ઉદયનરાજે આપણા માણસ; ક્યાંય  તેમનું અપમાન નથી કરાયું: ઉદ્ધવ - Sandesh
  • Home
  • Mumbai
  • ઉદયનરાજે આપણા માણસ; ક્યાંય  તેમનું અપમાન નથી કરાયું: ઉદ્ધવ

ઉદયનરાજે આપણા માણસ; ક્યાંય  તેમનું અપમાન નથી કરાયું: ઉદ્ધવ

 | 1:34 am IST

। મુંબઈ

સાતારાના ભૂતપૂર્વ સાંસદ અને છત્રપતિ શિવાજી મહારાજના તેરમાં વંશજ ઉદયનરાજે ભોસલે પર શિવસેનાના મુખપત્ર સામનાના અગ્રલેખમાં નિશાન સાધવામાં આવ્યું છે. શિવસેનાએ સામનાના અગ્રલેખ દ્વારા ઉદયનરાજેની કોલર ઊંચો કરવાની આદત વિશે ટીકા કરી છે. હવે ઉદયનરાજેએ શિષ્ટ શીખવી પડશે કારણ કે ભાજપને કોલર ઊંચો કરનાર ગમતા નથી એવી સલાહ સામનાના અગ્રલેખમાં ઉદયનરાજેને આપવામાં આવી હતી.

શિવસેનાની ટીકા વિશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટિપ્પણી કરી હતી કે ઉદયનરાજે એક મુક્ત યુનિવર્સિટી છે. મુખ્ય પ્રધાનની ટકોર પછી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સામનાના અગ્રલેખ બદલ સ્પષ્ટતા કરવી પડી છે.  શિવસેનાએ સામનાના અગ્રેલખમાં ઉદયનરાજેને સલાહ આપતા જણાવ્યું હતું કે શિષ્ટ, સંસ્કાર, નીતિમત્તા અને સાધનશુદ્ધિ જેવા સૂત્રો પર ભાજપની ઈમારત ઊભી છે. અમિત શાહ અથવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર હોય ત્યારે સીટી મારવી, કોલર ઊંચા કરવા જેવી હરકતો ભાજપને ગમશે નહિ. શરદ પવારે આ બધુ ચલાવી લીધુ એ તેમને ગેરશિષ્ટ હતી, પણ આ બાબતની જાણકારી દેવેન્દ્ર ફડણવીસે સાતારાના રાજાને આપી હશે એમ સામનામાં જણાવાયું હતું.  શિવસેનાની ટીકાનો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રત્યુત્તર આપીને ઉદયનરાજેની પ્રશંસા કરી હતી. આથી શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અગ્રલેખ બદલ સ્પષ્ટીકરણ આપવુ પડયું છે. તેમણે જણાવ્યું કે સામનામાં લખાયેલો અગ્રલેખ શુદ્ધ મરાઠીમાં છે. એમાં ક્યાંય ઉદયનરાજેનું અપમાન નથી કરાયું. ઉદયનરાજે આપણા માણસ છે એથી એમની પાસે કેટલીક અપેક્ષા રાખવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ.દરમ્યાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સામનાના અગ્રલેખની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સામના માત્ર એક અખબાર છે. અનેક પત્રકારો અનેક બાબતો લખતા હોય છે. મારે પ્રત્યેકના સવાલનો જવાબ આપવો જરૂરી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે ઉદયનરાજે એક સ્વતંત્ર વિદ્યાપીઠ છે. કોલર ઊંચો કરવો એમની સ્ટાઈલ છે. તેઓ જ્યાં તેમને યોગ્ય લાગે ત્યાં કોલર ઊંચો કરે છે. તેમની જેમ કોલર ઊંચો કરવાનું દરેકને ફાવતું નથી. તેમની સ્ટાઈલ યુવાનોને ગમે છે. તેઓ મંચ પર આવું નથી કરતા પણ જનતામાં અને ખાસ કરીને તરુણો વચ્ચે હોય ત્યારે જ આમ કરે છે એવા શબ્દોમાં મુખ્ય પ્રધાને ઉદયનરાજેની પ્રશંસા કરી હતી.

ઉદયનરાજેના ભાજપ પ્રવેશ સમયે વડા પ્રધાન શા માટે ગેરહાજર રહ્યા? 

બહુચર્ચિત એવા સાતારાના એનસીપીના સાંસદ ઉદયનરાજે ભોસલેના ભાજપ પ્રવેશ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરીની રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.

ઉદયનરાજેએ વડા પ્રધાનની હાજરીમાં પક્ષ પ્રવેશની શરત મૂકી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદયનરાજેના પક્ષ પ્રવેશ સમયે મોદીની ગેરહાજરી વિશે સ્પષ્ટીકરણ આપતા જણાવ્યું કે વડા પ્રધાન કોઈપણ રાજકીય નેતાના પક્ષપ્રવેશ દરમ્યાન હાજર નથી રહ્યા. આ એક રાજકીય શિષ્ટાચાર છે. એથી ઉદયનરાજેના પક્ષપ્રવેશ સમયે મોદી નહોતા આવ્યા.

ભાજપ-શિવસેના વચ્ચે સીટ વહેંચણી બાબતે ગૂંચ 

રવિવારે દિવસભર શિવસેનાના સત્તા કેન્દ્ર માતોશ્રી પર ચહલપહલ રહી હતી. ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાર્ટીના નેતા, પ્રધાનો, વિધાનસભ્યો, જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરી. ભાજપે માત્ર ૧૨૦ બેઠકો ઓફર કરી હોવાથી ગઠબંધનની ચર્ચામાં અવરોધ સર્જાયો હોવાનું મનાય છે. જોકે બંને પક્ષો યુતિ થવાનો દાવો કરી રહ્યા છે. પોતાની મહાજનાદેશ યાત્રામાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ચૂંટણીમાં યુતિનો જ વિજય થશે. બીજી તરફ આદિત્ય ઠાકરેએ પણ રવિવારે કોંકણમાં ખાતરી આપી હતી કે ગઠબંધનના મામલે શિવસેના વિશ્વાસઘાત નહિ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;