ઉ. કોરિયાએ ચીનથી પરત આવેલા અધિકારીને ગોળીથી વીંધી નાંખ્યો - Sandesh
  • Home
  • World
  • ઉ. કોરિયાએ ચીનથી પરત આવેલા અધિકારીને ગોળીથી વીંધી નાંખ્યો

ઉ. કોરિયાએ ચીનથી પરત આવેલા અધિકારીને ગોળીથી વીંધી નાંખ્યો

 | 5:40 am IST

। બેઇજિંગ ।

કોરોના વાઇરસનો ખોફ વિદેશોમાં એટલો ફેલાયો  છે કે ચીનથી ઉત્તર કોરિયા પાછા ફરેલા એક ઓફિસરને ગોળી  મારીને ઠાર કરવાનો કિમ જોંગ ઉને આદેશ આપ્યો હતો. આમ તો  તેને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો પણ તેણે  ભૂલથી જનરલ બાથરૂમનો ઉપયોગ કરતા જીવ ગુમાવ્યો હતો.  જનરલ બાથરૂમનો ઉપયોગ કરવા માટે તેને કોરોના વાઇરસ  ફેલાવવા અને નિયમોનો ભંગ કરવા દોષિત ઠરાવાયો હતો અને  ઠાર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયામાં હાલમાં કોરોના મુદ્દે આકરાં નિયમો લાગુ કરાયા છે. છેલ્લાં ૩૦ દિવસમાં ચીનથી આવેલા તમામ લોકોને આઈસોલેશનમાં જ રાખવામાં આવ્યા છે. તે ઉપરાંત ચીન સાથે જોડતા તમામ રેલવે, રોડ અને હવાઈ માર્ગ બંધ કરાયા છે. ઉત્તર કોરિયા દ્વારા પોતાના દેશના શંકાસ્પદ કેસ વિશે કોઈ માહિતી આજદિન સુધી જાહેર કરવામાં આવી નથી. ત્યાં દર્દીઓની સંખ્યા કે શંકાસ્પદ મોતની સંખ્યા વિશે પણ કોઈ સ્પષ્ટતા નથી.

બીજી તરફ ચીનમાં કોરોના વાઇરસનો રોગચાળો વકર્યો છે. દેશનાં ૩૧ પ્રાંતમાં તેનો વ્યાપ ફેલાયો છે. વિશ્વનાં ૨૫થી વધુ દેશોમાં પણ તે હાહાકાર મચાવી રહ્યો છે. ચીનનાં હુબેઈ પ્રાંતમાં હજારો લોકોને તેનો ચેપ લાગ્યો છે. સત્તાવાળાઓ દ્વારા હુબેઈમાં લોકોને ઘરમાં જ પુરાઈ રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે. કોરોનાથી શુક્રવારે એક જ દિવસમાં વધુ ૧૨૧નાં મોત થયા છે અને કુલ મુત્યુઆંક ૧,૫૦૦નો આંક વટાવી ગયો છે. ૬૫,૦૦૦ લોકોને તેનો ચેપ લાગ્યો છે. ૪,૮૨૩ નવા કેસ નોંધાયા છે. ગુરુવારે એક જ દિવસમાં સૌથી વધુ ૨૫૪નાં મોત થતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. એકલા હુબેઈમાં ૧,૪૮૩ લોકોનાં મોત થયા છે.

જાપાનનાં ક્રૂઝ પર ૨૧૮ને કોરોનાનો ચેપ જેમાં ૩ ભારતીય

જાપાનમાં લાંગરેલા ક્રૂઝ ડાયમંડ પ્રિન્સેસ ખાતે ૨૧૮ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે જેમાં ૩ ભારતીય છે. ૨૮ નવા કેસ નોંધાયા છે. ક્રૂઝ પરના કેટલાક અધિકારીઓ સંક્રમિત થયા છે. ક્રૂઝ પર એક અઠવાડિયાથી ૩,૭૧૧ લોકો ફસાયા છે. આ ક્રૂઝમાં ૧૩૮ ભારતીયો છે જેમાં ૩ને કોરોનાની અસર થઈ છે.

હિથ્રો ઉપર આઠ પ્લેન લોકડાઉન

બ્રિટનના હિથ્રો એરપોર્ટ ઉપર શુક્રવારે હાહાકાર મચી ગયો હતો. એક પ્રવાસીને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાના સમાચાર વહેતાં થતાં કુલ આઠ ફ્લાઈટને લોકડાઉન કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સાનફ્રાન્સિસ્કો ખાતેની ફ્લાઈટમાં એક પ્રવાસી અને અન્ય સાત પ્રવાસીઓ અન્ય ફ્લાઈટમાં હોવાનું જણાવાયું હતું.

વાઇરસ એક વર્ષ કરતાં વધુ સમય કેર વર્તાવતો રહેશે : અમેરિકાની ચેતવણી

અમેરિકાનાંસેન્ટર ફોર ડિસીસ ક્ન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન ડિરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે કહ્યું હતું કે, અમેરિકા દ્વારા કોરોનાનો સામનો કરવા આક્રમક કામગીરી કરાઈ રહી છે. આ વાઇરસ એક વર્ષ કરતા વધુ સમય સુધી ફેલાતો રહેશે અને લોકોને ખરાબ અસર કરતો રહેશે તેવી ચેતવણી તેમણે આપી હતી. બીજી તરફ એવી ચર્ચા છે. ભારતમાં એક તો ડોક્ટરોની પહેલેથી જ ભારે અછત છે તેમાં જો કોરોના વાઇરસ ફેલાય તો હાહાકાર મચી જાય તેમ છે. દેશનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ૪૧.૩૨ ટકા ડોક્ટરોની અછત છે.

સરકારની પ્રવેશબંધીથી ચીનનાં ૫૫,૦૦૦થી વધુ ભારતીયો અને PIO ફસાયા

ભારત સરકાર દ્વારા ચીન તેમજ કોરોના સંક્રમિત દેશોમાંથી વિદેશીઓને ભારતમાં પ્રવેશ આપવાનું બંધ કરાતા ચીનમાં ૫૫,૦૦૦ કરતા વધુ ભારતીયો અને પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન ફસાયા છે.  આ ઉપરાંત કોરોનાઔવાઇરસને કારણે આખા વિશ્વની જુદીજુદી એરલાઇન્સની આવકમાં ૫ અબજ ડોલરનો ફટકો પડયો છે. ૭૦ એરલાઇન્સ દ્વારા ચીનથી આવતી જતી તમામ ફ્લાઇટ્સ રદ કરાઈ છે જ્યારે અન્ય ૫૦ દ્વારા ફ્લાઇટ્સમાં ઘટાડો કરાયો છે. પ્રવાસીઓની સંખ્યામાં ૨૦ મિલિયનનો ઘટાડો થયો છે.

જાપાન, હોંગકોંગ અને ફિલિપાઇન્સમાં એક- એક મોત

કોરોનાથી જાપાનનાં પહેલું મોત થયું છે. ૮૦ વર્ષની એક મહિલાનું હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. હોંગકોંગ અને ફિલિપાઇન્સમાં પણ એક-એક દર્દીનું મોત થયું છે. જાપાનમાં ૮૦ વર્ષની મહિલા ટોક્યોનાં સીમા ખાતે રહેતી હતી તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ કોરોના (COVID-૧૯) વિશ્વનાં ૨૫થી વધુ દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે.

ભારતમાં કોરોનાનો સામનો કરવા પ્રધાનોની સમિતિ રચાઈ

ભારતમાં કોરોનાનો સામનો કરવા પ્રધાનોની ઉચ્ચ કક્ષાની સમિતિ રચવામાં આવી છે.જેમાં આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન, નાગરિક ઉડ્ડયનપ્રધાન હરદીપ પુરી, વિદેશપ્રધાન એસ. જયશંકર, શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયા અને રાજ્યકક્ષાનાં આરોગ્યપ્રધાન અશ્વિની કુમાર ચૌબેને સ્થાન અપાયું છે. સમિતિ કોરોનાનો સામનો કરવા માટેની તૈયારી અને વ્યવસ્થા પર દેખરેખ રાખશે. કોરોના વાઇરસને WHO એ તેને COVID-૧૯ નામ આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન