ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર! - Sandesh
  • Home
  • Columnist
  • ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર!

ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર!

 | 1:37 am IST

રોંગ નંબર : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં એક આપાતકાલીન ચિંતનબેઠક કરી. સરકાર કોઈપણ પક્ષની હોય એની મોટાભાગની બેઠક આપાતકાલીન હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી કોણ જાણે કેમ રાજકારણીઓને ચિંતનચેપ લાગ્યો છે. અમુક પ્રકારનાં ચિંતનનો વાઇરસ ચિંતા કરાવે એવો હોય છે. પહેલાં એવું કહેવાતું કે ધ્યાનના બે માર્ગો છે : ચિંતન અને મનન. સરકારના પક્ષે મનન એટલા માટે કરવામાં નથી આવતું કે એ માટે એકપણ રાજકારણીનું મન નથી હોતું. મન હોય તો મનન થાય અને ચિત્ત હોય તો ચિંતન થાય! ચિંતન એટલા માટે કરવામાં આવે છે કે મોટાભાગના રાજકારણીઓનું ચિત્ત ‘ક્યાં’ છે એની એમને ખબર છે! તો, વાત ચાલતી’તી કેન્દ્ર સરકારની. થોડા સમય પહેલાં સરકારે એક ચિંતનબેઠક કરી. પહેલાં તો બેઠક કરવી કે નહીં એ માટે ખૂબ ખૂબ ચિંતન કર્યું અને એ પછી એક બેઠક કરી, વળી પાછું ખૂ…બ ચિંતન કર્યું કે બાલમંદિર અને પ્રાથમિક શાળાઓમાં ભણવાનાં બહાને બોલાવવામાં આવતા ભારતનાં ભવિષ્યને દફતરના ભારમાંથી કેવી રીતે બચાવવું!

આપણે ત્યાં ‘ચિંતક’ શબ્દનું એક ચારિત્ર્ય છે પણ કહેવાય છે એવું કે, જે ચિંતન કરે એ ચિંતક! ‘ચોરી કરવા મધરાતે જવું કે વહેલી પરોઢે?’ આ પણ એક પ્રકારનાં આર્થિક કર્મનું ચિંતન કહેવાય. આપણો ન્યૂ ચાણક્ય આ અર્થમાં ચોરને પણ ચિંતક માને છે. ગર્લફ્રેન્ડ કે વુમનફ્રેન્ડ સાથે સાંજે ભરપેટ નાસ્તો કરી ઘેર પહોંચતો કોઈ પરિણીત આર્યપુત્ર એવો પ્લાન બનાવીને પોતાની ધર્મપત્ની પાસે એવી રજૂઆત કરે કે, પેટમાં ગડબડ હોવાને કારણે મને લાગે છે કે આજ સાંજનું જમવાનું કેન્સલ કરી ઉપવાસ કરી નાખું. ઉપવાસ કરવાના આવા સાત્ત્વિક અને આયુર્વેદીય વિચારને પણ ચિંતન કહેવાય. ખરેખર ચિંતકોની આજે ખોટ નથી. આજે બે જ વિચારધારાનું ચલણ ચાલી રહ્યું છે : તક અને ચિંતક. તક મળી નથી કે માણસ ચિંતક બન્યો નથી!

મોટાભાગની પ્રાથમિક શાળાઓ માટે નવી લોડ શેડિંગ પોલિસી તૈયાર કરવામાં કેન્દ્ર સરકારે શિક્ષણનાં કેન્દ્રમાં ભણતરને બદલે ‘ભાર’ પર વધારે ભાર આપ્યો છે. ભારે માણસોના વિચારો ભારે હોય છે એવું એક માથાભારે, મતલબ કે ભારે માથાવાળા ચિંતકે પોતાનાં ‘ભણતર વગરનો ભાર’ નામનાં ભારેખમ પુસ્તકમાં લખ્યું છે. એ જે હોય તે પણ એક વાત તો આપણો ન્યૂ ચાણક્ય પગ પછાડી પછાડીને કહે છે કે ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સરકારોને બાલમંદિરથી માંડીને બબાલમંદિર(ઉચ્ચ શિક્ષણ!) સુધીનાઓની ચિંતાઓ થવા માંડે છે. સરકાર હંમેશાં માઈબાપ કહેવાય. મા-બાપ ચિંતા ન કરે તો બીજું કોણ કરે?

બાળકનાં દિમાગમાં કેટલું જ્ઞા।ન હોવું જોઈએ એવું ચિંતન કરવાને બદલે કેન્દ્ર અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે એવું ચિંતન કર્યું કે બાળકની સ્કૂલબેગમાં વજન કેટલું હોવું જોઈએ? આને કહેવાય વજનદાર સરકાર! કેટલાક કાયદા બનાવવામાં જે તે સરકારનું વજન પડતું હોય છે. આજે જ્ઞા।ન કરતાં વજનનું મહત્ત્વ વધારે છે. તમે ગમે ત્યાં જાવ, વજન પડવું જોઈએ! પછી જ્ઞાન એ ‘વજન’ શબ્દનું હોય, અવાજનું હોય કે બોલનારનું હોય, મહત્ત્વ એનું નથી. મહત્ત્વ વજનનું છે. વળી જમાનો પણ વજન અને વજનદારોનો છે. ‘વજન અને વજનદાર સર્વત્ર પૂજયેત્’ એવું ‘વજનોપનિષદ’માં લખ્યું છે.

આપણા ન્યૂ ચાણક્યે તેમનાં પ્રાચીન ‘અર્થ’શાસ્ત્રમાં ‘ભાર’ શબ્દનો એવો અર્થ કર્યો છે એ જોતાં વજનનો અર્થ જ અહીં બદલાઈ જાય છે. એ ઘણીવાર પેલી પંક્તિ બોલતા હોય છે કે :

‘જલસે પતલા કૌન હૈ, કૌન ભૂમિસે ભારી, કૌન અગનસે તેજ હૈ, કૌન કાજલસે કારી.’

આવી રહસ્યભરી રજૂઆત કરીને વળી પાછા એ જ આપણને રહસ્ય છતું કરી આપે, આવું કહીને : ‘જલસે પતલા જ્ઞાન હૈ, પાપ ભૂમિસે ભારી, ક્રોધ અગનસે તેજ હૈ, કલંક કાજલસે કારી.’

ખરેખર, આપણી કેન્દ્ર સરકારનું શિક્ષણખાતું ચિંતનવતું છે અને રાજ્ય સરકારોનું શિક્ષણખાતું ચેતનવંતું છે. એને ખબર છે કે જ્ઞાન તો પાણીથીય પાતળું છે. પાતળું હોય એનું વજન ન હોય એવું સમજી શિક્ષણ વિભાગે જ્ઞા।નને બદલે સ્કૂલબેગને વધારે મહત્ત્વ આપ્યું!

આવનારાં સત્રથી હવે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ‘વજનમાપક યંત્ર’ મૂકવામાં આવશે અને વજનમાપક નિષ્ણાતોની ભરતી કરવામાં આવશે, જે દરેક વિદ્યાર્થીઓની સ્કૂલબેગ ઉપર ચાંપતી નજર રાખશે.

પહેલા અને બીજા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કૂલબેગનું વજન અમુક કિલોથી વધુ હોવું જોઈએ નહીં એવું ચિંતનબેઠકે નક્કી કર્યું છે. અહીં ‘અમુક’ કિલો એટલા માટે લખવું પડયું છે કે સમય જતાં બાળકનાં વજનમાં વધ-ઘટ થયા કરે અને તેની સીધી અસર સ્કૂલબેગનાં વજન પર પડે! દિમાગ ખાલી હોય તો ચાલે પણ ખાલી સ્કૂલબેગનો તો કોઈ અર્થ જ નહીં ને? સ્કૂલબેગ તો ભરેલી હોવી જ જોઈએ. નાનપણમાં ભરેલી સ્કૂલબેગ જ મોટપણમાં ભરેલી સૂટકેસબેગ માટે પ્રેરણાતીર્થ બની શકે છે. ત્રીજા અને ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની સ્કૂલબેગનું વજન ત્રણ કિલોથી ઓછું અને પાંચથી આઠ ધોરણના વિદ્યાર્થીની સ્કૂલબેગનું વજન ચાર કિલોથી વધારે નહીં હોવું જોઈએ. એવું ઘણા વર્ષો પહેલાં તત્કાલીન સરકારે નક્કી કરેલું, જેની સાઇડ ઇફેક્ટ્સ આજે પણ એ સમયની બાલ્યાવસ્થામાંથી આજની તરુણાવસ્થામાં આવી ગયેલા યુવાન-યુવતીઓ પર જોવા મળે છે. સવાલ એ થાય છે કે જ્ઞાનનો આધાર પુસ્તકનાં કદ કે વજન પર છે કે પછી એ પુસ્તકનાં બે પૂંઠાં વચ્ચે સમાયેલી સામગ્રી પર છે?

સરકારનો શિક્ષણવિભાગ ખરેખર કેળવાયેલો હોવો જોઈએ, એ વગર એને આવા કસાયેલા વિચારો ન આવે. ‘બાળકની ક્ષમતા જ્ઞા।ન કે માહિતી ઊંચકવાની છે કે સ્કૂલબેગ ઊંચકવાની’ એ વિષય પર કોઈ વજનદાર માણસે Ph.D. કરવા જેવું છે.

ભવિષ્યની પેઢી એનાય ભવિષ્યની પેઢીને એવા સવાલો કરતી થઈ જશે કે : અલ્યા, તમે તો માત્ર ટેબ્લેટ કે લેપટોપ ઊંચકીને ભણવા જાવ છો, અમારા જમાનામાં તો અમે પહેલા ધોરણથી જ બબ્બે કિલોનું વજન ઊંચકીને ભણવા જતા’તા, બોલો!

બોલો, હવે તમે જ બોલો સાહેબ, આવનારા સમયમાં બુદ્ધિઆંક(IQ)નું મહત્ત્વ હશે કે વજનઆંકનું(WQ)? આવનારાં ભવિષ્યમાં ઘોડા લુપ્ત થતા જશે અને ગધેડાં ગુપ્તપણે હરતાં ફરતાં થઈ જશે એવી સ્વામી હર્ષાનંદ સરસ્વતીની આગાહી છે.

શિક્ષણ વિભાગના એક અધિકારી તો એવું પણ કહે છે કે બાળકની પીઠનો તો વિચાર કરો. ઊંચકાયેલી સ્કૂલબેગના ભારથી એ બાળક જો પહેલા જ ધોરણથી વિદ્યા તરફ પીઠ કરીને બેસશે તો વિદ્યાપીઠોનું ભવિષ્ય કેવું રહેશે? લાગે છે કે વિદ્યાપીઠનો ગૂઢ અર્થ, કદાચ આ રીતે પણ સિદ્ધ થઈ રહ્યો હોય! જો ખરેખર એમ હોય તો આપણા રાજકારણીઓ અંગ્રેજો કરતાં સવાયા સાબિત થયા એમ ચોક્કસ કહી શકાય! અંગ્રેજોએ તો કારકૂનો પેદા કર્યા પણ માત્ર ‘વજન’નો વિચાર કેન્દ્રસ્થાને રાખનાર આજના શિક્ષણ વિભાગે તો ‘વજનદાર’ નાગરિકો પેદા કરવાનું અભિયાન શરૂ કર્યું, એ કંઈ નાનીસૂની વાત નથી!

લાગે છે કે હવે ટૂંક સમયમાં જ ભાર વગરનાં ભણતર કરતાં ભણતર વગરના ભારનો જમાનો શરૂ થવાની તૈયારી છે!

ડાયલટોન : 

–              લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક કેમ થયું?

–              અરે ભ’ઈ શિયાળો છે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;