ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સમક્ષ મારી જબરી સોગઠી, આટલી બેઠકો અને CM પદ માંગ્યું - Sandesh
  • Home
  • Featured
  • ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સમક્ષ મારી જબરી સોગઠી, આટલી બેઠકો અને CM પદ માંગ્યું

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સમક્ષ મારી જબરી સોગઠી, આટલી બેઠકો અને CM પદ માંગ્યું

 | 3:28 pm IST

ભારતીય જનતા પાર્ટી સાથેના સંબંધોમાં ઉતાર ચડાવ વચ્ચે શિવસેનાએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મોટી માંગણી કરી છે. શિવસેનાએ આગામી વિધાનસભા માટે 152 બેઠકોની માંગણી કરી છે. શિવસેના 288 બેઠકોમાંથી તે ભાજપ માટે 136 બેઠકો જ છોડવા માંગે છે. શિવસેનાની આ માંગણી પાછળ આડકતરી રીતે મુખ્યમંત્રી પદ પર પણ દાવો કરવાનું છે.

શિવસેનાનો આ નિર્ણય ઉદ્ધવ ઠાકરેની એ યોજનાનો ભાગ છે, જેને અંતર્ગત તેઓ રાજ્યમાં મુખ્યમંત્રી પોતાની પાર્ટીમાંથી ઈચ્છે છે. જોકે ભાજપની યોજના માતોશ્રીને પહેલી પ્રાથમિકતા આપવાની નથી.

જોકે કેટલાક સૂત્રોનું એવું પણ કહેવું છે કે, શિવસેના 2014ની લોકસભાની ચૂંટણીમાં કરવામાં આવેલી બેઠકોની ફાળવણીની જેમ જ 2019માં પણ ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. આમ લોકસભામાં પોતાની તાકાત અજમાવ્યા બાદ શિવસેના વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે મેદાને પડી શકે છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ તાજેતરમાં જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાન માતોશ્રી પર મળ્યાં હતાં. અહીં શિવસેના પ્રમુખે આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમિત શાહ સમક્ષ 153 બેઠકોનો પ્રસ્તાવ રજુ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ પ્રસ્તાવ પર અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને જણાવ્યું છે કે, તેઓ ફરી એકવાર આ મામલે મુલાકાત કરશે અને ત્યાર બાદ બેઠકોની ફાળવણી પર કોઈ નક્કર ફોર્મ્યુલા પર પહોંચી શકાશે.

ભાજપ 130થી વધારે બેઠકો આપવાના મૂડમાં નહીં

પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિધાનસભામાં ભાજપ શિવસેનાને 130 થી વધારે બેઠકો આપવાના મૂડમાં નથી. તે શિવસેનાને 130 બેઠકો ઓફર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અધ્યક્ષ અમિત શાહે તો પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને નેતાઓને લોકસભા અને વિધાનસભામાં એકલા હાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર રહેવાનું પણ કહી દીધું છે.

ઉદ્ધવ ઠાકરેની શાહને સ્પષ્ટ વાત

શિવસેનાના એક નેતાએ કહ્યું છે કે, ઉદ્ધવ ઠાકરેએ 152 બેઠકોનો ફોર્મ્યુલા મહારાષ્ટ્રમાં પાર્ટીની તાકાત વધારવા માટે આપ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહને સ્પષ્ટ કહી દીધું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધનમાં ત્યારે જ ચૂંટણી લડવી શક્ય છે, જ્યારે ભાજપ શિવસેનાને 152 બેઠકો આપવા તૈયાર થાય. બેઠકોની ફાળવણીને લઈને ઉભા થયેલા વિવાદ બાદ ભાજપ અને શિવસેના 2014માં સ્વતંત્ર રીતે ચૂંટણી લડ્યાં હતાં અને ત્યાર બાદ ફરી ગઠબંધન રચી સરકાર બનાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન