આખરે સંઘે પ્રવીણ તોગડિયાને દરવાજો બતાવી દીધો - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • આખરે સંઘે પ્રવીણ તોગડિયાને દરવાજો બતાવી દીધો

આખરે સંઘે પ્રવીણ તોગડિયાને દરવાજો બતાવી દીધો

 | 3:47 am IST

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લોકો ભલે લશ્કરી શિસ્ત ધરાવતી સંસ્થા તરીકે ઓળખતા  હોય, પરંતુ સંઘમાં વિચારભેદને સ્થાન છે,  તમારાં અંગત મંતવ્યોને પણ સ્થાન છે, જોકે જ્યારે પરિવાર સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ જાહેરમાં પરિવારની સંસ્થાઓ કે પરિવાર સાથે જોડાયેલી વ્યક્તિઓ ઉપર આક્ષેપો કરવા લાગે ત્યારે  સંઘ નારાજ થાય છે અને મોટાભાગના કિસ્સાઓમાં આવી વ્યક્તિઓનું પરિવારની કોઈ સંસ્થામાં સ્થાન રહેતું નથી, જોકે સંઘે પ્રવીણ  તોગડિયાના કિસ્સામાં વર્ષો સુધી નમતું જોખીને તેમના દરેક ઉધામા સહન કરીને, તેમની દરેક અશિસ્તને ચલાવી લઈને વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સહન કર્યા. સંઘનું પ્રવીણ તોગડિયા પ્રત્યેનું આ પ્રકારનું હળવું વલણ પરિવારમાં ચર્ચાનો વિષય પણ બન્યું હતું. કારણ કે  ૨૦૦૪થી પ્રવીણ તોગડિયા  સંઘના કહ્યામાં ન હતા. તોગડિયા સંઘ પરિવારની સંસ્થાઓને ખાસ કરીને ગુજરાત ભાજપને નુકસાન પહોંચાડી રહ્યા હતા. તોગડિયાનો સીધો ઝઘડો નરેન્દ્ર મોદી સામે હતો. કેશુભાઈ પટેલનાં રાજમાં પ્રવીણ તોગડિયાનો ભારે દબદબો હતો. હિંદુ હ્ય્દયસમ્રાટ તરીકે જાહેરસભાઓમાં તેમનો ઉલ્લેખ કરાતો હતો અને તોગડિયા જ્યારે ગર્જના કરીને  મુસ્લિમો અને પાકિસ્તાનવિરોધી વાતો જાહેરસભામાં કરતા ત્યારે લોકો તાળીઓથી પ્રવીણ તોગડિયાને વધાવી લેતાં. તોગડિયાની જાહેરસભામાં દરેક તાળીઓના અવાજે પ્રવીણ તોગડિયાનું કદ વધતું ગયું હતું અને સંઘ પરિવારમાં તેઓએ ધાર્યું કરાવી શકવાની ક્ષમતા કેળવી લીધી  હતી.

ગુજરાતનાં રાજકારણમાં કેશુભાઈ પટેલનો  અસ્ત અને નરેન્દ્ર મોદીના ઉદય પછી  વિહિપના આંતરરાષ્ટ્રીય  અધ્યક્ષ પ્રવીણ તોગડિયાનાં કદ અને સત્તા પર પણ  ક્રમશઃ ઘટાડો નોંધાતો  ગયો હતો. સ્વાભાવિક  છે કે એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી. હિંદુ  હ્ય્દયસમ્રાટનું  ટાઇટલ ગુજરાતનાં રાજકારણમાં નરેન્દ્ર  મોદીના ઉદય પછી પ્રવીણ  તોગડિયા પાસેથી છીનવાઈ ગયું હતું. નરેન્દ્ર મોદીની જાહેરસભાઓમાં હજારોની  મેદની એકઠી થવા માંડી હતી અને મોદીની દરેક વાત પર સભાઓમાં તોગડિયા કરતાં અનેકગણી તાળીઓ પડતી હતી.  ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર  મોદીએ પદભાર સંભાળતાં જ પ્રવીણ તોગડિયાનો  પાવર લગભગ ઝીરો થઈ ગયો હતો. કેશુભાઈની સરકારમાં એક ફોન પર ડીએસપીનું ધારી જગ્યાએ પોસ્ટિંગ કરાવી શકતા પ્રવીણ તોગડિયા નરેન્દ્રભાઈની સરકારમાં એક કોન્સ્ટેબલની બદલી કરાવી શકતા નહોતા. વિહિપના સર્વોચ્ચ આગેવાન પ્રવીણ તોગડિયાની  ગુજરાતમાં હાલત ચાર્જિંગ વગરના  મોબાઇલ જેવી થઈ ગઈ હતી. તમારો  મોબાઇલ ભલે  લાખો રૂપિયાનો મોંઘીદાટ બ્રાન્ડનો હોય પરંતુ જ્યાં સુધી મોબાઇલની બેટરી ચાર્જ  ના હોય  ત્યાં સુધી આ મોબાઇલ કોઈ કામનો રહેતો નથી. પ્રવીણ તોગડિયા ભલે વિશ્વ હિંદુ પરિષદના સર્વોચ્ચ નેતાનું પદ ભોગવતા  હતા પરંતુ તેમનાં  હોમસ્ટેટમાં તેમનું કંઈ ઊપજતું ન હતું.

પ્રવીણ તોગડિયા પોતાના દબદબા અને સત્તા પર કાપ મૂકવા માટે  નરેન્દ્ર  મોદીને સીધા જ જવાબદાર ગણતા હતા અને પરિણામે તેમને મોદી વિરુદ્ધ પહેલાં ખાનગી અને પછી સીધી લડાઈ જાહેર કરી દીધી  હતી. ગુજરાત વિધાનસભાની ૨૦૦રની ચૂંટણીથી નરેન્દ્ર મોદીને નુકસાન પહોંચાડવાની કોશિશો કરી. રાજ્યભરના વિશ્વ હિંદુ પરિષદના  કાર્યકરોને સાથે રાખીને  તેમણે ૨૦૦૭  અને ૨૦૧૨ની ચૂંંટણીઓમાં પણ  મોદીના ભાજપને હરાવવાના પ્રયત્નો કર્યા. તોગડિયા પર તો ત્યાં સુધી આક્ષેપો થયા કે કોંગ્રેસ સાથે ગુપ્ત  મંત્રણાઓ કરીને અને પટેલકાર્ડ રમીને પણ મોદીને પછાડવાના ભરપૂર પ્રયત્નો કર્યા. પરંતુ આ લડાઈમાં તોગડિયા એ ભૂલી ગયાં કે તેઓની લડાઈ વ્યક્તિગત બની ગઈ હતી, જ્યારે  સંઘ અને પરિવાર  મોદી  સાથે હોય ત્યારે મોદી વિરુદ્ધની કોઈપણ પ્રવૃત્તિ અંતે તો પરિવાર વિરુદ્ધની પ્રવૃત્તિ તરીકે જ ગણાય છે.

તોગડિયાએ છેલ્લા દસકામાં હિંદુ ગીતોનો પ્રશ્ન ઉઠાવીને અટલબિહારી વાજપેયીથી લઈને અડવાણી અને મોદી સામે શિંગડાં ભેરવ્યાં છે. આ લડાઈમાં તોગડિયાને એ પણ ખ્યાલ  ના  રહ્યો કે તેઓ સંઘ  પરિવારની રણનીતિની મુખ્ય ધારાથી ક્યારે અલગ થઈ ગયા. બાજપાયી   અને અડવાણીના સમયમાં  તોગડિયાએ જે કાંઈ કર્યું તે અલગ વાત હતી,  મોદીના  સમયમાં તેમની પ્રવૃત્તિ  કોઈ કાળે  ચાલે તેમ ન હતી, એટલે જ એક વખતના તાકાતવાન નેતા તોગડિયા મોદીના સમયમાં હાંસિયા પર ધકેલાઈ ગયા હતા. આમ છતાં સંઘે પ્રવીણ તોગડિયાનું ભૂતકાળમાં પ્રદાન જોઈને વિહિપના અધ્યક્ષપદેથી હટાવ્યા ન હતા.

સંઘના ઇતિહાસમાં જોઈએ તો દત્તોપંત ઠેંગડી નું નામ બહુ આદરથી લેવાય છે. તેમના પ્રયત્નોથી સંઘની કામદાર પાંખ ભારતીય  મજદૂર સંઘ એક શક્તિશાળી ટ્રેડ યુનિયન બન્યું હતું. વાજપેયી સરકારના સમયમાં દત્તોપંત  ઠેંગડીની કામદારોના પ્રશ્નો માટે વાજપેયી અને અડવાણી સાથે ભારે સંઘર્ષ થતો. દત્તોપંતજી  ખુલ્લેઆમ બાજપેયી સરકારની  વિરુદ્ધ બોલતા  પરંતુ  બાજપેયી  અને  અડવાણી કાયમ ઠેંગડીને  માન આપતા.   આવું જ  અશોક સિંઘલ માટે  હતું. વિહિપના સર્વોચ્ચ નેતા સિંઘલ અને  અડવાણીને બનતું નહી, પરંતુ બંને એકબીજાનું  સન્માન કરતા.  સંઘ પરિવારના આ સંસ્કાર છે,  જેઓ  વિચાર-ભેદ  હોવા છતાંય એકબીજાને જોડી રાખે છે. સંઘ પરિવારના સભ્યો  એવા ગોવિંદાચાર્ય, ઉમા ભારતી અને  કલ્યાણસિંહે   જ્યારે સંઘની શિસ્તની  બહાર રહીને અશિસ્તનું પ્રદર્શન કર્યું ત્યારે આ લોકોને  સાઇડલાઇન કરી દેવાયા  હતા, જોકે ઉમા ભારતી અને કલ્યાણસિંહે પોતાની ભૂલ  કબૂલ કરી સંઘનાં શરણે ગયા તો સંઘે તેમને સ્વીકાર્યાં  પણ હતાં.

વિહીપના નેતા પ્રવીણ તોગડિયાએ સંઘની તમામ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું હતું. પાણી   જ્યારે માથા પર ચડી  ગયાં ત્યારે  સંઘે તોગડિયાને  વિહીપના  હોદ્દા પરથી ઊતરવાનું કહી દીધું, પરંતુ  તોગડિયા સાનમાં સમજ્યા નહીં. વિહિપના અધ્યક્ષની ચૂંટણીમાં તેમણે પોતાનો ઉમેદવાર ઊભો કરી દીધો. વિહીપનું બંધારણ એવું છે કે તેના અધ્યક્ષ ચૂંટાયેલ વ્યક્તિ જ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને બીજા હોદ્દેદારોની નિમણૂક કરી શકે છે. તોગડિયાને  ભય હતો કે મારો અધ્યક્ષ નહી ચૂંટાય તો મારુંં પદ જોખમમાં છે એટલે તોગડિયાએ સંઘની ઉપરવટ જઈને રાઘવ રેડ્ડીને ચૂંટણીમાં ઊભા રાખ્યા. તેમની  સામે સંઘના પ્રીતિપાત્ર ગણાતા વિષ્ણુ સદાશિવ કોકજેને ઊભા રખાયા હતા. તોગડિયાના ઉમેદવાર ખરાબ રીતે હારી ગયા અને કોકજે વિહિપના અધ્યક્ષપદે ચૂંટાઈ આવ્યા. કોકજેએ ચૂંટાઈને પહેલું કામ તોગડિયાની આંતરરાષ્ટ્રીય અધ્યક્ષપદેથી હકાલપટ્ટી  અને નવા અધ્યક્ષ તરીકે દીલ્હીના આલોકકુમારને નીમી દીધા છે. વિહિપના  ૫૪ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર અધ્યક્ષની ચૂંટણી થઈ અને આ વાતનું કલંક તોગડિયાને માથે લાગ્યું છે, હવે  આવનારા  દિવસોમાં તોગડિયા પાસે ઊભા રહેવા કોઈ જમીન નથી, આમ છતાં તોગડિયાએ મંગળવારથી   અમદાવાદમાં અચોક્કસ મુદતના ઉપવાસની  જાહેરાત કરી છે. તોગડિયાનું  આ ત્રાગું  હવે લાંબો સમય  ચાલવાનું નથી એ વાત નક્કી છે.