US China Tension Updates Usaf Deploys B-1b Lancer Bomber In Guam
  • Home
  • Featured
  • ચીનને બરાબરનો પાઠ ભણાવવા ભારતની મદદે આવ્યું US, સરહદ નજીક ખડક્યા ઘાતક બોમ્બર્સ

ચીનને બરાબરનો પાઠ ભણાવવા ભારતની મદદે આવ્યું US, સરહદ નજીક ખડક્યા ઘાતક બોમ્બર્સ

 | 11:33 pm IST

લદ્દાખની બોર્ડર પર LAC ખાતે ભારત અને ચીનની સેનાએ સામસામે મોરચો માંડયો છે. ચીનની અવળચંડાઈ પછી ભારતે લદ્દાખથી લઈને અરુણાચલ અને સિક્કિમ સુધી સૈનિકોની વધુ ટુકડીઓ ગોઠવી છે. ટેન્કો અને તોપોનાં નાળચાં ચીન તરફ ગોઠવ્યાં છે. યુદ્ધવિમાનો તેમજ હેલિકોપ્ટર્સ દ્વારા બોર્ડર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ચીન દ્વારા લદ્દાખ બોર્ડર પર યુદ્ધઅભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આમ બંને દેશો એકબાજુ યુદ્ધની તૈયારી કરી રહ્યાં છે ત્યારે ભારતે ચીનને હંફાવવા બીજી તરફ ટ્રેડવોર શરૃ કરી છે. ભારતની ઓઇલ કંપનીઓએ વિદેશમાંથી ઓઇલની આયાત કરવા ચીનની ટેન્કરોને ભાડે નહીં લેવાનો નિર્ણય લીધો છે. ચીને ભારતની ઓપ્ટિક ફાઇબર પર પાંચ વર્ષ માટે એન્ટિડમ્પિંગ ડયૂટી લંબાવી છે.

ભારતની ઓઇલ કંપનીઓ ચીની ટેન્કરો દ્વારા ઓઇલ નહીં મગાવે

દેશની સરકારી ઓઇલ કંપનીઓએ ચીન દ્વારા સંચાલિત ઓઇલ ટેન્કરોને પોતાનાં કોન્ટ્રાક્ટ નહીં આપવાનું નક્કી કર્યું છે. ચીનની કંપનીઓનાં ટેન્કર્સ કોઈ ત્રીજા દેશમાં રજિસ્ટર્ડ હશે તો પણ તેને કોન્ટ્રાક્ટ અપાશે નહીં. ઓઇલ કંપનીઓ પહેલેથી જ ગ્લોબલ ટેન્ડર્સમાં ફર્સ્ટ રાઈટ ઓફ રિફ્યુઝલનો અધિકાર ધરાવે છે. આથી દેશની ઓઇલ કંપનીઓને આનાથી કોઈ મોટી અસર પડશે નહીં. દેશની વીજળી કંપનીઓ દ્વારા તેમજ રેલવે દ્વારા ચીનની કંપનીઓને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યા છે.

ચીને ભારતીય ઓપ્ટિક ફાઇબર પરની ટેરિફ પાંચ વર્ષ લંબાવી

ચીને ભારતીય ઓપ્ટિક ફાઈબર પરની ટેરિફ પાંચ વર્ષ લંબાવી છે. સિંગલ મોડ ઓપ્ટિક ફાઇબર પરની આ શિક્ષાત્મક ટેરિફ 14 ઓગસ્ટથી અમલમાં આવે તેવી રીતે પાંચ વર્ષ સુધી લાગુ રહેશે. જુદાજુદા ભારતીય ઉત્પાદનો અને ઉત્પાદકોને આધારે તે 7.4 ટકાથી લઈને 30.6 ટકા સુધીની હોય છે. ચીને અગાઉ 2019ના મધ્યમાં ભારતના ઓપ્ટિક ફાઇબર પર પાંચ વર્ષ માટે એન્ટિડમ્પિંગ ડયૂટી લાદી હતી પણ થોડા સમય પછી તેની સમીક્ષા કરીને ઉઠાવી લીધી હતી.

અમેરિકાએ ડિયેગો ગાર્સિયામાં ઘાતક પરમાણુ સ્ટીલ્થ યુદ્ધવિમાનો તહેનાત કર્યાં

લદ્દાખમાં ચીન દ્વારા સેના અને આધુનિક ટેન્ક તેમજ તોપો ખડકાઈ રહી છે ત્યારે તેને પાઠ ભણાવવા અમેરિકાએ ડિયેગો ગાર્સિયામાં તેના નૌકા કાફલામાં સૌથી ઘાતક પરમાણુ બોમ્બર B2 Spirit Stealthને તહેનાત કર્યા છે. આ બોમ્બર વિમાનો એક સાથે 16 અણુબોમ્બ લઈ જવાની ક્ષમતા ધરાવે છે અને એક જ સમયે આખા ચીનને તબાહ કરી શકે છે. 29 કલાકનો હવાઈ પ્રવાસ કરીને આ B-2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર ડિયેગો ગાર્સિયા પહોંચ્યા છે. યુએસ એરફોર્સના કમાન્ડર કર્નલ ક્રિસ્ટોફર કોનંતે કહ્યું હતું કે મિત્ર દેશોને મદદ કરવા અમે પ્રતિબદ્ધ છીએ.

દરિયામાં ભારતને ઘેરવા ચીન અને પાકિસ્તાનનું ષડ્યંત્ર

દરિયામાં ભારતને ઘેરવા ચીન અને પાકિસ્તાને ષડ્યંત્ર ઘડયું હતું. ચીનના પ્રમુખ થોડા દિવસમાં જ પાક. જવાના છે તે વખતે બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધો મજબૂત કરાશે અને સંરક્ષણ સોદા કરાશે. ચીન પાકિસ્તાનનાં નૌકાદળને અનેક હથિયારો આપીને વધારે મજબૂત કરી રહ્યું છે. ગ્વાદરથી જિબુતી બંદર સુધી બંને દેશનાં યુદ્ધજહાજો સામૂહિક પેટ્રોલિંગ કરશે અને કવાયત કરશે. પાક. ચીન પાસેથી 8 સબમરિન અને કેટલીક ફ્રીગેટ ખરીદવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન