'Turn Table Ladder' is invited from Germany in Surat
  • Home
  • Gujarat
  • ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા: સુરતમાં જર્મનીથી ‘ટર્ન ટેબલ લેડર’ મંગાવાયું

ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા: સુરતમાં જર્મનીથી ‘ટર્ન ટેબલ લેડર’ મંગાવાયું

 | 8:46 pm IST

તક્ષશીલા અગ્નિકાંડમાં 22 નિર્દોષ કાળનો કોળિયો બનતા સરકારી તંત્ર પર ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે. જેને પગલે સુરત ફાયર બ્રિગેડને આધૂનિક સાધનોથી સજજ કરવા તંત્રએ કવાયત શરૃ કરી છે. દરમિયાન તક્ષશીલા અગ્નિકાંડ જેવી ગોજારી ઘટના કે અન્ય કોઈ હોનારતના સમયે સડસડાટ ૫૫ મીટરની ઉંચાઈ સુધી પહોંચી શકાય માટે જર્મનીથી રૃપિયા આઠ કરોડના ખર્ચે ‘ટર્ન ટેબલ લેડર’ અત્યાધૂનિક ગાડી મંગાવામાં આવી છે. આ ગાડી ફક્ત દોઢ જ મિનિટમાં 16 માળ સુધી પહોંચી શકશે, જેથી ઝડપથી રેસ્ક્યૂ કામગીરી કરવામાં ફાયર બ્રિગેડના લાશ્કરોને સરળતા રહેશે.

છેલ્લા છ-સાત દિવસથી મુંબઈ પોર્ટ પર આ ગાડી આવી પડી હતી. જેને સુરતમાં આવતા આગામી 1 જૂન સુધીનો સમય લાગનાર હતો. પરંતુ સુરતમાં બનેલી તક્ષશીલા અગ્નિકાંડની ઘટના બાદ ફક્ત રાજ્ય જ નહીં પણ દેશ પણ હચમચી ઉઠયું છે. જેને પગલે સ્થાનિક પ્રશાસને આ ગાડી તાકિદે મોકલાવવા રજૂઆત કરી હતી. બીજી બાજુ ઘટનાની ગંભીરતા જોતા અહીના કસ્ટમ વિભાગે પણ તાબડતોબ કાગદી કાર્યવાહી આટોપી રવિવારે સવારે ‘ટર્ન ટેબલ લેડર’ ગાડી બાય રોડ સુરતના હજીરા પોર્ટ ખાતે મોકલી આપી હતી.

આ ગાડીને અડાજણ ફાયર સ્ટેશનમાં મૂકવામાં આવી છે. શહેરના બે ફાયર ઓફિસર જગદીશ પટેલ અને ઇશ્વર પટેલ તથા આઠ ડ્રાઈવરને ‘ટર્ન ટેબલ લેડર’ ગાડી ઓપરેટ કરવાની ટ્રેનિંગ અપાશે. જે માટે જર્મનીથી કંપનીએ ટોબીક્સ લાર્જ નામના કર્મચારીને સુરત મોકલાવ્યો છે.

આ છે ‘ટર્ન ટેબલ લેડર’ની વિશેષતા

સુરત ફાયર વિભાગ પાસે હાલ ત્રણ હાયડ્રોલિક પ્લેટફોર્મ છે. જેમાં બે ૫૫ મીટર અને એક 70 મીટરની ઊંચાઈ સુધી બચાવ કામગીરી કરવામાં મદદરૃપ થઈ શકે છે. પરંતુ હાયડ્રોલિક પ્લેટફોર્મની મદદથી એક સમયે ફક્ત પાંચથી સાત માણસો બહાર કાઢી શકાય છે. જ્યારે ‘ટર્ન ટેબલ લેડર’ ફક્ત દોઢ જ મિનિટમાં સડસડાટ 16 માળ સુધી પહોંચી શકે છે. જેમાં દાદરની જેમ પગથીયા હોવાથી દુર્ઘટનાના સ્થળે ફસાયેલી વ્યક્તિ સરળતાથી ઉતરી શકે છે. આ લેડર 360 ડીગ્રી જરૃરીયાત મુજબ રોટેશન કરી શકે છે. ‘ટર્ન ટેબલ લેડર’ને હાયડ્રોલિક પ્લેટફોર્મની જેમ વારંવાર નીચે લાવવાની ફરજ પડતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન