પ્રસૂતિ લાભ ધારા હેઠળ મળતા હક - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • પ્રસૂતિ લાભ ધારા હેઠળ મળતા હક

પ્રસૂતિ લાભ ધારા હેઠળ મળતા હક

 | 1:43 am IST

લો ફોર લેડિઝ  :- ડો. અમી યાજ્ઞિાક

સ્ત્રી કામદારો માટે સામાજિક ન્યાયનો હેતુ પ્રાપ્ત કરવા માટે ખાસ કાયદો ઘડવામાં આવ્યો છે. આ કાયદો ભારતીય બંધારણનાં માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર બનાવવામાં આવ્યો છે. સગર્ભા સ્ત્રીને કાયદાએ ચોક્કસ અધિકાર આપેલા છે અને આ અધિકાર મેળવવા માટે પ્રસૂતિ લાભ ધારો-૧૯૬૧ ઘડવામાં આવ્યો.

આ કાયદાની જોગવાઈ પ્રમાણે દરેક સ્ત્રી પ્રસૂતિનાં તરત અગાઉની ખરેખર ગેરહાજરીનાં દિવસ સહિતના સમય અને તે દિવસ પછી છ અઠવાડિયાના સમય માટે દૈનિક વેતનનાં સરેરાશ દરથી પ્રસૂતિ લાભની રકમ માટે હકદાર રહેશે અને તેના માલિકે તે રકમ ચૂકવવાની જવાબદારી રહેશે. જે સ્ત્રી પોતાના પ્રસૂતિ લાભ માટે માલિક પાસે હક દાવો કરે તે માલિકની સંસ્થામાં પોતાની સંભવિત પ્રસૂતિની તારીખનાં તરત અગાઉના બાર માસનાં ઓછામાં ઓછા ૧૬૦ દિવસ તેણે ખરેખર કામ કરેલ હોય તે સિવાય પ્રસૂતિ લાભ માટે હકદાર બનશે નહીં. કોઈપણ સ્ત્રી વધુમાં વધુ ૧૨ અઠવાડિયા માટે એટલે કે પ્રસૂતિના દિવસ સુધી અને તે દિવસ સહિત છ અઠવાડિયા અને તે દિવસ પછીના છ અઠવાડિયાના સમય માટે પ્રસૂતિ લાભ માટે હકદાર રહેશે. ઘણીવાર એવું બને છે કે આ સમય દરમિયાન કોઈ સ્ત્રીનું અવસાન થાય તો આવા સંજોગોમાં તે સ્ત્રીને અવસાનના દિવસ સુધીના સમય માટે પ્રસૂતિનો લાભ આપવો પડે. આ કાયદામાં એવી પણ જોગવાઈ છે કે કોઈ સ્ત્રી બાળકનાં જન્મ બાદ, પ્રસૂતિ દરમિયાન અથવા પ્રસૂતિની તારીખ બાદ તે સમય દરમિયાન બાળક મૂકીને અવસાન પામે તો તેની પ્રસૂતિના દિવસ પછીના છ અઠવાડિયાના સંપૂર્ણ સમય માટે પ્રસૂતિ લાભ માટે જે જગ્યાએ તે સ્ત્રી કામ કરતી હોય તે જગ્યાના માલિક જવાબદાર બને છે. આ કાયદો એવું પણ કહે છે કે જો તે સમય દરમિયાન બાળકનું પણ અવસાન થાય તો બાળકના અવસાનનાં દિવસ સુધી અને તે દિવસને ગણીને પણ પ્રસૂતિના લાભ આપવા પણ માલિક બંધાયેલ છે.

ઘણીવાર એવું બનતું હોય છે કે સ્ત્રી જ્યાં કામ કરતી હોય તે સંસ્થા હોય કે કારખાનું હોય અને તે તેને કામદાર રાજ્ય વિમા ધારો, ૧૯૪૮ લાગુ પડતો હોય તો તે કાયદા નીચે પણ પ્રસૂતિ લાભનો હક દાવો કરવા માટે તેનો હક ચાલુ રહે છે, એટલે કે પ્રશ્ન એ ઊભો થાય કે બંને કાયદાઓમાંથી કયા કાયદા હેઠળ સ્ત્રી પ્રસૂતિ લાભ મેળવવા હકદાર બને છે. બંને કાયદાઓ નીચે પ્રસૂતિ લાભ મેળવવાના ધોરણો અલગ-અલગ છે. કામદાર રાજ્ય વિમા ધારા નીચે સ્ત્રી પ્રસૂતિ લાભ મેળવવા માટે જ્યાં સુધી હકદાર બનતી નથી ત્યાં સુધી આ કાયદા હેઠળ સ્ત્રીને પ્રસૂતિનો લાભ મળવાનો ચાલુ રહે છે, એટલે સ્ત્રીને પ્રસૂતિને લગતા અધિકારનો લાભ બેમાંથી જે પણ કાયદો હોય તેની નીચે મળે તો છે જ.

કોઈપણ સ્ત્રીને ધારો કે આ કાયદાની માહિતી છે, પણ તેણે આ લાભ માટે શું કરવું તેનો ખ્યાલ ન હોય તો એ જાણવું ખૂબ જરૂરી છે કે તેણે આ કાયદા નીચે નિયત કરવામાં આવેલ નમૂનામાં પોતાના માલિકને એમ જણાવતી નોટિસ આપવી પડે કે આ કાયદા હેઠળ પોતે જેના માટે હકદાર છે તે પ્રસૂતિ લાભ અને અન્ય કોઈપણ રકમ પોતાને અથવા પોતે નોટિસમાં નામાંકન કરે તેવી અન્ય કોઈ વ્યક્તિને ચૂકવવામાં આવે અને જે સમયગાળા દરમિયાન તે લાભ મેળવવાની છે તે દરમિયાન બીજે કોઈ જગ્યાએ કામ કરશે નહીં. આવી નોટિસમાં સગર્ભા સ્ત્રીએ પોતે કયા દિવસથી ગેરહાજર રહેશે તેની ચોક્કસ તારીખ લખવી પડશે. પરંતુ આવી તારીખ પ્રસૂતિની સંભવિત તારીખથી છ અઠવાડિયા વહેલી હોવી જોઈએ નહીં. કોઈવાર એવું બને કે સ્ત્રી સગર્ભા હોય અને નોટિસ આપી શકેલ ન હોય તો તે પોતાની પ્રસૂતિ બાદ શક્ય તેટલી જલદીથી આવી નોટિસ આપી શકે છે. નોટિસ માલિકને જેવી મળે તેવી માલિક સગર્ભા સ્ત્રીને કામ પરથી ગેરહાજર રહેવાની પરવાનગી આપી શકશે. સારી વાત આ કાયદામાં એ છે કે આ સગર્ભા સ્ત્રીને નિયત કરેલા નમૂનામાં જો ગર્ભધારણ કરાયેલ હોવાનો પુરાવો રજૂ કર્યેથી માલિકે પ્રસૂતિ લાભની રકમ આગોતરી ચૂકવી પડે છે અને ત્યાર પછીના સમયગાળા દરમિયાન ચૂકવવાની થતી રકમ બાળકને જન્મ આપેલ હોવાનો પુરાવો આપ્યેથી ચૂકવી આપવી પડે છે. આમ આ કાયદામાં ચોક્કસ ફોર્મ ભરીને એક સગર્ભા સ્ત્રી કામના સ્થળેથી પ્રસૂતિ લાભના અધિકાર ભોગવી શકે છે.

[email protected]