Urvashi Rautela talked about her upcoming film

વર્જિનિટી સંજોગો આધારિત હોય છે

 | 4:27 pm IST

ઉર્વશી રૌતેલાએ ટ્વિટર ઉપર ૧૦ જુલાઈએ લખ્યું હતું, એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે કૌમાર્ય સંજોગો આધારિત હોય છે. દરેક વ્યક્તિનો જુદી રીતે ઉછેર થાય છે અને દરેક વ્યક્તિના પ્રેમ કોને કહેવાય એ માટે જુદા આદર્શ હોય છે. આ ટ્વીટ એટલા માટે કર્યું હતું કે એની ફિલ્મ વર્જિન ભાનુપ્રિયા આવતી કાલે રજૂ થઈ રહી છે. કહે છે કે આ ફિલ્મ માટે ઉર્વશી રૌતેલાને ખૂબ મોટી રકમનું મહેનતાણું મળ્યું છે.

આ ફિલ્મનો મધ્યવર્તી સંદેશો જ એ છે કે આપણે બધાએ એક વાત સમજી લેવાની જરૂર છે કે વર્જિનિટી એટલે કે કૌમાર્ય સંજોગ આધારિત હોય છે. દરેક વ્યક્તિ જુદા સમય-સંજોગોમાં ઉછરે છે. જુદા વાતાવરણમાં ઉછરે છે. એની રમતગમત અને જીવનશૈલી જુદી હોય છે. એનો ખોરાક જુદો હોય છે. એ પ્રમાણે એના શરીરનાં બધાં અંગ પણ જુદાં હોય છે. એ જુદી રીતે વિકસે છે. એમાં કૌમાર્યની ખાતરી કરાવનાર અંગ કૌમાર્યપટલ પણ વધતું ઓછું મજબૂત હોય છે.

ઉર્વશી રૌતેલા માટે એના ચાહકો માને છે કે એણે ડેબ્યૂ માટે ખોટી ફિલ્મ સાઈન કરી લીધી હતી. તેની પહેલી ફિલ્મ સની દેઓલ સાથે સિંઘ સાહબ ધી ગ્રેટ હતી. તે સની દેઓલની પત્નીની ભૂમિકામાં હતી. ફિલ્મ પણ ખાસ ન ચાલી અને ઉર્વશીનું નામ કોઈનાય ધ્યાનમાં ન આવ્યું. સિનેજગતમાં એના બિનધાસ્ત એટિટયૂડની નોંધ લેવાઈ અને તેને સનમ રે અને ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં ચાન્સ મળ્યો. સનમ રે ફિલ્મનું તો નામ પણ મોટાભાગના ચાહકોને ખબર નથી. ગ્રેટ ગ્રાન્ડ મસ્તી મલ્ટિસ્ટારર ફિલ્મ હોવાથી ઉર્વશીનું નામ ખાસ જાણીતું ન બની શક્યું.  એ પછી હેટ સ્ટોરી-૪માં ઉર્વશીએ ખૂબ નામના મેળવી. ઉર્વશી રૌતેલા એ પછી ટાઈગર શ્રોફને ચમકાવતી ફિલ્મ પાગલપંતીમાં પણ ચમકી હતી. એમાં પુલકિત સમ્રાટ, અનિલ કપૂર, જોન અબ્રાહમ, ઈલિયાના ડીક્રૂઝ અને કૃતિ ખરબંદા પણ હતાં. જોકે ફિલ્મ બોક્સઓફિસ પર ઊંધા માથે પછડાઈ ગઈ અને ઉર્વશીના ટોપ સ્લોટમાં જવાનાં સપનાં પણ પછડાટ ખાઈ ગયાં.

હનીસિંહના એક ગીત લવ ડોઝમાં ઉર્વશી પડદા પર નજર આવી હતી. એ ગીતમાં એની અદાઓ માટે ખાસ્સી લોકપ્રિય પણ બની હતી. લોકડાઉન પહેલાં ઉર્વશીના એક ગીતનો વીડિયો એક ડાયમંડ દા હાર લેદે યાર… ખૂબ લોકપ્રિય બન્યો હતો.

વર્જિન ભાનુપ્રિયામાં પણ ઉર્વશીએ ચાહકોનાં દિલ જીતી લીધાં છે. ઉર્વશી હરિદ્વાર, ઉત્તરાખંડમાં જન્મી હતી. જોકે એનો ઉછેર કોટદ્વારમાં થયો હતો. મુંબઈમાં એનું કોઈ કનેક્શન નથી. અહીં તેણે ખાસ્સો સંઘર્ષ કર્યો છે. તે દેશની સૌથી સુંદર યુવતી હોવાનો ખિતાબ તેની પાસે છે તો પણ! તે ખૂબ સારી રીતે તાલીમ પામેલી ડાન્સર છે. તે નેશનલ લેવલની બાસ્કેટ બોલ ખેલાડી રહી ચૂકી છે. સૌંદર્ય સ્પર્ધાઓમાં ઉર્વશીની તોલે કદાચ કોઈ જ આવી શકે એમ નથી. ઉર્વશી ૨૦૦૯માં મિસ ટીન ઈન્ડિયા બની હતી, ૨૦૧૧માં ઈન્ડિયન પ્રિન્સેસ સૌંદર્ય સ્પર્ધા જીતી હતી, એ જ વર્ષે મિસ ટૂરિઝમ ક્વિન ઓફ ધી યરનો ખિતાબ પણ જીતી હતી. ૨૦૧૨માં મિસ યુનિવર્સનો તાજ પણ જીતી હતી જે પાછળથી રદ કરવામાં આવ્યો હતો. ૨૦૧૫માં મિસ દિવા યુનિવર્સ સ્પર્ધામાં તાજ જીતી લીધો હતો. ૨૦૧૫માં મિસ યુનિવર્સમાં ભાગ લેવા માગતી હતી, પરંતુ હરીફાઈના આયોજકોએ અસ્વીકાર કરી દીધો. તે મોડેલિંગ કરી ચૂકી છે. અનેક ફેશન શોમાં રેમ્પવોક કરી ચૂકી છે અને લેકમે ફેશન વીકમાં શો સ્ટોપર રહી ચૂકી છે. એમેઝોન ફેશન વીકમાં દુબઈ એફડબલ્યૂ અને મુંબઈ એફડબલ્યૂમાં રેમ્પ પર વોક કરી ચૂકી છે.

ઉર્વશી કહે છે, મોડેલિંગ, ફેશન, સૌંદર્યમાં તો ટોચનું સ્થાન મળી ગયું છે. હવે અભિનયમાં મારી કાબેલિયત સાબિત કરી શકું તો લાગે કે ફિલ્મોમાં આવવાનો મારો નિર્ણય ખોટો નહોતો.

તાજેતરમાં ઉર્વશી રૌતેલા અને ગૌતમ ગુલાટીનાં લગ્નનો ફોટો ખૂબ જ વાઇરલ થઈ ગયો હતો. ગૌતમ ગુલાટીએ આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું હતું, શાદી મુબારક નહીં કહોગે? આ ફોટો અને આ કમેન્ટ વાઇરલ થતાં લાખ્ખો-કરોડો છોકરા-છોકરીઓનાં દિલ તૂટી ગયાં હતાં, કારણ કે ગૌતમ ગુલાટી કરોડો યુવતીઓના દિલની ધડકન છે સામે ઉર્વશી રૌતેલા પણ કરોડો યુવાનોનાં દિલમાં વસી ગઈ છે. આ બંનેનાં લગ્નનો ફોટો આમ અચાનક સામે આવતાં સનસનાટી ફેલાઈ જાય એ સ્વાભાવિક છે. જોકે આ ફોટો ફિલ્મ વર્જિન ભાનુપ્રિયાની પબ્લિસિટી માટે વાઇરલ કરવામાં આવ્યો હતો. એ ફિલ્મમાં ગૌતમ ગુલાટી અને ઉર્વશી રૌતેલા હીરો-હિરોઈન છે. ફિલ્મના અંતે બંનેનાં લગ્ન થઈ જાય એવી ફિલ્મની વાર્તા છે. અને એ દૃશ્યના ફિલ્માંકન વખતનો જ એ ફોટો છે. તો યુવક-યુવતીઓ જરાય નિરાશ ન થતાં. તમારા ખાસ કલાકારોએ લગ્ન નથી કરી લીધાં. બંને વર્જિન છે!

સિનેજગત પર જાણે કે એક શાપ છે. અહીં ખૂબ જ ટેલેન્ટેડ અને શિક્ષિત લોકો ટોચની સફળતા ભાગ્યે જ મેળવે છે. ઉર્વશી રૌતેલા આ શાપ તોડી શકે છે કે કેમ એ જોવું રહ્યું.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન