શહેરમાં ૨૦ ટકા વ્યાજથી ધિરાણ આપનાર બે શખ્સને ઝડપી લેવાયા - Sandesh
  • Home
  • Bhuj
  • શહેરમાં ૨૦ ટકા વ્યાજથી ધિરાણ આપનાર બે શખ્સને ઝડપી લેવાયા

શહેરમાં ૨૦ ટકા વ્યાજથી ધિરાણ આપનાર બે શખ્સને ઝડપી લેવાયા

 | 2:00 am IST

ભુજ શહેરમાં વ્યાજંકવાદીઓના ત્રાસથી યુવાન એકાએક ભેદી સંજોગોમાં ગુમ થઈ જતા આ મામલે આઈજીએ શરૃ કરેલી હેલ્પ લાઈનના આધારે એ ડિવિઝન પોલીસ મથકે ગુમ યુવાનની માતાની ફરિયાદના આધારે ૯ લોકો વિરૃધ્ધ કાયદાની લગામ ઉગામાઈ છે, ત્યારે આ મામલે ૯ આરોપીઓ વિરૃધ્ધ ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ ગુમ યુવાનની શોધખોળ પણ પોલીસે હાથ ધરી છે.   પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ આઈજીએ શરૃ કરેલી હેલ્પ લાઈનના આધારે ડોલરબેન હર્ષદભાઈ ત્રિવેદીની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. જે અંગે પીએસઆઈ પી.કે.ગઢવીએ તપાસ હાથ ધરી છે, તેમણે જણાવ્યંુ હતું કે ૯ આરોપી પૈકીના પ્રવિણસિંહ જામભા જાડેજા (રહે. વાલદાસ નગર, ભુજ) અને ચંદ્રસિંહ જોરાવરસિંહ જાડેજા (રહે.ઓધવ એવન્યુ, ભુજ)ની ધરપકડ કરવામા આવી છે. જ્યારે બાકી રહેતા ૭ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જેને ટુંક સમયમાં પોલીસ ઝડપી પાડશે તેવુ કહ્યું હતું. નરેન્દ્ર હર્ષદરાય ઉપાધ્યાયને રૃ. ૫૯,૮૦,૦૦૦ જેટલી માતબર રકમ આપી તેનુ ૨૦% લેખે ૯ આરોપીઓ વ્યાજ લઈ રહ્યા હતા. જે અંગે યુવાન પોતાની ધંધાની સામગ્રી ઉપરાંત ઘરવખરી પણ વ્યાજંકવાદીઓને આપી દીધી હતી. આખરે વ્યાજખોરોના ત્રાસથી તંગ આવીને યુવાન નરેન્દ્ર એકાએક ગુમ થઈ જતા તેની માતા ડોલરબેને આઈજીની હેલ્પલાઈન પર મદદની ગુહાર લગાવી હતી અને આખરે ૯ લોકો વિરૃધ્ધ બળજબરીથી રકમ પડાવી લેવી તથા જાનથી મારી નાખવાની ધમકી ઉપરાંત મની લેન્ડર્સ એક્ટની કલમ ૩૩ મુજબ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

તપાસનીશ ગઢવીએ જણાવ્યંુ હતું કે, ગુમ યુવાનના કોલ ડિટેઈલ તથા તેની માતા, પત્ની તથા તેની પાસે કામ કરતા કામદારો ઉપરાંત તેના રહેણાક વિસ્તારના કેટલાક લોકોના નિવેદન લેવાયા છે. હાલ સમગ્ર મામલે ઝીણવટપૂર્વકની તપાસ ચાલુ હોવાનું પોલીસ જણાવી રહી છે.

નરેન્દ્રને વ્યાજખોરોએ ગોંધી રાખ્યો હોવાનો આક્ષેપ

ગુમ થઈ જનાર નરેન્દ્રને વ્યાજખોરોએ ગુમ કરી નાખ્યો હોવાનું તેની માતાએ જણાવ્યું હતું આ અંગે તપાસનીશે જણાવ્યું હતું કે તેની શોધખોળ ચાલુ છે, પરંતુ યુવાનના પરિવારજનો જે પ્રમાણે આક્ષેપ કરી રહ્યા છે. તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

કચ્છ પોલીસ પણ વ્યાજખોરો સામે લાલ આંખ કરે

રાજ્યમાં વ્યાજંકવાદીઓનાં ત્રાસથી અનેક લોકોના આપઘાત સહિતનાં બનાવ બન્યા બાદ પોલીસ કડક હાથે વ્યાજંકવાદીઓ સામે પગલાં ભરી રહી છે પરંતુ કચ્છ પોલીસ હજુય ગંભીર મામલામાં આંખ આડા કાન કરી રહી હોય તેમ અગાઉ વ્યાજંકવાદીઓનાં ત્રાસથી આપઘાત અને આપઘાતનાં પ્રયાસ સહિતનાં બનાવો બન્યા બાદ પણ વ્યાજખોરીના દુષણને ડામવામાં પોલીસે પુરતા પગલાં ભરવામાં કસર રાખી હોય તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે.