શરીરને તમે જેમ વાળો તેમ વળે છે   - Sandesh

શરીરને તમે જેમ વાળો તેમ વળે છે  

 | 2:21 am IST

ચિત્તશક્તિ

શરીર પંચમહાભૂતોનું બનેલું છે. એ આત્માનું નિવાસસ્થાન છે, સુખ દુઃખની ભોગભૂમિ છે. શરીર આત્માનું સેવક છે. એ આપણું પણ આજ્ઞાપાલક છે. એને જ્યાં લઈ જાઓ ત્યાં જવા તે તૈયાર રહે છે. તમે એને નરકગામી બનાવશો તો તમારા આદેશથી તે નારકીય પણ બનશે. તમે એને સ્વર્ગમાં લઈ જશો તો એ રાજીખુશીથી સ્વર્ગમાં પણ જશે. એને હાથી-ઘોડા પર બેસાડો તોય રાજી, ખીર-પૂરી કે મીઠાઈ ખવડાવો તોય રાજી, અથાણાં-મસાલા ખવડાવો તોય રાજી! એટલું જ નહીં, લૂખું-સૂકું જમાડો તોય એ રાજી. એ તો દરેક પરિસ્થિતિમાં રાજી રહે છે. નવ રત્નોથી એને સજાવો તો પણ વાહ વાહ ! ફટયાં-તૂટયાં કપડાં કે માત્ર લંગોટીથી ઢાંકો તોય એને તો એટલો જ સંતોષ ! દુનિયામાં શરીર જેવો કોઈ સેવક, કોઈ દાસ, કોઈ મિત્ર નથી.

એક સેવાભાવી મનુષ્ય પોતાના ગુરુ પાસે રહેતો હતો. એ ગુરુભક્ત સેવકને કોઈ કે પૂછ્યું કહો કેમ છો ? તમારી નવાજૂની સંભળાવો. ગુરુના આશ્રમમાં તમને કેવુંક ફવે છે? શિયાળા-ઉનાળામાં ત્યાં કેવું લાગે છે? સેવકે કહ્યું: ભાઈ, મને તો નથી ઉનાળાની ગરમીની ખબર કે નથી શિયાળાની ઠંડીનો ખ્યાલ! હું તો એક સેવક છું, ફ્ક્ત સેવા કરવામાં સમજું છું. મારી ઠંડી-ગરમી કે મારાં સુખ-દુખ વિશે તો મારા ગુરુ જાણે! વાહ! કેવી અદ્ભુત વાત! તેણે ગુરુદેવની સેવામાં પોતાની જાતને સંપૂર્ણપણે અર્પણ કરી દીધી હતી, કાંઈ બાકી રાખ્યું નહોતું. પ્રેમ એવો જ હોવો જોઈએ. તમારો પ્રેમ સર્વત્ર દોષરહિત, ભેદરહિત, ક્લેશરહિત, અભિલાષારહિત રાખો. એવું કરવાથી જ પ્રેમ તમને પરમાત્મા સુધી પહોંચાડશે.

જે પંચમહાભૂતોનું બનેલું છે તે પંચમહાભૂતો છે કેવા? આ પૃથ્વી કેવી સુંદર છે! કેટલા પ્રકારના અત્રનો આશ્રય અને કેટલી જાતના જીવાત્માઓની એ જનની છે. કેવું અદ્ભુત એ નિર્મળ જળ કે જેના વડે અત્ર-ધાન્ય, ફ્ળફૂલ, વૃક્ષ-લતા વગેરેને જીવન પ્રાપ્ત થાય છે. એનામાં કેટલો પ્રેમ ભર્યો છે કે એ સહુનો મેલ ધૂએ છે અને સૌના મિત્ર છે! કેવો એ અગ્નિ, કે જે દરેક પ્રાણીને અનુરૂપ થઈને સૌના એકસમાન મિત્રની જેમ રહે છે! પ્રાણીઓમાં તે જઠરાગ્નિ રૂપે અત્રને પચાવે છે; કાષ્ઠમાં, પાષાણમાં કે બીજે તેને અનુરૂપ થઈને રહે છે. નિષ્કામ પ્રેમની વ્યાપ્તિનું એ કેવું સુંદર ઉદાહરણ છે!

પંચમહાભૂતોમાં ચોથો છે વાયુ. વાયુ તો માનવનું જીવન છે. પ્રાણ છે. જડ-ચેતન જગતમાં એ સમાન રીતે પરિવ્યાપ્ત છે. આખુંયે જગત એને જ આધારે ક્રિયાશીલ છે. પ્રાણ નીકળી જાય તો શરીર નકામું થઈ જાય છે, મડદું બની જાય છે.

અંતમાં, આકાશને લો. આકાશ તો જો નિર્લેપ આત્માની જ ઝાંખી કરાવે છે. એના અવકાશમાં સર્વ વ્યવહાર સુરક્ષિત રીતે ચાલ્યા કરે છે. આવા પાંચ ભૂતોથી બનેલું આ શરીર છે. એમાં ચૈતન્ય આત્મા પૂર્ણ રીતે વ્યાપી રહ્યો છે. એવા સુંદર નિર્દોષ શરીરનો પહેલાં તો પૂર્ણ વિમર્શ કરો, પછી તેનામાં પરમાત્માની ભાવના કરીને પ્રેમ રાખો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન