મોદીના બ્રિટન પ્રવાસ દરમિયાન હિંસક પ્રદર્શન : ત્રિરંગો ફાડતાં બ્રિટને માફી માગી - Sandesh
  • Home
  • World
  • મોદીના બ્રિટન પ્રવાસ દરમિયાન હિંસક પ્રદર્શન : ત્રિરંગો ફાડતાં બ્રિટને માફી માગી

મોદીના બ્રિટન પ્રવાસ દરમિયાન હિંસક પ્રદર્શન : ત્રિરંગો ફાડતાં બ્રિટને માફી માગી

 | 10:42 pm IST

લંડનમાં ગુરુવારે કેટલાક દેખાવકારોએ હિંસક વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક તબક્કે કેટલાક પ્રદર્શનકારીઓએ કોમનવેલ્થ પરિષદનાં સ્થળે લહેરાવવામાં આવેલો ભારતનો ત્રિરંગો ધ્વજ ફાડી નાખ્યો હતો. આ ઘટના અંગે ભારતના વિદેશમંત્રાલયે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ પછી ત્રિરંગો ફાડવાની ઘટના અંગે બ્રિટને ભારતની માફી માગી હતી.

ભારતમાં લઘુમતીઓ પર થતા અત્યાચારો રોકવા અને લઘુમતીઓની હત્યાઓ રોકવાની માગણી સાથે કેટલાક પ્રદર્શનકારીઓ કોમનવેલ્થ પરિષદનાં સ્થળે પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે એકઠા થયા હતા. તેમના હાથમાં લઘુમતીઓની હત્યા રોકો એવું લખાણ લખેલાં પ્લેકાર્ડ જોવા મળ્યાં હતાં. આ સ્થળે કોમનવેલ્થના ૫૩ સભ્ય દેશોના ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા. કેટલાક દેખાવકારોએ થાંભલા પરથી ભારતનો ત્રિરંગો ખેંચીને તેને ફાડી નાખ્યો હતો. આ પછી હરકતમાં આવેલી પોલીસે તરત જ આ સ્થળે ભારતનો બીજો ધ્વજ ફરી લહેરાવ્યો હતો.

ત્રિરંગો ફાડવાની ઘટનાની પોલીસ દ્વારા તપાસ

બુધવારે ૧૮ એપ્રિલે બ્રિટિશ સમય મુજબ બપોરે ૩ કલાકે આ ઘટના બની હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ભારતના અધિકારીના જણાવ્યા મુજબ બ્રિટિશ સરકારે આ અંગે માફી માગી હતી. આવી ઘટનામાં તત્કાળ પગલાં લેવાની ખાતરી આપી હતી.

શીખોના અલગ ખાલિસ્તાનની માગણી સાથે દેખાવો

પીએમ મોદી સામે ખાલિસ્તાની તરફી ૫૦૦ જેટલા દેખાવકારોએ અલગ ખાલિસ્તાનની માગણી સાથે દેખાવો કર્યા હતા. શીખ ફેડરેશન યુકે દ્વારા તેનું આયોજન કરાયું હતું, જ્યારે મૂળ પાકિસ્તાની લોર્ડ અહેમદનાં વડપણ હેઠળ કહેવાતા માઇનોરિટીઝ અગેઇન્સ્ટ મોદી નામનાં ગ્રૂપે લઘુમતીઓ પર થતા અત્યાચારના વિરોધમાં મોદી સામે પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે દેખાવો કર્યા હતા.

‘ચક દે ઈન્ડિયા’ અને ‘જય હિંદ’ જેવાં બેનર્સ સાથે મોદીને આવકાર

બુધવારે સવારે પીએમ મોદી જ્યારે બ્રેકફાસ્ટ મિટિંગ માટે બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેને મળવા આવી પહોંચ્યા ત્યારે મોદીતરફી મહિલાઓએ ઢોલ વગાડીને મોદીનું સ્વાગત કર્યું હતું. આ મહિલાઓએ પરંપરાગત સાડીઓ પહેરી હતી. આ ગ્રૂપ સાથે ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલ ગ્રૂપ પણ મોદીની પ્રશંસા કરવા અને તેમને આવકારવા જોડાયું હતું. આ ગ્રૂપ અને મૂળ ભારતીયો દ્વારા ‘ચક દે ઈન્ડિયા’ અને ‘જય હિંદ’ જેવાં બેનર્સ હાથમાં પકડેલાં હતાં.

‘મોદી, યુ હેવ બ્લડ ઓન યોર હેન્ડ’ તેમજ ‘મોદી નોટ વેલકમ’ જેવાં પ્લેકાર્ડ સાથે વિરોધ

બીજી તરફ કાસ્ટ વોચ યુકે અને સાઉથ એશિયા સોલિડારિટી જેવાં ગ્રૂપના સભ્યોએ મોદીનો વિરોધ કર્યો હતો. તેમના હાથમાં ‘મોદી, યુ હેવ બ્લડ ઓન યોર હેન્ડ’ તેમજ ‘મોદી નોટ વેલકમ’ જેવાં પ્લેકાર્ડ જોવા મળ્યાં હતાં. કઠુઆની રેપપીડિતા અને ગૌરી લંકેશના ફોટા સાથે કેટલાંક લોકોએ દેખાવો કર્યા હતા. કેટલીક ભારતીય મહિલાઓએ સફેદ સાડી પહેરીને મૌન દેખાવો કર્યા હતા.