યુ આર સો મિડલ ક્લાસ મોનિષા!   - Sandesh

યુ આર સો મિડલ ક્લાસ મોનિષા!  

 | 12:47 am IST

મૂડ મૂડ કે દેખ

યુ આર સો મિડલ ક્લાસ મોનીષા આ ડાયલોગથી ઘરઘરમાં જાણીતી બનેલી ગુજરાતી અભિનેત્રી રત્ના પાઠકનો થોડા સમય પહેલાં જ જન્મદિવસ ગયો. તમે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ થપ્પડમાં તાપસી પન્નુની માતા તરીકે ૬૩ વર્ષીય રત્ના પાઠકને જોઇ ચૂક્યા છો, ભલે ફિલ્મમાં સુખી સંસાર માટે સ્ત્રીએ પોતાનાં સપનાઓને ત્યાગવાં પડે તે પ્રકારનો રોલ કરનાર રત્નાએ આ જ ફિલ્મના એક પ્રમોશનમાં કહ્યું હતું કે મૈં સ્ત્રી હૂં તો ક્યાં હુઆ? મેરી ગલતી હો તો ભી અગર મેરા પતિ મુજપે હાથ ઉઠાયે તો મૈં યે બરદાશ્ત નહિ કર સકુંગી. હમ અપને પતિ કો ઇતના હક દેતે હૈ ઇસી લીયે વો ઉસકા ગલત ફાયદા કભી કભી ઉઠા લેતે હૈ. રત્નાના આ વાક્ય ઉપરથી જ તેને મજબૂત વ્યક્તિત્વનો પરિચય થાય છે. મૂળે ગુજરાતી એવી રત્ના પાઠક મજબૂત કેમ ન હોય ? ઠસ્સો અને જાજરમાનપણુ તો તેના લોહીમાં છે. દિના પાઠક અને બલદેવ પાઠક (એક જમાનાના પ્રસિદ્ધ ટેઇલર, તેમણે સ્ટીચ કરેલાં કપડાં રાજેશ ખન્નાથી લઇને અમિતાભ બચ્ચન સુધી તમામ સ્ટાર્સ પહેરવાનું પસંદ કરતા હતા)ની આ દીકરીનો જન્મ મુંબઇના દાદરમાં જ થયો છે. મુંબઇમાં જ પોતાનું ભણતર પતાવીને એક્ટ્રેસ માતાના પગલે રત્ના પણ દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એક્ટિંગનો અભ્યાસ કરવા જોડાઇ હતી. જોકે, તેને એક્ટિંગમાં આવવા કરતાં પાઇલટ બનવામાં વધારે રસ હતો, કારણ કે હંમેશાં સ્કૂલમાં તેને બધા પાસેથી એક જ વાત સાંભળવા મળતી કે તું તો મોટી થઇને માતાની માફક એક્ટર જ બનીશ. બસ, આ વાત સાંભળીને તંગ આવી જઇને રત્નાએ એક્ટિંગ નહીં કરવાની કસમ ખાધી પણ તેને પાળી ન શકી, કારણ કે તેની માતાએ તેને સમજાવ્યું કે અભિનય તારી અંદર છે, જે કળા તારામાં છે જ તે જ કળામાં તારે પારંગત બનવું જોઇએ. અને રત્નાએ તરત દિલ્હીની ડ્રામા સ્કૂલમાં એડમિશન લઇ લીધું હતું. ભલે મુંબઈમાં રહીને ઉછરી હોય પણ મૂળે ગુજરાતી રત્ના ગુજરાતી પણ ખૂબ જ ફાંકડું બોલી જાણે છે. તે કહે છે કે અમે ઘરમાં ગુજરાતીમાં વાતો કરતાં હોઇએ છીએ. ખાસ કરીને મારી મા જીવતી ત્યારે હું, મા અને મારી બહેન મળતાં ત્યારે ગુજરાતીમાં જ વાતો ચાલતી. આજે પણ હું અને સુપ્રી (સુપ્રિયા પાઠક) મળીએ ત્યારે ગુજરાતીમાં જ વાતો કરીએ છીએ. તે કહે છે આજે પણ મારી માતાએ ભજવેલા મેના ગુર્જરીનું ગીત સોના ઇંઢોણી અને રૂપાનું બેડલું મારુ મનપસંદ ગુજરાતી ગીત છે. જેને હું હંમેશાં ગણગણતી હોઉં છું.

કરિયરની વાત કરીએ તો રત્નાએ પોતાની કરિયરની શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં અનેક ફિલ્મો, નાટકો અને ટેલિવિઝન શો કર્યાં છે. તેણે કોમેડી, સીરિયસ, રોમેન્ટિક, ગુસ્સાવાળી મહિલાનો એમ કેટલાય રોલ કર્યા છે. પણ દરેક રોલમાં તે ઢળી જાય છે. રત્નાએ તેની કરિયરની શરૂઆત શ્યામ બેનેગલની ફિલ્મ મંડીથી કરી હતી. દિલ્હીની ડ્રામા સ્કૂલમાં તેને એક્ટિંગ કરતાં બેનેગલે જોઇ હતી, ત્યારે જ તેમને આ છોકરી મનમાં વસી ગઇ હતી. ત્યારબાદ શ્યામ બેનેગલે તેને મંડીમાં રોલ ઓફર કર્યો અને રત્નાએ તે સ્વીકારી લીધો. આમ, ફિલ્મી કરિયરની શરૂઆત થઇ. પોતાની કરિયરની શરૂઆતમાં પણ રત્નાએ લીડ રોલ એક પણ ફિલ્મમાં નથી કર્યો. રત્નાએ લીડ રોલ ન કરવા બાબતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઉસ સમય કે ડિરેક્ટર્સને મેરી કલા કી કદર હી નહી કી, ર ઉસપે મેરે બડે બડે દાંત જો મેરી એક્ટિંગ કી કરિયરમેં વિલન કા રોલ નીભાતે થે. પછી હસતા હસતા પોતે જ કહ્યું કે વૈસે ભી મૈં ફિલ્મ મેં આયી તબ રીના રોય ચલ રહી થી, ર મૈં રીના રોય

ટાઇપ કામ નહિ કર સકતી થી. મંડી બાદ મિર્ચમસાલા જેવી ફિલ્મ પણ રત્નાએ કરી છે. બોલિવૂડ સિવાય થિયેટરમાં પણ ઘણાં નાટકો કર્યાં છે. રત્ના કહે છે આજે પણ મને નાટકો કરવાં વધારે પસંદ છે. અને પછી હસતાંહસતાં ઉમેરે છે કે હિન્દી ફિલ્મોના ડાયરેક્ટર્સે મારી પ્રતિભા નહીં ઓળખી એટલે જ કદાચ નાટક પ્રત્યેનો મારો લગાવ વધી ગયો. પણ મજાકને સાઇડ પર મૂકીએ તો મને ગમે લાઇવ પર્ફોર્મન્સ આપવું, લાઇવ ઓડિયન્સની સામે તમે નાટક ભજવતાં હોવ ત્યારે તમારે અનેક પાસાઓનું ધ્યાન રાખવું પડતું હોય છે, અને આ કારણે જ મગજ સચેત રહે છે. અને નાટકનું એવું છે કે જો તમારી અંદર એક્ટિંગ ઘોળાઇ ગઇ હોય તો જ તમે તેમાં ચાલો, નહીં તો સ્ટેજ ઉપર બનાવટી એક્ટિંગને લોકો ખાસ પસંદ નથી કરતા.

મંડીથી શરૂ કરીએ તો રત્નાએ ઘણી ફિલ્મો કરી છે અને તેની યાદગાર ફિલ્મોની વાત કરીએ તો જાને તૂ યા જાને ના, ખૂબસૂરત, કપૂર એન્ડ સન્સ, ગોલમાલ ૩, મિર્ચ મસાલા, થપ્પડમાં તેના રોલ વખણાયા છે. જ્યારે તેની ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુરખાના તેના રોલે ઘણી જ ચર્ચા જગાવી હતી. આ ફિલ્મમાં તેણે કરેલા રોલ માટે તેને જેટલાં વખાણ સાંભળવા મળ્યાં હતાં એટલી જ ટીકાઓનો સામનો પણ તેણે કર્યો જ હતો. રત્નાએ ટેલિવિઝન શો પણ ઘણાં કર્યા છે. ઇધરઉધર, ફિલ્મી ચક્કર, મસ્ત મસ્ત હૈ ઝિંદગી, તારા, ગુબ્બારે, અપના અપના સ્ટાઇલ અને સારાભાઇ વર્સેસ સારાભાઇ. આ બધી જ સિરિયલોમાં જો કોઇ સિરિયલથી રત્ના ઘરઘરમાં જાણીતી બની હોય તો તે સારાભાઇ વર્સેસ સારાભાઇની માયા સારાભાઇ તરીકે. એક ફૂવડ વહુની સાસુ તરીકે, મજાકિયા પતિની સિરિયસ પત્ની તરીકે, માવડિયા દીકરાની માતા તરીકે રત્નાના માયા તરીકેના રોલને ઘણો જ પસંદ કરવામાં આવ્યો હતો. અત્યારની જનરેશનને પણ રત્ના વિશે પૂછવામાં આવે તો પહેલો પ્રતિભાવ ઓહ! મિસિસ માયા સારાભાઇ… તરીકેનો જ આવશે. આતીશ કાપડિયા અને જે.ડી.મજેઠિયાની આ સિરિયલે એક હિસ્ટ્રી ક્રિએટ કરી હતી, જેમાં માયાનો રોલ કરવા બદલ રત્નાને ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડમાં બેસ્ટ કોમિક એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સિરિયલના બીજા મુખ્ય પાત્ર સતીશ શાહનું કહેવું છે કે સારાભાઇમાં માયાનો રોલ કરવો રત્ના માટે ઘણો જ સહેલો હતો, કારણ કે તે રિયલ લાઇફમાં પણ માયા જ છે. અમે સેટ ઉપર ધમાલ કરતા હોઇએ તે પણ ધમાલમાં જોડાય પણ તેને અસ્તવ્યસ્ત વસ્તુ સહેજેય ન ગમે, એટલે સતત અમને ટપારતી રહી. આ કારણે હું સીન ન શૂટ થતો હોય ત્યારે પણ એને માયા જ કહું અને સેટના બીજા સભ્યો તેને મોમ કહેતા. સતીશનું કહેવું છે કે રત્ના ખૂબ જ સાહજિક અભિનેત્રી છે. તે મહેનતુ છે, દરેક શોટ પહેલાં તે પ્રેક્ટિસ અચૂક કરી લે, પણ હું માનું છું કે રત્નાને એ કરવાની જરૂર જ નથી, કારણ કે કેમેરો શરૂ થતાં જ તે રોલને પોતાની અંદર વણી લે છે.

રત્નાએ તેનાથી આઠ વર્ષ મોટા નસીરુદ્દીન શાહ સાથે લગ્ન કર્યાં છે. રત્ના અને નસીરની પહેલી મુલાકાત ૧૯૭૫માં સંભોગ સે લેકે સંન્યાસ તક નાટક વખતે થઇ હતી. બંને આ નાટકમાં કામ કરવાનાં હતાં. આ પહેલાં રત્નાને નાસીર વિશે કશી જ ખબર નહોતી. રત્ના પોતાના અને નસીરના સંબંધ વિશે કહે છે કે હમારા પ્રેમ લવ એટ સેકેન્ડ સાઇટ થા. પહલે દિન તો હમ ઠીક સે બોલે ભી નહી થે, લેકીન દુસરે દિન વો ગોગલ્સ પહન કે આયા ર મુજે લગા યાર ક્યા બાત હૈ, મૈં ઇસકે સાથે કામ કરને જા રહી હું. એ નાટક બાદ રત્ના અને નસીરુદ્દીન વારંવાર મળવા લાગ્યાં. મુંબઇનું મદ્રાસ કેફે રત્નાની મનપસંદ જગ્યા છે. તે નાનપણથી પોતાનાં માતા-પિતા અને બહેન તેમજ અલગ અલગ લોકો સાથે અહીં જમવા આવતી રહે છે. જૂની યાદો વાગોળતા રત્ના કહે છે કે નસીર મુજે પહેલી બાર મદ્રાસ કેફે મૈં હિ ડેટ પે લેકે આયા થા. ર સચ માનો મુજે તાજ સે કમ ફીલિંગ નહી આઇ થી. ઉસને બાતો બાતો મેં યે પતા લગા લિયા કી મુજે યે જગા પસંદ હૈ, ર વો મુજે વહીં લેકે ગયા. રત્ના હાલ યશરાજ બેનર હેઠળ બનનારી રણવીરની ફિલ્મ જયેશભાઇ જોરદારનું શૂટિંગ કરી રહ્યાં છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન