બજેટમાં ગ્રામિણ ભારત પર ફોકસ, ઊભાં કરાશે 22,000 ગ્રામીણ એગ્રિકલ્ચરલ માર્કેટ - Sandesh
  • Home
  • Budget 2018
  • બજેટમાં ગ્રામિણ ભારત પર ફોકસ, ઊભાં કરાશે 22,000 ગ્રામીણ એગ્રિકલ્ચરલ માર્કેટ

બજેટમાં ગ્રામિણ ભારત પર ફોકસ, ઊભાં કરાશે 22,000 ગ્રામીણ એગ્રિકલ્ચરલ માર્કેટ

 | 3:29 pm IST

કેન્દ્ર સરકારે બજેટમાં આગામી મહિનાથી જ દેશની તમામ ખેતીવાડી ઉત્પાદક બજાર સમિતિને જોડતી ચેન રૂપે ઇલેક્ટ્રૉનિક-નૅશનલ એગ્રિકલ્ચરલ માર્કેટ (E-NAM- ઈ-નામ) હેઠળ જોડવાની જાહેરાત કરી હતી. જેમાં અરુણ જેટલીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશમાં 470 બજારો આ યોજના હેઠળ જોડવામાં આવી છે અને બાકી રહેલા બજારોને માર્ચ ૨૦૧૮ સુધીમાં જોડી દેવામાં આવશે.

સરકાર દ્વારા ઍગ્રી માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફન્ડ માટે પણ કુલ 2000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેનાથી 22,000 ગ્રામીણ એગ્રિકલ્ચરલ માર્કેટ અને 585 માર્કેટિંગ યાર્ડમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ માટે ઉપયોગ કરવામાં આવશે.

આ ઉપરાંત સરકાર દ્વારા ક્લસ્ટર બેઝ પણ મૉડલ અપનાવીને ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમ ગીર પંથક કેરી માટે મુખ્ય છે તો ત્યાં કેરીની વૈજ્ઞાનિક ખેતી કઈ રીતે થાય અને વ્યાવસાયિક રીતે એનો ઉપયોગ થાય એ હેતુથી વિવિધ કૉમોડિટીના ક્લસ્ટર પણ વિકસિત કરવામાં આવશે.

જેટલીએ વધુમાં કહ્યું હતું કે ‘દેશમાં 86 ટકા ખેડૂતો નાના અને મધ્યમ કક્ષાના છે જે દરેક સમયે APMC સાથે સીધી રીતે જોડાઈ શકે નહીં. પરિણામે અમે 22,000 ગ્રામીણ એગ્રિકલ્ચરલ માર્કેટ ઊભાં કરવામાં આવશે. આ માર્કેટિંગમાં મનરેગા અને બીજી સરકારી સ્કીમનો ઉપયોગ કરીને માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ બજારમાં ઊભી થનારી ઈ-નામ સુવિધાને APMCના ઍક્ટમાંથી મુક્તિ આપવામાં આવશે. આ 22,000 ગ્રામીણ બજારમાં ખેડૂતો સીધા ગ્રાહકો અને બલ્ક ખરીદદારોને પોતાની પેદાશોનું વેચાણ કરી શકશે.’

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા બાગાયત પાકોના ક્લસ્ટર માટે સ્કીમ જાહેર કરવામાં આવશે અને આ ક્લસ્ટરમાં ફૂડ પ્રોસેસિંગ, વાણિજ્ય અને અન્ય સંલગ્ન વિભાગોની પણ મદદ લેવામાં આવશે.