up-chief-minister-yogi-adityanath-announced-the-formation-of-lord-rams-magnificent-statue
  • Home
  • India
  • યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાન રામની ભવ્ય પ્રતિમા બનાવવાની જાહેરાત કરી

યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાન રામની ભવ્ય પ્રતિમા બનાવવાની જાહેરાત કરી

 | 12:13 am IST

ફૈઝાબાદનું અયોધ્યા તરીકે નામકરણ કર્યાના એક દિવસ બાદ યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાન રામની ભવ્ય પ્રતિમા બનાવવાની જાહેરાત કરીને હિંદુવાદી એજન્ડાને આગળ ધપાવ્યો છે. યોગીએ કહ્યું કે સરયુ નદી કિનારે 151 મીટર ઊંચી ભગવાન રામની મૂર્તિ ખડી કરવામાં આવશે.

પૂજનીય મૂર્તિ મંદિરમાં હશે પરંતુ એક દર્શનીય મૂર્તિ પણ હશે જે અયોધ્યાની આગવી ઓળખ બનશે. લોકોની આસ્થાનું સન્માન કરીને અયોધ્યાની એક વિશિષ્ટ ઓળખ માટે જે કંઈ પણ કરવું ઘટે તે કરવામાં આવી રહ્યું છે. સરયુ કિનારે રામની પ્રતિમા માટે જગ્યા જોઈ લેવામાં આવી છે. રામમંદિર પર ટૂંક સમયમાં કોઈ નિર્ણય લેવાશે જોકે બંધારણીય મર્યાદામાં રહીને મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

બંધારણીય મર્યાદામાં મંદિરનું બાંધકામ થશે

દીપોત્સવીનાં ભવ્ય આયોજન અને સરયુ તટ પર ત્રણ લાખ કરતાં પણ વધારે દીપ પ્રાગટય કર્યા બાદ યોગી આદિત્યનાથે કહ્યું કે નિઃસંદેહપણે અયોધ્યામાં ભગવાન રામનુ મંદિર હતું અને રહેશે. ભવ્ય રામમંદિરનો નિર્ણય ટૂંક સમયમાં કરવામાં આવશે. જોકે બંધારણીય મર્યાદામાં રહીને મંદિરનું બાંધકામ થશે. 

સંતો સાથેની મુલાકાત બાદ યોગીએ કહ્યું કે આગામી થોડાં વર્ષોમાં અયોધ્યાને એક શ્રેષ્ઠ નગર તરીકે વિકસિત કરવામાં આવશે. અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કરવા માટે લોકો આવે છે. અયોધ્યામાં પહેલાં પણ મંદિર હતું અને ભવિષ્યમાં પણ રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. મંદિરને ફક્ત ભવ્ય સ્વરૂપ આપવાની માગ છે અને સરકાર આ દિશામાં સકારાત્મક પ્રયાસ કરી રહી છે. અયોધ્યા સાત પવિત્ર નગરોમાંનું એક છે. યોગીએ કહ્યું કે અયોધ્યામાં વિધવા અને અનાથ બાળકો માટે એક આશ્રમ બનાવવાની પણ યોજના છે.

;