ટી૨૦ વર્લ્ડ કપમાં કોચ વચ્ચે અનોખો જંગ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • ટી૨૦ વર્લ્ડ કપમાં કોચ વચ્ચે અનોખો જંગ

ટી૨૦ વર્લ્ડ કપમાં કોચ વચ્ચે અનોખો જંગ

 | 2:00 am IST
  • Share

 આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપના મુકાબલા આગામી મહિને શરૃ થઈ રહ્યા છે. ક્રિકેટની મેજર ટૂર્નામેન્ટમાં ૧૬ ટીમો ભાગ લઈ રહી છે જેમાં સાત ટીમના કોચ સાઉથ આફ્રિકાને છે. ઓસ્ટ્રેલિયાના ત્રણ દિગ્ગજ પણ વિવિધ ટીમનું કોચિંગ સંભાળી રહ્યા છે. ભારતીય ટીમના કોચ તરીકેની ભૂમિકામાં રવિ શાસ્ત્રી છે. આ સ્થિતિમાં પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા માટે શાસ્ત્રીનો સીધો મુકાબલો સાત આફ્રિકન અને ત્રણ ઓસ્ટ્રેલિયન સામે થશે. પ્રત્યેક કોચ પોતાની ટીમને ટી૨૦ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવા માટે પ્લાન-એ અને પ્લાન-બી તૈયાર કરશે. સાઉથ આફ્રિકાએ તેના ભૂતપૂર્વ વિકેટકીપર માર્ક બાઉચરને હેડ કોચ બનાવ્યો છે. આફ્રિકાના લાન્સ ક્લૂઝનરને અફઘાનિસ્તાને, રસેલ ડોમિંગોને બાંગ્લાદેશે, ગ્રેહામ ફોર્ડને આયરલેન્ડે, પિયર ડી બ્રૂએનને નામિબિયાએ, શેન બર્ગરને સ્કોટલેન્ડે તથા મિકી આર્થરને શ્રીલંકાએ કોચ તરીકેની જવાબદારી આપી છે. ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ હેડનને પાકિસ્તાનના, જસ્ટિન લેંગરને ઓસ્ટ્રેલિયાના તથા રેયાન કેમ્પબેલને નેધરલેન્ડ્સના કોચ બનાવવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડે તેના જ દેશના ક્રિસ સિલ્વરવૂડને, ન્યૂઝીલેન્ડે ગેરી સ્ટિડને, ઓમાને શ્રીલંકાના દિલીપ મેન્ડિસને, પાપૂઆ ન્યૂ ગિનીએ ઇટાલીના કાર્લ સેન્ડ્રીને તથા વેસ્ટ ઇન્ડિઝે ફિલ સિમન્સને કોચ તરીકે નિમ્યા છે.

મેથ્યૂ હેડન પાસે કોચિંગનો કોઈ અનુભવ નથી

મિસબાહ ઉલ હકે વિવાદના કારણે મુખ્ય કોચપદેથી રાજીનામું આપી દીધા બાદ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યૂ હેડનને પાકિસ્તાનનો હેડ કોચ બનાવવામાં આવ્યો છે. તેને પાસે કોચિંગનો અનુભવ નથી તે પાકિસ્તાનનું નકારાત્મક પાસું છે. હેડન બે વખત વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમનો સભ્ય રહ્યો છે પરંતુ કોચિંગનો અનુભવ નહીં હોવાના કારણે ટી૨૦ વર્લ્ડ કપમાં તેનો માર્ગ આસાન રહેશે નહીં.

સિમન્સ વિન્ડીઝને ચેમ્પિયન બનાવી ચૂક્યો છે

વેસ્ટ ઇન્ડિઝે ફિલ સિમન્સના કોચિંગ હેઠળ ૨૦૧૬નો ટી૨૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. તેની પાસે ૧૭ વર્ષનો લાંબો કોચિંગનો અનુભવ છે. ટી૨૦ વર્લ્ડ કપની આ સાતમી ટૂર્નામેન્ટ છે અને અત્યાર સુધી પાંચ ટીમો જ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની ચૂકી છે. વિન્ડીઝે બે વખત ટ્રોફી જીતી છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને ઇંગ્લેન્ડ એક-એક વખત ટી૨૦ વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે.

ક્રિસ સિલ્વર વૂડ પાસે ટૂંકો પણ મજબૂત અનુભવ

ઇંગ્લેન્ડના કોચ સિલ્વર વૂડ ૨૦૧૦થી કોચિંગ સાથે જોડાયેલા છે. તેમને ૨૦૧૮માં ઇંગ્લિશ ટીમના બોલિંગ કોચ તરીકે નીમવામાં આવ્યા હતા. તે ૨૦૧૯નો આઇસીસી વન-ડે વર્લ્ડ કપ જીતનાર ટીમના કોચ હતા. વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા બાદ તેમને ૨૦૧૯ના ઓક્ટોબરમાં ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. યુએઇની સપાટ પિચો ઉપર તેમની રણનીતિની આકરી કસોટી થશે.

મિકી આર્થરે પાકિસ્તાનને ચેમ્પિયન બનાવ્યું હતું

સાઉથ આફ્રિકાના મિકી આર્થર પાસે કોચિંગનો બહોળો અનુભવ છે. ૨૦૦૩થી તે સતત કોચિંગ સાથે જોડાયેલા છે. તે શ્રીલંકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન ટીમ સાથે પણ કામ કરી ચૂક્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ પાકિસ્તાને ઔ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. જોકે ૨૦૧૯ બાદ તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી અને અત્યારે તે શ્રીલંકન ટીમ સાથે જોડાયેલા છે.

રવિ શાસ્ત્રી પાસે બહોળો અનુભવ છે  । ૨૦૧૭થી ભારતીય ટીમ સાથે જોડાતા પહેલાં રવિ શાસ્ત્રી ૨૦૧૫-૧૬માં નેશનલ ટીમ સાથે કામ કરી ચૂક્યો છે. ભારતે આઇસીસીની ત્રણ મેજર ટ્રોફી જીતી હતી પરંતુ તેમાં ગ્રેગ ચેપલ, ગેરી કર્સ્ટન તથા ડંકન ફ્લેચરના સ્વરૃપે વિદેશી કોચ હતા. ભારતીય ટીમ ૨૦૧૩ બાદ આઇસીસી ટ્રોફી જીતી શકી નહીં હોવાના કારણે રવિ શાસ્ત્રી પાસે કોચપદ છોડતા પહેલાં ઇતિહાસ બદલવાની તક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન