Unclaimed: Rising prices despite declining demand.
  • Home
  • Columnist
  • લાવારસ : ઘટતી માગ છતાં વધતા ભાવ.. નફાખોરીના નાગપાશમાં નીતિમત્તાની નસબંધી

લાવારસ : ઘટતી માગ છતાં વધતા ભાવ.. નફાખોરીના નાગપાશમાં નીતિમત્તાની નસબંધી

 | 4:53 am IST
  • Share

  •  કોલસો ન મળવાને કારણે વીજ કટોકટી સર્જાવાની દહેશત 
  • ટ્રોલ-ડીઝલના ભાવ પ્રતિ લિટર રૂપિયા 100ને ઓળંગી ગયા
  • આયાત થતો વિદેશી કોલસો 50 ડોલર પ્રતિ ટનથી વધીને 200 ડોલર પ્રતિ ટન થયો

દેશમાં કોલસાની કહેવાતી અછતના મુદ્દે કાગારોળ મચી છે. વિપક્ષશાસિત રાજ્યો કોલસો ન મળવાને કારણે વીજ કટોકટી સર્જાવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. શાસક ભાજપ પક્ષના કોલસા મંત્રી સરકારના સમર્થનમાં કોલસાના વિક્રમસર્જક ઉત્પાદનની દુહાઈ આપી રહ્યા છે. દેશનાં બંદરો પર આયાત થતો વિદેશી કોલસો 50 ડોલર પ્રતિ ટનથી વધીને 200 ડોલર પ્રતિ ટન થઈ ગયો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 100 ડોલરથી હજી 16 ડોલર છેટો છે, સામે પેટ્રોલ-ડીઝલના ભાવ પ્રતિ લિટર રૂપિયા 100ને ઓળંગી ગયા છે. ક્રૂડ સાથે જેને કોઈ લેવાદેવા નથી તેવા રાંધણગેસના સિલિન્ડર પણ હવે રૂપિયા 1000ને સ્પર્શવાની ખૂબ નજીક છે. વાહનોમાં પેટ્રોલ-ડીઝલના વૈકલ્પિક ઈંધણ ગણાતા સીએનજીના ભાવમાં છેલ્લા 40 દિવસમાં પ્રતિ કિલો રૂપિયા 14નો વધારો ઝીંકાયો છે. આ ઉપરાંત ઓટોમોબાઈલ, સ્ટીલ-સિમેન્ટ, ખાદ્ય ચીજવસ્તુઓ તેમજ ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં 40 ટકાની સરેરાશે ભાવનો વધારો મોંઘવારીના દરનું સમીકરણ બદલી રહ્યો છે. સામાન્ય સંજોગોમાં ચીજવસ્તુના ભાવની વધઘટનો સંબંધ માગ સામે પુરવઠાની ઉપલબ્ધતા સાથે સંકળાયેલો છે. સાંપ્રત સ્થિતિની સમીક્ષા કરતા જે તથ્ય સામે આવ્યું છે તે અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોને ખોટા સાબિત કરનારું છે.

પરિવર્તનના પ્રકલ્પ અંતર્ગત દેશમાં લાગુ થયેલા જીએસટી અને નોટબંધીના પ્રયોગો સરકારર્સિજત હતા. વીતેલા બે વર્ષથી આવી પડેલી કોરોનાની આફત ચીનર્સિજત હોય તો પણ તેને કુદરતી કહેર ગણીને સ્વીકારવી રહી. માગ વધે અને પુરવઠો ઘટે તેવા સંજોગોમાં ભાવ વધે, માગ ઘટે અને પુરવઠો વધે તેવા સંજોગોમાં ભાવ ઘટે. આ નિયમ ફક્ત દેશના કિસાનો સિવાય કોઈને લાગુ પડતો હોય તેવું હવે જણાતું નથી. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ભાદરવામાં ભીંડા ખેડૂતને કોથળાની કિંમત ઉપજાવી આપતા નથી. વસતીવૃદ્ધિ, અનિયંત્રિત નિકાસ નીતિ, કાચા માલનો ભાવવધારો, કાળું નાણું, સરકારપ્રેરિત ભાવવૃદ્ધિ (પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ, કૃષિ ઉત્પાદનોના ટેકાના ભાવ), કુદરતી અને માનવીય પરિબળો (પૂર, દુષ્કાળ, રોગચાળો, ભૂકંપ, યુદ્ધ, હડતાળ, ઔદ્યોગિક અશાંતિ વગેરે) અને નફાખોરીના ઈરાદે સંગ્રહખોરી એ ભાવવધારા માટે મુખ્ય જવાબદાર કારણ તરીકે વ્યાખ્યાયિત છે. લેખના પ્રથમ ચરણમાં ઉલ્લેખિત ક્ષેત્રોમાં માગ અને પુરવઠાનાં પરિમાણોથી વિપરીત વધતા ભાવને સાપેક્ષ આ તમામ પરિબળોની સાપેક્ષતા તપાસીએ તો અર્થશાસ્ત્રીઓએ ભાવવધારા માટે કોઈ નવા સિદ્ધાંત વ્યાખ્યાયિત કરવા પડે તેવી હાલની સ્થિતિ વ્યવસાય જગત પર હાવી ગણ્યાગાંઠયા નફાખોરોની વિકૃત માનસિકતાનો ઉદ્ઘોષ કરે છે.

સૌપ્રથમ કોલસાની વાત કરીએ તો આખા વિશ્વમાં ભારત કોલસાના ઉત્પાદન ક્ષેત્રે બીજા ક્રમનો દેશ છે. કોલસાની ખનન પ્રક્રિયા સંપૂર્ણ સરકાર નિયંત્રિત છે. કુલ જરૂરિયાતના 55 ટકા વીજળી કોલસા આધારિત વીજમથકોમાં ઉત્પન્ન થાય છે. જાણકારોના કહેવા પ્રમાણે કોલસાની કટોકટી આપણે ત્યાં સાવ વાહિયાત વિવાદ છે. ગત વર્ષ કરતાં આ વર્ષે કોલસાનું ઉત્પાદન 24.68 ટકા વધ્યું છે. 1383 ટ્રિલિયન વોટ વીજળીની જરૂરિયાત સામે 1598 ટ્રિલિયન વોટ વીજ ઉત્પાદન થતું હોય ત્યારે કોલસાના અભાવે અંધારપટની સ્થિતિ જો સર્જાય તો તે આયોજનની અણઘડતા સિવાય બીજું કંઈ હોય શકે નહીં. કુલ વીજ ઉત્પાદનના 24 ટકા ઘરેલુ વપરાશ, 42.69ટકા ઔદ્યોગિક, 17.67 ટકા કૃષિ, 8.04 ટકા વ્યાપારિક અને 1.52 ટકા લાઈનલોસની ટકાવારીએ વીજળીનો વપરાશ વહેંચાઈ રહ્યો છે. કહેવાતી વીજ કટોકટીની વાતો વચ્ચે રાજ્ય સરકારોએ પડતરથી ચાર-પાંચ ગણી કિંમતે ખાનગી ઉત્પાદકો પાસે વીજળી ખરીદવી પડે તે સ્થિતિ સૂચક છે. અત્રે નોંધનીય છે કે, દેશના કુલ વીજ ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો 33.46 ટકા છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે જોઈએ તો ઓટો ડીલર્સ એસોસિયેશન પાસેથી પ્રાપ્ત આંકડા પ્રમાણે દ્વિચક્રી વાહનોમાં 20 ટકા અને ચારચક્રી વાહનોમાં 35થી 40 ટકા માગ ઘટી છે. માગ ઘટી હોવા છતાં વાહનોની ઉપલબ્ધિ માટે 3થી 6 માસ પ્રતિક્ષા કરવી પડે અને સાથે જ માગના ઘટાડાની ટકાવારીને સમાંતર ભાવવધારાનો બોજ ગ્રાહકે ઉપાડવો પડે તેવી સ્થિતિ વિચારતા કરી મૂકનારી છે. દાગીના અને ઝવેરાતનું બજાર સ્થિર માગ સામે મૂલ્યમાં વેપારની વૃદ્ધિની ખાતાવહીથી નફાનું ધોરણ વધારી રહ્યું છે, માગ વધી નથી છતાં ભાવવધારો થયો તે નરી વાસ્તવિકતા છે. બાંધકામ ઉદ્યોગમાં વ્યાપારિક સંકુલોની સ્થિતિ ખૂબ નબળી છે. રહેણાક વસાહતોમાં 10 ટકા માગ વધેલી હોવાનું આશ્વાસન હોય તો પણ સિમેન્ટ-સ્ટીલમાં વીતેલા 4 માસમાં 35થી 40 ટકાનો ભાવવધારો કોઈ રીતે ગળે ઉતરે એમ નથી. આ ક્ષેત્રમાં બીજી એક ખાસ નોંધપાત્ર હકીકત એ છે કે, માગ 10 ટકા વધી હોય તો પણ મિલકતના વેચાણ દરમાં 10થી 22 ટકાનો ઘટાડો સિમેન્ટ-સ્ટીલના ભાવવધારાને વાજબી ઠેરવતો નથી. કાપડઉદ્યોગમાં માગ વધી નથી, પરંતુ તમામ સંગઠનો 15થી 25 ટકા ભાવવધારો કરવાના યત્નમાં પુરજોશથી લાગેલા છે. કૃષિ ઉત્પાદનોમાં ટેકાના ભાવ, કિસાનોની પડતર કિંમત, અનાજ-કઠોળ, તેલીબિયા અને ખાદ્ય તેલોના વાસ્તવિક બજાર ભાવનો તાળો કોઈ મેળવી શકે એમ નથી. ખેડૂતોનું હિત નવા કૃષિ કાયદાના વિરોધ અને સમર્થનની ડમરી વચ્ચે ધૂંધળું બનેલું છે.

