સમજની જગ્યા ગેરસમજ લઈલે ત્યારે સંબંધો વાસી થઈ જતાં હોય છે - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • સમજની જગ્યા ગેરસમજ લઈલે ત્યારે સંબંધો વાસી થઈ જતાં હોય છે

સમજની જગ્યા ગેરસમજ લઈલે ત્યારે સંબંધો વાસી થઈ જતાં હોય છે

 | 3:21 am IST

મધુવનની મહેકઃ ડો. સંતોષ દેવકર

‘ત્રીસ હજાર સૈનિકો છે.’ એક જણ બોલ્યો.

‘ના…ના… વીસ હજાર સૈનિકો છે.’ બીજાએ સૂર પૂરાવ્યો.

‘અરે ભાઈ…. ત્રણ લાખ પચ્ચીસ હજારની વાત છે.’

‘હોય… કંઈ…. મેં સાંભળ્યું છે ત્રણ લાખ છવ્વીસ હજાર નવસો બેતાલીસ સૈનિકો હતા.’ ત્રીજા સભ્યએ સ્પષ્ટતા કરી.

પોતાના બાળકની ચિંતા અને ચિંતન કરનારા કેટલાક ક્રિએટીવ પેરેન્ટ્સને ગયા મહિને મળવાનું થયું. સેમિનારની શરૂઆતમાં થોડીક ઔપચારિક વાતો કરીને, મેં એક રમત રમાડવાનું નક્કી કર્યું. સૌ તે માટે તૈયાર હતા. બાળક વિશે વિચારવા માટે કે બાળકના વિકાસ માટે બાળક જેવા થવું જરૂરી હોય છે. હોલમાં ખુરશી પર બેઠાં બેઠાં જ રમવાની આ રમતમાં પહેલી વ્યકિતનાં કાનમાં એક સંપૂર્ણ વાકય કહેવામાં આવે. પછી તે બાજુમાં બેઠેલ વ્યકિતના કાનમાં અને પછી તે તેની બાજુમાં બેઠેલ વ્યકિતના કાનમાં તે વાક્ય બોલે અને તેમ કરતાં સેમિનારમાં હાજર તમામ વ્યકિતઓ રમતમાં ભાગ લે. રમતને અંતે છેલ્લી વ્યકિતને પૂછવામાં આવે કે હવે તમે સાંભળેલું વાક્ય માઈકમાં આવીને મોટેથી બોલો. બધાને આશ્ચર્ય અને આઘાત લાગે તેવી ઘટના બની. આખ્ખે આખ્ખું વાકય જ બદલાઈ ગયું હતું. પહેલી વ્યકિતથી ક્રમમાં છેલ્લી વ્યકિત સુધી વાકય પહોંચતાં મૂળ વાક્ય પોતાનું સત્ય ગુમાવી ચૂકયું હતું. ‘ટેટાને બદલે બેટા’ થઈ ગયુ હતું. જે ઘડામાં દૂધ ભરેલું હતુ તે અંતમાં પાણી ભરેલો સાબિત થયો હતો. એમાં વાંક કોનો ?

કમ્યુનિકેશન-પ્રત્યાયન આપણા જીવને જીવંત રાખવામાં ખૂબ મોટો ભાગ ભજવે છે. યોગ્ય પ્રત્યાયન ન થવાને કારણે અને તેથી ગેરસમજ ઊભી થવાને કારણે બે વ્યકિતઓને અલગ થવાનો વારો આવતો હોય છે.

કશુંક પણ વ્યકત થવું જોઈએ. વ્યકત થાય તો ખાલી થવાય, વ્યકત થાય તો હળવા થવાય. અવ્યકતનો ભાર લાગે. કેટલાક ભારેખમ લોકોથી બીક ઔલાગે! શરીરથી ભારેખમ હોય એ તો જાણે સમજયાં પણ સાવ સૂકલકડી શરીર હોય ને તેમ છતાંં ‘ભારેખમ’ હોય તેવા માણસોની હાજરીથી વાતાવરણ પણ ભારેખમ થઈ જતુ હોય છે.

અભિવ્યકિત શાની ? અભિવ્યકિત વિચારોની, લાગણીની, કળાની, સૌદર્યની અને દંભની પણ હોઈ શકે !

યોગ્ય દિશામાં, યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે, તેના મૂળ સ્વરૂપે વિચાર પહોંચે ત્યારે પ્રત્યાયન -કોમ્યુનિકેશન થયુ કહેવાય. પ્રત્યાયન એ અભિવ્યકિતનું મૂળ છે. કેટલીક બાબતો યોગ્ય રીતે વ્યકત ન થવાને કારણે જીવનમાં ઘણી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. દંપતી વચ્ચે યોગ્ય કમ્યુનિકેશનના અભાવે ‘કહયું કાંઈને સમજયું કશું’ ની સ્થિતિ સર્જાય ત્યારે છૂટાછેડા સુધીની નોબત આવતી હોય છે. એક છેડાની વાત બીજા છેડા સુધી, મૂળ સ્વરૂપે પહોંચે તે જરૂરી છે. જીવનના પ્રત્યેક સંબંધો યોગ્ય વાતચિત પર આધારિત છે. પતિ-પત્નિ, પ્રેમી-પ્રેમિકા, વેપારી-ગ્રાહક, પ્રજા-નેતા, શિક્ષક-વિદ્યાર્થી વગેરે માનવ સંબંધોનો પાયો કમ્યુનિકેશનની યોગ્ય પધ્ધતિ છે.

‘મારો કહેવાનો અર્થ આવો નહોતો.’ ‘હું જે કહું છું તે તમે બરાબર સમજયા નહતા.’ ‘મારા કહેવાનો સંદર્ભ જુદો હતો.’ ‘તમે મને સમજી શકતાં જ નથી.’ ‘મને કોઈ સમજતું જ નથી.’ વગેરે ઉકિતઓ સંબંધો તૂટવાની સંભાવના દર્શાવે છે.

પ્રત્યેક સંબંધ તાજગી ઈચ્છે છે. સમજની જગ્યા ગેરસમજ અને વિશ્વાસની જગ્યા અવિશ્વાસ લઈલે ત્યારે સંબંધો વાસી થઈ જતાં હોય છે. વાસી સંબંધો પ્રથમ સડે, ગંધાય અને પછી તૂટે. સંબંધોની યથાર્થતા અને વિશ્વાસનીયતા યોગ્ય પ્રત્યાયન પર નિર્ભર છે. યોગ્ય પ્રત્યાયન ના થાય તો ગેરસમજ થાય. જયાં ગેરસમજ હોય ત્યાં સાચા સંબંધો જોખમાતા હોય છે.વર્ષો જૂના સંબંધોને તોડવાની તાકાત ગેરસમજમાં છે.

મિસરી

ચોપડીઓ વાંચે દિનરાત મુઓ સાયબો, વાંચે ના એક મારું મન..!

પંડિત બનીને એ પાંચમાં પૂછાય પણ બાળે એ મારું જીવન..!

– પ્રકાશ પરમાર