અનલિસ્ટેડ કંપનીઓએ ૨ ઓક્ટોબરથી નવા શેર્સ ફરજિયાત ડિમેટ સ્વરૂપે આપવાના રહેશે - Sandesh
  • Home
  • Business
  • અનલિસ્ટેડ કંપનીઓએ ૨ ઓક્ટોબરથી નવા શેર્સ ફરજિયાત ડિમેટ સ્વરૂપે આપવાના રહેશે

અનલિસ્ટેડ કંપનીઓએ ૨ ઓક્ટોબરથી નવા શેર્સ ફરજિયાત ડિમેટ સ્વરૂપે આપવાના રહેશે

 | 2:30 am IST

। નવી દિલ્હી ।

અનલિસ્ટેડ કંપનીઓએ બીજી ઓક્ટોબરથી નવા શેર્સ ફરજિયાત ડિમેટ સ્વરૂપે આપવાના રહેશે, એમ સરકારે આજે જણાવ્યું હતું. તદુપરાંત શેર ટ્રાન્સફર પણ માત્ર ડિમેટ અથવા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કરવાના રહેશે. કોર્પોરેટ ક્ષેત્રે પારદર્શકતા વધારવા, રોકાણકારોના રક્ષણ અને વહીવટ સંદર્ભે આ પગલું લેવામાં આવ્યું છે, એમ કોર્પોરેટ બાબતોના મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું. ગેરકાયદે નાણાં પ્રવાહને બીજે વાળવાની શંકા ધરાવતી શેલ કંપનીઓ ઉપર મંત્રાલય ત્રાટકી રહ્યું છે ત્યારે આ પગલું આવી પડયું છે.

અનલિસ્ટેડ કંપનીઓ દ્વારા નવા શેર્સ જારી કરવા અને તમામ શેર્સની ટ્રાન્સફર માત્ર ડિમેટ દ્વારા જ કરવાની રહેશે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. ૨૦૧૩ના કંપનીઝ એક્ટ હેઠળ પ્રાઇવેટ અને પબ્લિક કંપનીઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. સામાન્યપણે ૨૦૦થી વધુ સભ્યો ધરાવનારી કંપનીને પબ્લિક કંપની ગણવામાં આવે છે અને તેમણે કોર્પોરેટ વહીવટના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહે છે.

મંત્રાલયના જણાવાયા અનુસાર ફિઝિકલ શેર્સ ચોરાઈ જાય, ગુમાઈ જાય કે પછી છેતરપિંડી થાય એવા જોખમને ધ્યાનમાં લેતા ડિમેટ સ્વરૂપે શેર્સ રાખવાના નિર્ણયથી લાભ થશે. તદુપરાંત આ પગલાંથી પારદર્શકતા વધવાથી કોર્પોરેટ વહીવટ સિસ્ટમમાં સુધારો કરવામાં સહાય થશે અને બેનામી શેરહોલ્ડિંગ અને પાછલી તારીખેથી શેર્સ જારી કરવા જેવી ગેરરીતિને અટકાવી શકાશે, એમ યાદીમાં જણાવાયું હતું. ડિપોઝિટરીઝ અને શેર ટ્રાન્સફર એજન્ટ્સ સાથેના સહયોગમાં તેમના શેર્સને ડિમેટ કરવામાં પબ્લિક કંપનીઓ અનુકૂળતા કરી આપશે એવી ધારણા છે, એમ યાદીમાં વધુમાં જણાવાયું હતું.

;