અમેરિકી પ્રતિબંધ વચ્ચે ભારત ઈરાની તેલની ચુકવણી હવે રૂપિયામાં કરશે - Sandesh
  • Home
  • World
  • અમેરિકી પ્રતિબંધ વચ્ચે ભારત ઈરાની તેલની ચુકવણી હવે રૂપિયામાં કરશે

અમેરિકી પ્રતિબંધ વચ્ચે ભારત ઈરાની તેલની ચુકવણી હવે રૂપિયામાં કરશે

 | 7:30 am IST

। નવી દિલ્હી ।

તેલ આયાતને મુદ્દે ભારતે ભારતે ઈરાન સાથે મહત્વની સમજૂતી કરી છે. ભારતે ઈરાનથી આયાત થતા ક્રુડ ઓઈલની ચુકવણી રૂપિયામાં કરવા સંબંધે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ઈરાન પર પાંચ નવેમ્બરથી નવા અમેરિકી પ્રતિબંધો અમલી બન્યા હોવા છતાં ભારતે આ ઈસ્લામિક દેશ સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ભારત અને અન્ય ૭ દેશોને ઈરાન પાસેથી તેલ આયાતના મુદ્દે થોડા સમયની રાહત આપી છે.

ભારતીય રીફાઈનરીઓ યુકો બેન્કમાં આવેલા નેશનલ ઈરાનીયન ઓઈલ કંપનીના ખાતામાં રૂપિયામાં ચુકવણી કરી શકશે. પેમેન્ટની અડધી રકમ ઈરાન ભારતીય સામાનની ખરીદી પાછળ ખર્ચશે.અમેરિકી પ્રતિબંધો હેઠળ ભારત ઈરાનને અનાજ, દવા ,મેડિકલ ઉપકરણો નિકાસ કરી શકે છે.

ભારતને મળી છે ૧૮૦ દિવસની છૂટછાટ
ઈરાન પાસેથી તેલ આયાત ઘટાડવા અને પેમેન્ટ રોકવાના પ્રતિબંધનો અમલ શરૂ થયા પછી ભારતને છુટછાટ મળી હતી. ૧૮૦ દિવસની મળેલી છુટછાટ મુજબ ભારત પ્રતિદીન મહત્તમ ૩ લાખ બેરલ્સ ક્રુડ ઓઈલ આયાત કરી શકશે. જોકે ભારત આ વર્ષે ઈરાન પાસેથી પ્રતિદીન સરેરાશ ૫.૬ લાખ બેરલના હિસાબે તેલની આયાત કરતું રહ્યું  છે. અર્થાત ભારત દ્વારા ઈરાની તેલની આયાત ઘટશે.

ભારત ૮૦ ટકા ક્રૂડતેલની આયાત કરે છે
ભારત વિશ્વનો ત્રીજા ક્રમનો સૌથી મોટો તેલ આયાતકર્તા દેશ છે. ભારત પોતાની  ૮૦ ટકા તેલ જરૂરિયાત આયાતની મદદથી પુરી કરે છે. ઈરાક અને સાઉદી અરબ પછીના ક્રમે ભારત ઈરાન પાસેથી સૌથી વધુ ક્રુડ તેલની આયાત કરે છે. ભારતની ૧૦ ટકા તેલ જરૂરિયાત ઈરાન પુરી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન