ? શું તમે ક્યારેય પોતાની જાતને આ પ્રશ્ન પૂછયો છે? ન પૂછયો હોય તો જરૂર પૂછો.

જેટલું થઈ શકે તેટલું બીજાનું કલ્યાણ કરો. પોતાનું કલ્યાણ કરવું એ તો મૂઢતા છે, જડતા છે. આપણે ક્યાં  છીએ, શું કરી રહ્યા છીએ, આપણે શું કરવું જોઈએ? મોટેભાગે પોતાને વિષે ખોજ કરવામાં આવે છે, આત્મખોજ. પોતાને વિષે ચિંતન કરવામાં આવે છે. આ સારું છે, પરંતુ બીજાનું ભલું પણ  કરવું જોઈએ. શાસ્ત્રની ભાષામાં  પોતાનું હિત સાધવા વાળી વ્યક્તિ જડ ગણાય છે. જે પરહિત કરે તે જ માનવી કહેવાય.

પવિત્રતા

ગોસ્વામીજીએ ધર્મનું ચોથું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે ધર્મ દૂધ જેવો છે. દૂધ પવિત્ર વસ્તુ છે. પવિત્રતા ધર્મનું ચોથું સ્વરૂપ છે.

ધર્મવૃક્ષ

આમ તો ધર્મના ચાર જ સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ ગોસ્વામીજીએ અત્યંત સુંદર એવાં પાંચમા સૂત્રનો પણ ઉલ્લેખ કર્યો છે. તેઓ કહે છે કે ધર્મ એક વૃક્ષ છે. વૃક્ષને મૂળિયાં હોય છે, શાખાઓ હોય છે, ડાળીઓ હોય છે, પાંદડાં હોય છે, ફળ હોય છે. તેમણે ધર્મને વૃક્ષની ઉપમા આપતી વખતે આ ચાર વસ્તુઓની ચર્ચા કરી છે. ધાર્મિક, બુદ્ધિમાન, જાગૃત વ્યક્તિએ વિચારવું જોઈએ કે આપણા ધર્મવૃક્ષનાં મૂળિયાં ક્યાં હોય, કેવાં હોય, તેની શાખાઓ કેવી હોય, પાંદડાં કેવાં હોય અને ફળ કેવાં હોય. ધર્મ વૃક્ષનું મૂળ શું છે? તેની શાખાઓ કઈ છે અને ફળો કયાં છે?

ધર્મનું મૂળ તત્ત્વજ્ઞાનની જિજ્ઞાસા છે. તત્ત્વજ્ઞાનની રુચિ, તેનાં પ્રત્યેની  આસ્થા જ તેનાં  મૂળિયાં છે. જો તમે આ સમજી અને સ્વીકારી લેશો તો તમે જરૂર સત્ય જાણી સકશો. બ્રહ્મસૂત્રની શરૂઆત કરતી વખતે ભગવાન મહર્ષિ વેદવ્યાસ નારાયણ કહે છેઃ ‘અથતો બ્રહ્મ જિજ્ઞાસા.’

કવર સ્ટોરી :- પૂ. મોરારિ બાપુ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન