પાટણઃ ચોકમાં બે આખલાઓ બાખડતા મચી અફડાતફડી, જુઓ તસવીરો - Sandesh
  • Home
  • Gujarat
  • પાટણઃ ચોકમાં બે આખલાઓ બાખડતા મચી અફડાતફડી, જુઓ તસવીરો

પાટણઃ ચોકમાં બે આખલાઓ બાખડતા મચી અફડાતફડી, જુઓ તસવીરો

 | 6:37 pm IST

પાટણ શહેરના જાહેર તેમજ અંતરિયાળ માર્ગો પર રખડતા ઢોરોનો પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી યથાવત રહેવા પામ્યો છે. પાલિકા તંત્રમાં અનેક રજૂઆતો થયા બાદ ઘોર નિંદ્રામાંથી જાગેલ પાલિકા તંત્ર દ્વારા નામ પુરતા રખડતા ઢોરોને ડબ્બે કરી દીધા બાદ બીજા દિવસે માર્ગો પર યથાસ્થિતિ બની રહેતા શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે ત્યારે આજે બપોરના સુમારે હીંગળાચાચર ચોકમાં બે આખલા માર્ગની વચ્ચોવચ બાખડતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભયના ઓથા તળે આવી જવા પામ્યા હતા.

પાટણ શહેરમાં રખડતા ઢોરોને લઈને શહેરીજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો સાથે ટ્રાફીક સમસ્યા પણ દિનપ્રતિદિન વધવાના પગલે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે પાલિકાના સત્તાધિશોને શહેરીજનોએ રખડતા ઢોરોને ડબ્બે કરવા અનેક રજૂઆતો કરી હોવા છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરતા મુશ્કેલી યથાસ્થાને રહેવા પામી છે તો થોડા સમય અગાઉ પાલિકાના સત્તાધિશોએ ઢોરોને ડબ્બે કરવા એક્શન પ્લાન બનાવ્યો હતો.

તે માત્ર કાગળ પર જ રહેવા પામ્યો છે ત્યારે આજે બપોરના સુમારે હીંગળાચાચર ચોકમાં વચ્ચોવચ બે આખલાઓ બાખડતા રોડની બંને તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો તો રાહદારીઓ પણ રોડની બંને સાઈડે ઉભા થઈ જવા પામ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ લડતા આખલાઓને છોડાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પરંતું તેમાં સફળતા ન મળતા બંને આખલા ઉભા રોડે દોડવા લાગતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભયના ઓથા તળે આવી જવા પામ્યા હતા ત્યારે પાલિકા તંત્ર રખડતા ઢોરોને ડબ્બે કરવાની બાબતને ગંભીરતાથી લે તેવો શહેરીજનોમાં સુર ઉઠવા પામ્યો હતો.