અમદાવાદથી દિલ્હી પહોંચી જશો માત્ર 8 જ કલાકમાં, બજેટમાં આવી ટ્રેન માટે જોગવાઈ - Sandesh
  • Home
  • Business
  • અમદાવાદથી દિલ્હી પહોંચી જશો માત્ર 8 જ કલાકમાં, બજેટમાં આવી ટ્રેન માટે જોગવાઈ

અમદાવાદથી દિલ્હી પહોંચી જશો માત્ર 8 જ કલાકમાં, બજેટમાં આવી ટ્રેન માટે જોગવાઈ

 | 12:51 pm IST

બજેટ 2018માં રેલવે અંતર્ગત કરવામાં આવેલી જોગવાઈઓ અનુસાર, હવે અમદાવાદ દિલ્હી વચ્ચેનું અંતર ઘટી જશે. માત્ર 8 કલાકના સમયગાળામાં જ આ અંતર કપાઈ જાય તેવી જોગવાઈ કરવા માટે તેમજ ડબલ રેલવે ટ્રેક કરવા માટે નાણાની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતની અન્ય ટ્રેનોને પણ વિજળીથી સંચાલિક કરવા ખાસ ભંડોળ ફાળવવામાં આવ્યું છે.

રેલવેએ અગાઉ અમદાવાદ-દિલ્હી ટ્રેકને વીજળીથી ચાલતો કરવાનો પ્રોજેક્ટ પણ મંજૂર કરી દેવાયેલો જ છે. રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા કેન્દ્ર સરકારના બજેટમાં સરકારે મહેસાણા અને પાલનપુર વચ્ચે પણ ટ્રેક ડબલ કરવાને મંજૂરીની મહોર મારી દીધી છે. છેલ્લાં કેટલાંય સમયથી દિલ્હી-અમદાવાદ ટ્રેક સાથે આ રૂટ પર પણ ટ્રેક ડબલ કરવાની એપ્રુવલ પેન્ડિંગ હતી. મહેસાણા અને પાલનપુર તથા રાજકોટ અને કાનાલુસ વચ્ચે ટ્રેક ડબલ કરવા પાછળ રૂ. 1540 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

તો અમદાવાદ થઈને મુંબઈથી દિલ્હી જતી ટ્રેન 16 કલાકમાં દિલ્હી પહોંચાડે છે. પણ હવે ટૂંક જ સમયમાં આ ગાળો માત્ર 12 કલાકનો થઈ જશે. કેન્દ્ર સરકારે રજૂ કરેલા 2018-19ના બજેટમાં આ માટે જાહેરાત કરવામાં આવી છે કે મુંબઈ-વડોદરા-અમદાવાદ-દિલ્હી રૂટ પર ટ્રેનની સ્પીડ 160 કિ.મી પ્રતિ કલાકથી વધારી 200 કિ.મી પ્રતિ કલાક કરી દેવામાં આવશે. આથી મુંબઈ અને દિલ્હી વચ્ચેનું 1450 કિ.મીનું અંતર કાપવામાં 12 કલાક જેટલો જ સમય લાગશે. અત્યારે રતલામ અને કોટાથી પણ દિલ્હી જવામાં 16 કલાકનો સમય લાગે છે.

રેલવે સત્તાવાળાઓનું કહેવું છે કે શતાબ્દીમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો ટ્રાવેલ ટાઈમ બે કલાક જેટલો ઘટી જશે. અત્યારે રાજધાની મુંબઈથી અમદાવાદનું અંતર કાપવામાં 6 કલાક અને 40 મિનિટ જેટલો સમય લે છે. દિલ્હી અને અમદાવાદ વચ્ચેનું અંતર પણ માત્ર 8 કલાકમાં જ કપાઈ જશે. બજેટ મુજબ સરકારે મુંબઈ-દિલ્હી રેલવે રૂટ પર ટ્રેનોની સ્પીડ વધારવા માટે રૂ. 11,188 કરોડ ફાળવ્યા છે. અમદાવાદ-મુંબઈ રૂટમાં ડબલ ટ્રેક છે. હવે અમદાવાદ-દિલ્હી વચ્ચે પણ ડબલ ટ્રેક તૈયાર કરવાનું કામ શરૂ થઈ ગયુ છે.

રેલવેએ રાજકોટ-જેતલસર-વેરાવળ-સોમનાથ રૂટને વીજળીથી ચાલતો કરવાની મંજૂરી આપી છે. અધિકારીઓ જણાવે છે કે આખા રાજ્યમાં રૂટને વીજળીથી ચલાવવાના 14 જેટલા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. રેલવેએ આ પ્રોજેક્ટ માટે 2145 કિ.મી રૂટનું ઈલેક્ટ્રિફિકેશન કરવાને મંજૂરી આપી છે. આ માટે 1902 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

આ ઉપરાંત બજેટમાં 12 રોડ ઓવરબ્રિજ અને 8 રોડ અંડર બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટે મોડાસાથી જતા નડિયાદ-ઉદેપુર રૂટ માટે નવી લાઈનનો સર્વે કરવાની મંજૂરી આપી છે. ઉદેપુર અને હિંમતનગર વચ્ચેના રૂટને પણ વીજળીથી ચાલતો કરવાને મંજૂરી મળી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન