અનશનઃ લાગે તો તીર, નહીં તો... - Sandesh

અનશનઃ લાગે તો તીર, નહીં તો…

 | 2:56 am IST

નવાજૂનીઃ ઉર્વીશ કોઠારી

અન્ના હજારે અને રામદેવનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન પુરબહારમાં હતું અને અન્નાનાં અનશન શાસકોને ડગમગાવતા હતાં, ત્યારે બીજા એક અનશનકર્તાએ જીવ ગુમાવ્યો. એ હતા હરદ્વારના સ્વામી નિગમાનંદ. ગંગાની અશુદ્ધિ અને તેના કાંઠે થતા ગેરકાયદે ખાણકામ સામે ૩૪ વર્ષના જુવાન સંન્યાસીએ ૨૦૧૧ના ફેબ્રુઆરીમાં ઉપવાસ આદર્યા. બે મહિના ઉપર વીત્યા પછી તેમને બળજબરીથી હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા અને જૂન મહિનામાં તેમનું અવસાન થયું. અલબત્ત, એ વખતે થયેલો એક આરોપ એવો પણ હતો કે હોસ્પિટલમાં તેમને ધીમા ઝેરનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. એટલે કે, તેમનું મૃત્યુ અનશનથી નહીં, ઝેરથી થયું.

શબ્દકોશમાં ઉપવાસ સાથે ધાર્મિક વિધિવિધાન કે વ્રત સંકળાયેલાં છે, જ્યારે અનશનમાં વિરોધનો, ભૂખહડતાળનો ભાવ વિશેષ છે. છતાં બંને શબ્દો એકબીજાના વિકલ્પે વપરાતા રહે છે. અન્ય એક શબ્દ છેઃ ‘ધરણા’. તેને ભૂખ્યા રહેવા સાથે લેવાદેવા નથી. પોતાની માગણી સંતોષવા માટે (ભૂખ્યા રહેવા સહિતનું) કોઈપણ પ્રકારનું ત્રાગું કરવામાં આવે, તે ધરણા કહેવાય છે. છેલ્લાં થોડાં વર્ષથી અરવિંદ કેજરીવાલના ઉપવાસ સંદર્ભે ‘ધરણાનું રાજકારણ’ શબ્દપ્રયોગ ચલણી બન્યો છે.

ગાંધીજીને લીધે એવું લાગે, જાણે અનશનનું શસ્ત્ર ભારતીય હશે. વાસ્તવમાં એ દુનિયાભરમાં અજમાવાતો વિરોધ પ્રદર્શનનો જૂનો અને જાણીતો રસ્તો છે. ગાંધીજીની કમાલ એ ગણાઈ કે જે દેશમાં મોટી સંખ્યામાં લોકો ભૂખમરાથી મૃત્યુ પામતા હોય, ત્યાં તેમણે ભૂખ્યા રહેવાનું હથિયાર પ્રયોજ્યું.

ગાંધીજી જે રીતે ઉપવાસ દ્વારા વિરોધને આધ્યાત્મિક રંગ આપતા હતા. અનશનની એ લાક્ષણિકતા છેઃ કરનારને તેમાં કદી ત્રાગું લાગતું નથી ને પ્રતિપક્ષીને તે હંમેશાં ત્રાગું લાગે છે. તેમાંથી કોના પક્ષે રહેવું એ નક્કી કરવું ઘણી વાર મૂંઝવણભર્યું બની જાય છે. માગણી વાજબી અને વ્યાપક જનહિતમાં હોય તો જ સ્વીકારાય. આમરણ ઉપવાસની બીકે ગેરવાજબી માગણી કેવી રીતે ઔસ્વીકારી શકાય?

બીજો માપદંડ સહાનુભૂતિનો છે, જેમાં એક માણસને એમ શી રીતે મરવા દેવાય-એવો ખ્યાલ મુખ્ય રહે છે. પરિણામે, શાસકો બળજબરીથી, શરીરમાં નળીઓ નાખીને, અનશનકર્તાને ‘ખવડાવે’ છે અને તેની માગણી સ્વીકાર્યા વિના, તેનું જીવન ટકાવી રાખે છે. કેટલાક કિસ્સામાં જો કે આ શક્ય બનતું નથી. ત્યારે કરુણતા સર્જાય છે. સ્વરાજ આંદોલન પહેલાં જેલવાસી ક્રાંતિકારીઓએ જેલમાં સુધારા અને સમાનતાના અધિકારો માટે લાહોરની જેલમાં ભૂખ હડતાળ શરૂ કરી હતી. તેમાં જતીન્દ્રનાથ દાસનું ૬૩ દિવસના અનશન પછી જેલમાં જ મૃત્યુ થયું.

આઝાદી પછી તેલુગુભાષીઓએ અંગ્રેજોના જમાનાના મદ્રાસ પ્રાંતથી અલગ, આંધ્રપ્રદેશની માગણી કરી. ચૂંટણીમાં કોંગ્રેસને ફ્ટકો પડવા છતાં, અલગ આંધ્રનો નિર્ણય લેવાયો ન હતો. પછી શરૂ થયા પોટ્ટી શ્રીરામુલુના આમરણ ઉપવાસ. ભૂતકાળમાં ગાંધી આશ્રમમાં રહી ચૂકેલા અને સત્યાગ્રહમાં ભાગ લઈ ચૂકેલા શ્રીરામુલુના ઉપવાસ આગળ વધતા ગયા, તેમ સરકાર પર દબાણ આવતું ગયું. મદ્રાસ પ્રાંતના મંદિરોના દરવાજા અસ્પૃશ્યો માટે ઔખોલી નાખવાની માગણી સાથે તેમણે ૧૯૪૬માં આમરણ ઉપવાસ આદર્યા હતા. એ વખતે ગાંધીજીની સમજાવટથી તેમણે ઉપવાસ છોડયા.

પણ ૧૯૫૨માં અલગ આંધ્રની માગણી વખતે તેમને સમજાવી શકે એવું કોઈ રહ્યું નહીં. ઉપવાસના અઠ્ઠાવનમાં દિવસે શ્રીરામુલુએ દેહ છોડયો. એ સાથે જ આંધ્રનું આંદોલન ચરમસીમાએ પહોંચ્યું અને બે જ દિવસમાં અલગ આંધ્રનો સ્વીકાર કરી લેવામાં આવ્યો.

આવા અનશનની સામે ફ્લ્મિપ્રેમીઓને ‘ગાઇડ’માં રાજુ ગાઇડે કરેલા ઉપવાસ પણ યાદ આવી શકે, જેમાં ઉપવાસની શરૂઆત ફયદાની ગણતરીએ થઈ હતી, પણ આગળ જતાં ઉપવાસીનું હૃદય પરિવર્તન થયું.

વિરોધની અભિવ્યક્તિ માટે અનશન કેવી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા ધરાવે છે, તેનાં કેટલાંક તાજા ઉદાહરણઃ રશિયાએ ક્રિમીયા પર કબજો જમાવી દીધો, ત્યારે વોલોડિમિર બલુખ નામના એક સ્થાનિકે રશિયાની દાદાગીરી સામેનો વિરોધ ચાલુ રાખ્યો. એટલે તેમની ધરપકડ કરવામાં આવી અને વિવિધ આરોપ મૂકીને, અદાલતી કાર્યવાહીમાં તેમને સજા ફ્ટકારવામાં આવી. તેના વિરોધમાં બલુખે આમરણ અનશન શરૂ કર્યા અને બીજી સપ્ટેમ્બર સુધીમાં તેના ૧૬૭ દિવસ પૂરા થઈ ચૂક્યા છે. અલબત્ત, તેમના અનશન નકોરડા નથી. તે પાણી ઉપરાંત ચા અને મધ પણ લે છે.

નૈતિક દબાણનો દારૂગોળો ધરાવતી આમરણ ઉપવાસની બંદૂકની ખૂબી અને ખામી એક જ છેઃ તે બંને બાજુ ફ્ૂટી શકે છે.

[email protected]