કોરોનાની મહામારી આવી ત્યારથી હવે વિદાય લઈ રહી હોવાનું કહેવાય છે ત્યાં સુધીના સમયગાળામાં બદલાયેલું અર્થતંત્રનું આ દૃશ્ય અઘોષિત અરાજકતાની ઝાંખી કરાવનારું છે. અર્તાિકક અને આધાર વિહોણો ભાવવધારો સામાન્ય પ્રજા માટે અસહ્ય અત્યાચારની પીડા આપનારો છે. કોરોનાકાળ દરમિયાન સ્થગિત થયેલા વ્યાપારમાં થયેલી આર્િથક ખોટ જે આમ તો નફામાં જ નુકસાન હતું તે ભરપાઈ કરવાની અધીરાઈ હાલના ભાવવધારાનું એકમાત્ર પ્રેરક બળ હોય તેવું જણાય છે. ટૂંકમાં કહીએ તો સતત મોટા બની રહેલા એ મુઠ્ઠીભર માલેતુજારોની મેલી મથરાવટીના મનસૂબા માઝા મૂકી રહ્યા છે.

જ્વાળામુખીની ઝાળ…

સમી સાંજે સૂમસામ સડક પર એક સુંદર યુવતી ચાલી જતી હતી.. કેટલાક ગુંડા તેની એકલતાનો લાભ લેવા પાછળ થયા.. ગભરાયેલી યુવતીએ દોટ મૂકી અને એક ઘરનો દરવાજો ખુલ્લો દેખાતા રક્ષણ માટે તેમાં પ્રવેશી ગઈ.. જે ઘરમાં એ પ્રવેશી તે ઘર પ્રેમ ચોપડાનું નીકળ્યું..

ખાસ નોંધ : સારા પરિવર્તનની સતત ઝંખના સેવીને નિરાશ થતો એ લાચાર મતદાર, નિયમિત આવી ઠોકાતી ચૂંટણી, ચૂંટણીનાં પરિણામો, થતા પરિવર્તન કે પુનરાવર્તનો સાથે ફિલ્મના આ દૃશ્યને કોઈ સંબંધ નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો