યુપી કેબિનેટે પતંજલિના ૨,૦૦૦ કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી - Sandesh
  • Home
  • India
  • યુપી કેબિનેટે પતંજલિના ૨,૦૦૦ કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી

યુપી કેબિનેટે પતંજલિના ૨,૦૦૦ કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી

 | 4:47 am IST

લખનઉ, તા. ૬

ઉત્તર પ્રદેશ સરકારે પતંજલિ આયુર્વેદના ૨,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. યુપી કેબિનેટે લીલી ઝંડી આપતા પતંજલિનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવશે. આ પ્રોજેક્ટમાં યમુના એક્સ્પ્રેસ વે ઉપર ૪૫૦ કરોડના ખર્ચે બનનારા ફૂડ પાર્કનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧,૫૦૦ કરોડના ખર્ચે ગ્રેટર નોઈડામાં એગ્રો પ્રોસેસિંગ પ્લાન્ટ પણ લગાવવામાં આવશે. આ માટે ૪૫૦ એકર જમીન પર પસંદગી ઉતારવામાં આવી છે જેને પતંજલિ દ્વારા ખરીદવામાં આવશે. પતંજલિ દ્વારા આગામી વર્ષે યુપીમાં વિધાનસભા ચૂંટણી બાદ પોતાના રોકાણ અંગે જાહેરાત કરવામાં આવશે તેવી ચર્ચાઓ વચ્ચે યુપી કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટનું કામ એડવાન્સ સ્ટેજ પર છે અને તેના માટે જમીનની પસંદગી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ યમુના એક્સ્પ્રેસ વેની નજીક બને તેવી પૂરતી શક્યતાઓ છે.

૧૦ હજાર લોકોને રોજગારીની આશા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગ્રેટર નોઈડા પ્લાન્ટ એક ઈન્ટરનેશનલ ફૂડ પાર્ક હશે જે સ્થાનિક બજારની જરૂરિયાતોની પણ ર્પૂિત કરશે. આ અંગે પતંજલિના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણ દ્વારા યમુના એક્સ્પ્રેસ વે ઓથોરિટી સાથે અનેક વખત બેઠક યોજવામાં આવી હતી. જમીન ખરીદી બાદ પ્લાન્ટ એકથી દોઢ વર્ષમાં કાર્યરત થઈ જશે તેવી ધારણા રાખવામાં આવી છે. આ ઉપરાંત એવી પણ ગણતરી છે કે, પ્લાન્ટ પોતાની પૂરી ક્ષમતા સાથે કાર્યરત થશે તો વર્ષે ૨૫ હજાર કરોડનું ઉત્પાદન કરશે. આ પ્રોજેક્ટ દ્વારા ૧૦,૦૦૦ લોકોને રોજગારી મળશે તેવી આશા રાખવામાં આવી છે. પતંજલિ મધ્ય પ્રદેશ, આસામ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં પણ પ્લાન્ટ શરૂ કરવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન