unseasonal rains In All Gujarat Farmer are Sad
  • Home
  • Ahmedabad
  • ગુજરાતનાં વાતાવરણમાં એકાએક પલ્ટો, અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડુતોમાં ચિંતા

ગુજરાતનાં વાતાવરણમાં એકાએક પલ્ટો, અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડુતોમાં ચિંતા

 | 9:48 pm IST

હવામાન વિભાગ દ્વારા કરાયેલ કમૌસમી વરસાદની આગાહીના પગલે સમગ્ર ગુજરાત સહિત અનેક જિલ્લામાં બપોર બાદ એકાએક વરસાદી વાતાવરણ સર્જાવા પામ્યું હતું. ત્યારે પાટણ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થતા રસ્તા પર ઉભેલા રાહદારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે બીજી તરફ હાલમાં પરીક્ષાની મૌસમ ચાલી રહી હોઈ વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

પાટણ જીલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન ઉપર આધારીત જીલ્લો છે. ત્યારે એક તરફ શિયાળાની વિદાય થઈ રહી છે અને ઉનાળાનું ધીમે પગલે આગમન થઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ કમૌસમી વરસાદની આગાહીના પગલે બપોર બાદ વતાવરણમાં એકાએક પલટો આવી જવા પામ્યો હતો અને આકાશમાં કાળા ડીંબાંગ વાદળોથી ધેરાઈ જતા અને ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થતા રસ્તા પર ઉભેલા લારીવાળા તેમજ શહેરીજનોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતો દ્વારા ખેતરમાં ઉભા પાકને તેમજ જે પાક કાપીને મુકવામાં આવ્યો છે. તેવા પાક ભીનો થવાથી ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હાલમાં કમૌસમી વરસાદથી હાલમાં ખેતરમાં ઉભા પાક જેવા કે જીરૂ, સુવા, ચણા, રાઈ, વરિયાળી, શાકભાજી વગેરે પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લેવાનું જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે તો બીજી તરફ પાકની કાપણી કરેલ હોય તો વરસાદથી પાક ભીંજાય નહી તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. જીરૂ, ઘંઉ, રાઈ, શાકભાજી વગેરે પાકમાં ઉભા પાકોમા પિયત ટાળવું. ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા, ફળ પાકો/શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે જ પહોંચાડવા.

વરસાદી માહોલમાં પાકની કાપણી થેલ હોય તો સુરક્ષીણ જગ્યાએ રાખવો અને તાડપત્રી ઢાંકવી તથા ખેતમાં ઉભા પાકમાં પાણી ભરાય તો તુરંતજ નિકાલ કરવો અને પિયત આપવાનું ટાળવુ તથા યુરીયા ખાતર આપવાનું ટાળવું. એપીએમસી માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા અને અનાજ કે ખેતપેદાશ તાડપત્રીથી ઢાંકીને રાખવા. એપીએમસીમાં વેચાણ અર્થે લઈ જવાતી ખેતપેદાશો તાડપત્રી ઢાંકી ને જ લઈ જવી. રાસાયણિક ખાતર કે નવુ ખરીદેલ ઉનાળુ ઋતુના પાકોનું બિયારણ પલડે નહી તે મુજબ સુરક્ષિત ગોડાઉનમાં રાખવું. તેવું ખેતીવાડી વિભાગ દ્વારા જણાવ્યું છે.

પાલનપુર પંથકમાં બપોર બાદ એકાએક છુટો – છવાયો વરસાદ પડવાને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. બનાસકાંઠામાં વેસ્ટર્ન ડિસ્ટર્બ ના કારણે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેને લઈને ગુરૂવારના વહેલી સવારથી જ બનાસકાંઠા ના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જતા પાલનપુરમાં સમી સાંજના સુમારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડુતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થતાં ખેડુતોની ચિંતામાં વધારો થયો છે અને પાલનપુરમાં કમોસમી છુટા – છવાયા વરસાદી ઝાપટા બાદ સમી સાંજના સુમારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડવાથી ખેડુતોના જીવ તાળવે ચોંટયા હતા. ત્યારે ખેડુતોએ પોતાના ખેતરમાં ઘઉં , જીરૂં , બટાકા , રાયડો , એરંડા સહીતના અનેક પાકોનું વાવેતર કર્યું છે. ત્યારે માવઠાની આશંકાને પગલે ખેડુતોની મુશ્કેલી વધતાં ખેડુતો ભગવાનને કમોસમી વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં ગત વર્ષે પણ પાછોતરા વરસાદમાં ખેતીને નુકશાન થયું હતું. તેના કારણે ખેડુતોની હાલત દયનીય બની હતી. ત્યારે શિયાળુ પાકનું ઉત્પાદન સારૂ થતાં ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી હતી ત્યારે આજે અચાનક આકાશમાં વાદળો ઘેરાયા અને વરસાદ પડતા તૈયાર પાકને નુકશાન થાય તેવું વાતાવરણ થતાં ખેડુતોમાં ચિંતા વ્યાપી જવા પામી છે.

આ વીડિયો પણ જુઓ : કાતિલ કોરોના વાયરસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન