'ઉબુન્ટુ ન્ગમુન્ટુ ન્ગબુન્ટુ'નો અમલ કરવા જેવો છે!    - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • ‘ઉબુન્ટુ ન્ગમુન્ટુ ન્ગબુન્ટુ’નો અમલ કરવા જેવો છે!   

‘ઉબુન્ટુ ન્ગમુન્ટુ ન્ગબુન્ટુ’નો અમલ કરવા જેવો છે!   

 | 12:40 am IST

ઝીરો લાઈન : ગીતા માણેક

લેખના શીર્ષકમાં જે ‘ઉબન્ટુ ન્ગમુન્ટુ ન્ગબુન્ટુ’ શબ્દો લખાયા છે એ કોઈ મુદ્રણદોષ નથી, પણ ઝુલુ ભાષાના શબ્દો છે, આફ્રિકન સંસ્કૃતિ અને વિચારધારાનો હિસ્સો છે. ઝુલુ ભાષા દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબવે, ઝામ્બિયા, તાન્ઝાનિયા વગેરે વિસ્તારોમાં બોલાય છે.

આનો અર્થ સમજવા માટે એક પ્રસંગની વાત કરીએ. આફ્રિકાના આદિવાસી વિસ્તારમાં એક વિદેશી વ્યક્તિ આવી હતી. આ યુરોપિયને ત્યાંના આદિવાસી બાળકોને પ્રોત્સાહિત કરવા અને પ્રેરણા આપવા માટે ચોકલેટનું એક મોટું બોક્સ ૧૦૦ મીટર દૂર મૂક્યું અને બાળકોને કતારમાં ઊભા રાખી દોડવા કહ્યું. તેણે કહ્યું કે જે છોકરો એ ચોકલેટના બોક્સ સુધી પહેલો પહોંચશે તેને ઈનામમાં એ બોક્સ મળશે. છોકરાઓ લાઈનમાં ઊભા રહી ગયા અને પેલા યુરોપિયને કહ્યું, ‘રેડી…સ્ટેડી…ગો….’

છોકરાઓ દોડવા માંડયા પણ તેમને જોઈને પેલો યુરોપિયન ચકિત થઈ ગયો, કારણ કે એ બાળકોમાં એકબીજા સાથે હરિફઈ કરવાની, ચોકલેટના બોક્સ સુધી સૌથી પહેલાં પહોંચીને એને પામી લેવાની હોડ નહોતી લાગી. બધા બાળકો એકબીજાનો હાથ પકડીને દોડી રહ્યા હતા. બધા એકસાથે ત્યાં પહોંચ્યા અને એ ચોકલેટના બોક્સમાંથી ચોકલેટના એકસરખા ભાગ કરીને બધાએ વહેંચીને ખાઈ લીધી. પેલો યુરોપિયન આ આખા દ્રશ્યને અવાચક બનીને જોતો રહ્યો.

દુભાષિયાની મદદથી જ્યારે તેમણે આ ભૂલકાંઓને પૂછયું કે તમે આવું શા માટે કર્યું? ત્યારે તેમણે જવાબ આપ્યો- ઉબુન્ટુ. આ શબ્દનો ડિક્શનરી મુજબ અર્થ થાય માનવ હોવા માટેનો ગુણ અને સરળ ભાષામાં અનુવાદ કરીએ તો માનવતા.

દક્ષિણ આફ્રિકાના આ દેશના આદિવાસી વિસ્તારોમાં ઉબુન્ટુ સંસ્કૃતિ દરેક વ્યક્તિના લોહીમાં છે. ‘ઉબુન્ટુ ન્ગમુન્ટુ ન્ગબુન્ટુ’ તેમની જીવનશૈલીનો હિસ્સો છે. કહેવત કે રૂઢિપ્રયોગ જેવી આ ઉક્તિનો અર્થ છે કે- તમે જે છો એ અન્ય લોકોને કારણે છો.

પશ્ચિમી સંસ્કૃતિ કહે છે, દોડતા રહો, જીવન એક સ્પર્ધા છે અને જો જીતા વહી સિકંદર. મોટું ઘર, મોટી ગાડી, મોટી પદવી. સફ્ળ થાઓ અને સફ્ળતાનો એક જ માપદંડ છે, નંબર વન રહો. બીજાઓને પાડી દઈને, હરાવીને, ગમે તે ભોગે પણ આગળ રહો. જીતી જાવ. પરંતુ ઉબુન્ટુ વિચારધારા કહે છે આપણે બધા એક જ છીએ તો પછી કોણ કોને હરાવશે? એકબીજાનો સાથ લઈને મેળવીએ અને વહેંચી લઈએ.

માનવી તરીકે આપણે સામાજિક પ્રાણી છીએ એ સમાજશાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંત છે. એકલા એક ટાપુ તરીકે આપણે જીવી શકતા નથી. માની લો કે કોઈ વ્યક્તિ એન્જિનિયર કે એમબીએ થઈને કોઈ મોટી કંપનીમાં ઊંચી પદવી પર મસમોટી રકમનો પગાર મેળવે છે, પણ એ શું તેની એકલાની સિદ્ધિ હોઈ શકે? તેના ઉછેરમાં તેના મા-પિતા, પરિવાર, સગાંસંબંધી તો ઠીક પણ તેના ઘરમાં કામ કરવા આવતી બાઈનો પણ ફળો હોય જ છે. તેને સ્કૂલમાં પહોંચાડતી બસના ડ્રાઇવર- કંડક્ટરથી માંડીને શિક્ષકો, સંચાલકો અને પટાવાળાની અને અસંખ્ય વ્યક્તિઓની પોતપોતાની ભૂમિકા રહી હોય છે. જો આ બધી જ વ્યક્તિઓ તેના જીવનમાં ન આવી હોત અને તેમણે પોતાની ફ્રજો ન બજાવી હોત તો કદાચ તે વ્યક્તિ માટે એ સ્થાન પ્રાપ્ત કરવું મુશ્કેલ બન્યું હોત. બીજા શબ્દોમાં કહીએ તો આપણે બધા એકબીજા સાથે સંકળાયેલા છીએ.

સંતો-મહાત્માઓ આને આ રીતે સમજાવે છે કે આપણે બધા એક જ આકાશની છત નીચે જીવીએ છીએ, એક જ વાયુ શ્વાસમાં લઈએ છીએ, એક જ અવકાશમાં વસીએ છીએ, એક જ પાણી અને અન્ન ગ્રહણ કરીએ છીએ. એક જ પ્રાણવાયુ, એક જ ચેતના આપણા બધામાં અને એકસરખી જ છે. તો પછી એકબીજા સાથે હૂંસાતૂંસી શા માટે? અન્યોના ભોગે પણ હું સૌથી વધુ સમેટી લઉં એવી વૃત્તિ શા માટે? બીજાને પાછળ મૂકી હું આગળ નીકળી જાઉં, તેને તરફ્ડતો રહેવા દઉં, પણ હું જ બધું ગળચી જાઉં એવો અભિગમ શા માટે? ‘ઉબન્ટુ ન્ગમુન્ટુ ન્ગબુન્ટુ’ને સંવાદિતાભર્યું, આનંદપૂર્ણ જીવન જીવવાનો મંત્ર બનાવી શકાય એમ છે.

[email protected]