બે વર્ષ પહેલાં શૂટિંગમાં કારકિર્દી બનાવનાર ૧૬ વર્ષીય મનુ ભાકરે વર્લ્ડ કપમાં ગોલ્ડ  જીત્યો - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Other Sports
  • બે વર્ષ પહેલાં શૂટિંગમાં કારકિર્દી બનાવનાર ૧૬ વર્ષીય મનુ ભાકરે વર્લ્ડ કપમાં ગોલ્ડ  જીત્યો

બે વર્ષ પહેલાં શૂટિંગમાં કારકિર્દી બનાવનાર ૧૬ વર્ષીય મનુ ભાકરે વર્લ્ડ કપમાં ગોલ્ડ  જીત્યો

 | 4:25 am IST

ગ્વાદલઝારા, તા.૫

ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન  દ્વારા આયોજિત વર્લ્ડ કપમાં ભારતની મનુ ભાકરે મહિલા વિભાગની ૧૦ મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે પુરુષ વિભાગની ૧૦ મીટર એર રાઇફલમાં રવિકુમારે બ્રોન્ઝ મેડલ મેલવ્યો હતો. ભારતે પ્રથમ દિવસે એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા જેને કારણે આ વર્લ્ડ કપમાં ભારતના કુલ મેડલની સંખ્યા પાંચ થઈ ગઈ છે.

હરિયાણાના દાદરીની મનુ ભાકર શૂટિંગમાં કારકિર્દી બનાવ્યા પહેલાં તે બોક્સિંગ અને થાંગ ટા (મણિપુરી માર્શલ આર્ટ) કરતી હતી. તેણીએ કહ્યું હતું કે, હું આવી રમત એટલા માટે રમતી હતી કારણ કે, મને વિરોધીઓને મારવું સારું લાગતું હતું. બોક્સિંગ દરમિયાન આંખમાં ઈજા થયા બાદ તેની માતાએ બોક્સિંગ છોડાવી દીધી હતી જેને કારણે ભાકરે શૂટિંગમાં કારકિર્દી બનાવી હતી.  મનુ ભાકર ગત વર્ષે ડિસ્મ્બરમાં જાપાનમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં ૧૦ મીટર એર પિસ્ટલમાં સિલ્વર મેડલ જીતી ચૂકી છે. માત્ર બે વર્ષ પહેલાં જ શૂટિંગમાં કારકિર્દી બનાવનાર મનુએ ગત વર્ષે જુનિયરમાં બે નેશનલ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

૧૬ વર્ષીય મનુ ભાકરે બે વખતની વર્લ્ડ કપ ફાઇનલ્સ વિજેતા અને યજમાન દેશની એલેજાન્દ્રા ઝવાલાને પાછળ છોડતાં ગોલ્ડ જીત્યો હતો. ભાકરે ફાઇનલ રાઉન્ડમાં ૨૩૭.૫નો સ્કોર બનાવ્યો હતો જ્યારે ઝવાલા ૨૩૭.૧ પોઇન્ટ સાથે બીજા નંબરે રહી હતી. ફ્રાન્સની કેલિન ગોર્બેિવલેએ ૨૧૭.૦ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની અન્ય એક મહિલા શૂટર યશશ્વિનીસિંહ દેશવાલ મેડલ જીતવાનું ચૂકતાં ૧૯૬.૧ના સ્કોર સાથે ચોથા ક્રમે રહી હતી.

બ્યૂનસ આયર્સ ખાતે યોજાનાર યૂથ ઓલિમ્પિક ગેમ્સ-૨૧૦૮માં ક્વોટા દ્વારા સ્થાન મેળવનાર ૧૬ વર્ષીય ભાકર પ્રથમ વખત વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી હતી જ્યાં ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. જીત મેળવ્યા બાદ મનુ ભાકરે કહ્યું કે, હું વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતી ઘણી ખુશ છું. મારો આ પ્રથમ વર્લ્ડ કપ છે અને હવે આગામી સ્પર્ધામાં વધુ સારો દેખાવ કરવાનો પ્રયાસ કરીશ.

રવિકુમારને બ્રોન્ઝ મેડલ

પુરુષ વિભાગમાં રવિકુમારે ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ૨૨૬.૪ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો જે તેનો કારકિર્દીમાં પ્રથમ મેડલ છે. રવિકુમાર ગત વર્ષે વર્લ્ડ કપ ફાઇનલ્સ સહિત ત્રણ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચ્યો હતો પરંતુ તે મેડલ જીતી શક્યો નહોતો. ભારતનો અન્ય એક શૂટર દીપકુમાર ચોથા સ્થાને રહ્યો હતો. આ સ્પર્ધામાં વિશ્વના નંબર વન શૂટર હંગેરીના ઇસ્ત્વાન પેનીએ ૨૪૯.૫ના સ્કોર સાથે ગોલ્ડ અને ઓસ્ટ્રિયાના એલેક્ઝાન્ડર સ્કીમીરે ૨૪૮.૭ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.