યુપીના બાબુઓ પંદર દિવસમાં સંપત્તિની જાહેરાત કરે : યોગી

122

લખનઉ, તા. ૨૦

ઉત્તર પ્રદેશના નવા સીએમ યોગી આદિત્યનાથ પહેલાં દિવસથી જ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે લોકભવન ખાતે સરકારના તમાણ ઉચ્ચ અધિકારીઓ અને તમામ વિભાગના બાબુઓની બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન તેમણે તમામ પાસે પ્રામાણિકતા, સ્વચ્છતા અને પારદર્શીતાના શપથ લેવડાવ્યા હતા. તેમણે સરકાર કેવી રીતે કામ કરશે તે મુદ્દે પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન બંને ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી આદિત્યનાથે તમામ અધિકારીઓને પંદર દિવસમાં પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, તેમણે રવિવારે શપથ લીધા બાદ પોતાના તમામ મંત્રીઓને પણ પંદર દિવસમાં સંપત્તિ જાહેર કરવા કહ્યું હતું.

આદિત્યનાથે પોતાના પોલીસ ખાતા અને ગૃહવિભાગના આધિકારીઓ અને મંત્રીઓને જણાવ્યું હતું કે, રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવે. તેમણે એમ પણ જણાવ્યું કે, તમામ અધિકારીઓએ પંદર દિવસમાં તેમની સંપત્તિ જાહેર કરવાની રહેશે. પોલીસ વિભાગમાં પણ મેરિટના આધારે ભરતી કરવામાં આવશે તેવા આદેશ જારી કર્યા હતા. કોઈપણ પોલીસ સ્ટેશનમાં કોઈપણ પ્રકારના રાજકીય દબાણ ન રાખવાના પણ સંકેત આપ્યા હતા.

બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદી યુપી સરકારની કામગીરી ઉપર નજર રાખશે. મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રાને યુપી સરકારના કામકાજનું મોનિટરિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ છેલ્લાં બે દિવસથી લખનઉમાં જ હોવાની પણ ચર્ચા છે.