Universal rainfall in South Gujarat: 10 inches in Valsad's Kaprada, still 48 hours heavy to very heavy!
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: વલસાડના કપરાડામાં 10 ઈંચ, હજુ 48 કલાક ભારેથી અતિભારે!

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: વલસાડના કપરાડામાં 10 ઈંચ, હજુ 48 કલાક ભારેથી અતિભારે!

 | 9:38 am IST
  • Share

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. વલસાડ, નવસારી, સુરત, ડાંગમાં સવારથી વરસાદે બેટિંગ શરૂ કરી હતી. દરમિયાન વલસાડના કપરાડામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. તેવી જ રીતે નવસારીના ખેરગામમાં 2.56 ઈંચ, વાંસદા 2.16 ઈંચ, ચીખલી 2.28 ઈંચ અને સુરતના ઓલપાડમાં 1.4 ઈંચ અને કામરેજમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધરમપુરના ભેંસદરા આશ્રામના શિક્ષક લવારી નદીના ધસમસતા પાણીમાં તણાઈ જતાં તંત્ર દોડતું થઇ ગયું હતું.

હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડયો હતો. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી પૈકી સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં પડયો હતો. વલસાડમાં છેલ્લા એક સપ્તાહથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ સોમવારે વરસાદે વલસાડના કપરાડામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે કપરાડામાં 10.08 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. એક ધારે વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. સોમવારે સુરતમાં પણ આખો દિવસ વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. થોડા થોડા સમય વરસાદી ઝાપટાં નોંધાયા હતા. સુરતમાં ખાસ કરીને ઓલપાડમાં 1.4 ઈંચ અને સુરત શહેર તથા કમરેજમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતમાં વરસાદી માહોલ વચ્ચે ઠંડક પ્રસરી જવા પામી હતી.

જ્યારે નવસારીના કૃષ્ણપુર ખાતે રહેતા હિતેશભાઇ ગણપતભાઇ ટંડેલ (ઉં.વ. 32) ધરમપુરની ભેંસદરા આશ્રામશાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. રવિવારે રાત્રીથી સોમવારે દિવસ દરમિયાન ધરમપુર તાલુકામાં ભારે વરસાદથી આશ્રામશાળા પાસેથી પસાર થતી લાવરી નદીમાં પૂર આવ્યું હતું. જેને કારણે આ શાળા સુધી પહોંચવાના રસ્તા પર આવતો કોઝવે પાણીમાં ગરક થઇ ગયો હતો. જેને પગલે શિક્ષક હિતેશભાઇ કોઝવે તરફ નીકળ્યા હતા, તે સમયે કોઝવે પાસે તણાઇ આવેલું લાકડું ખસેડવાનો પ્રયાસ કરતાં સંતુલન ગુમાવી દીધા હતું. સંતુલન ગુમાવતા તેમનો પગ લપસી જતા કોઝવેના ધસમસતા પાણીમાં તણાઇ ગયા હતા. બનાવ અંગે ધરમપુર પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરાતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી જઇ શિક્ષકની શોધખોળ હાથ ધરી છે.

ધરમપુર-કપરાડાના 31 માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ

ધરમપુરા અને કપરાડામાંથી પસાર થતી તાન-માન અને પાર નદી બંને કાંઠે વહી હતી, એટલું જ નહીં મોટાભાગના કોઝવે ડૂબી જતાં વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી. તંત્રના જણાવ્યા અનુસાર ધરમપુર- કપરાડાના 31 જર્લા માર્ગ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. કલાકો સુધી સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. પાણી ઉતરતા મોડી રાતે કેટલાક માર્ગ વાહન વ્યવહાર માટે ખોલી દેવાયા હતા.

આગામી 48 કલાક વલસાડ-નવસારીમાં અતિભારે, સુરતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે જ્યારે સુરત જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં આગામી 24 કલાક ભારે વરસાદ પડી શકે છે. બુધવારે સુરતમાં હળવો વરસાડ પડે તેવી વકી છે.

ઉકાઇમાં 340નું રૂલ લેવલ જાળવી રાખવા 04 દરવાજા ખોલી 84,856 ક્યુસેક પાણી છોડાયું

ઉકાઇ ડેમમાં 340 ફૂટનું રૂલ લેવલ જાળવી રાખવા માટે પાણી છોડવાનું વધારવા નિર્ણય લેવાયો છે. 12.30 કલાકથી ડેમના ચાર દરવાજા ચાર ફૂટ સુધી ખોલી પાણી છોડવાનું શરૂ કર્યુ હતું. જોકે, છેલ્લા 06 કલાકથી ડેમમાંથી 53000 કયુસેક પાણી છોડવાનું શરૂ કરાયા પછી પણ સાંજે 06 કલાકે ડેમની સપાટી આજના રૂલ લેવલથી 1 ફૂટ વધુ રહેવા પામી હતી. સોમવારે રાતે 8 વાગ્યે ડેમની સપાટી 341.39 ફૂટ હતી. જ્યારે પાણીની આવક 84,856 ક્યુસેક અને જાવક 84,856 ક્યુસેક કરી દેવામાં આવી હતી.

ઉકાઇ ડેમની આસપાસના વિસ્તારમાં પડેલા

વરસાદનું પાણી ડેમમાં આવે તેની સંભાવના છે. તેથી ડેમમાં પાણીની આવક વધી શકે છે. સિંચાઇ વિભાગના જણાવ્યું અનુસાર કેચમેન્ટ એરિયામાં વરસાદ ઓછો છે. પરંતુ ઉકાઇની આસપાસના વિસ્તારમાં સારો વરસાદ પડયો છે. જેને પગલે તંત્રએ રાતે 8 વાગ્યે ઉકાઇ ડેમમાંથી 85,૦૦૦ ક્યુસેક પાણી છોડવા નિર્ણય લીધો હતો. ઉકાઇમાં હાઇડ્રો અને કેનાલ મારફતે પાણી છોડવાનું ચાલુ કરાયું છે.

વલસાડ જિલ્લો

કપરાડા 10.08 ઈંચ
ધરમપુર 05.0 ઈંચ
વાપી 3.16 ઈંચ
ઉમરગામ 2.44 ઈંચ
પારડી 2.2 ઈંચ
વલસાડ 1.6 ઈંચ

નવસારી જિલ્લો

ખેરગામ 2.56 ઈંચ
ગણદેવી 2.92 ઈંચ
ચીખલી 2.28 ઈંચ
જલાલપોર 1.48 ઈંચ
વાંસદા 2.16 ઈંચ
નવસારી 1.92 ઈંચ

સુરત જિલ્લો

ઓલપાડ 1.4 ઈંચ
કામરેજ 1.0 ઈંચ
સુરત સિટી 1.0 ઈંચ
માંડવી 0.72 ઈંચ
ઉમરપાડા 0.80 ઈંચ
માંગરોળ 0.68 ઈંચ

ડાંગ જિલ્લો

સાપુતારા 2.0 ઈંચ
સુબીર 1.24 ઈંચ
આહવા 1.28 ઈંચ
વઘઇ 1.0 ઈંચ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન