યુએસના કોલસેન્ટર કૌભાંડમાં ૭ ભારતીય, ૫ બીપીઓ દોષિત ઠર્યા - Sandesh
  • Home
  • Newspaper
  • યુએસના કોલસેન્ટર કૌભાંડમાં ૭ ભારતીય, ૫ બીપીઓ દોષિત ઠર્યા

યુએસના કોલસેન્ટર કૌભાંડમાં ૭ ભારતીય, ૫ બીપીઓ દોષિત ઠર્યા

 | 1:13 am IST

। શિકાગો ।

અમેરિકામાં આચરવામાં આવેલા ૫૫ લાખ કરોડનાં કોલસેન્ટર કૌભાંડમાં અમેરિકાનાં ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા શુક્રવારે ૭ ભારતીય સહિત ૧૫ લોકોને અને ગુજરાતનાં ૫ BPOને દોષિત ઠરાવવામાં આવ્યા છે. આ કોલસેન્ટર્સ અને વ્યક્તિઓ દ્વારા અમેરિકાનાં ૨૦૦૦ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. કૌભાંડમાં સંડોવાયેલા કોલ સેન્ટરનાં ઓપરેટર્સ દ્વારા કૌભાંડનો ભોગ બનેલી સંભવિત વ્યક્તિને ઈન્ટરનલ રેવન્યૂ ર્સિવસના બોગસ અધિકારી બનીને કે અન્ય રીતે પે ડે લોનની ઓફર કરવામાં આવતી હતી. આ પછી ભોગ બનેલી વ્યક્તિને થોડા દિવસ પછી સરકારનો ટેક્સ અને દંડ નહીં ચૂકવવા માટે ધરપકડની કે કેદની સજાની કે દંડની ધમકીઓ આપવામાં આવતી હતી અને તેમની પાસેથી ડોલર પડાવવામાં આવતા હતા. આ કૌભાંડનાં સંદર્ભમાં ગુરુવારે અમેરિકામાં ૭ લોકોને પકડવામાં આવ્યા હતા. સાત ભારતીયો અને ગુજરાતના અમદાવાદનાં પાંચ BPOની કથિત સંડોવણી માટે તેમને પણ દોષિત ઠરાવાયા હતા. અમદાવાદના કોલ સેન્ટર્સનો ઉપયોગ કરીને ભારતમાંથી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. યુએસ એટર્ની બયુંગ જે પાકે કહ્યું હતું કે ભારતીય લોકોને તેમજ BPOને સામેલ કરીને અમેરિકાનાં નાગરિકોને છેતરવામાં આવ્યા હતા.

કોલસેન્ટર્સ અને BPO દ્વારા ૨૦૧૨થી ૨૦૧૬ વચ્ચે કૌભાંડ આચરાયું

અમદાવાદમાં આવેલા કોલ સેન્ટર્સ અને BPO દ્વારા ૨૦૧૨થી ૨૦૧૬ વચ્ચે અમેરિકાનાં નાગરિકોને ખોટા ફોન કરીને IRS કે USCISના અધિકારી તરીકે ધમકીઓ આપીને પૈસા પડાવવામાં આવતા હતા. આમાં વૃધ્ધ અમેરિકનો અને કાનૂની ઈમિગ્રન્ટસને શિકાર બનાવવામાં આવ્યા હતા. બ્રોકર્સ અને અન્ય સોર્સ પાસેથી ડેટા મેળવીને ટેક્સ કે દંડ ન ભરે તો તેમને પકડવાની ધમકીઓ અપાઈ હતી. જો કૌભાંડનો ભોગ બનનાર પૈસા જમા કરાવવા તૈયાર થાય તો અમેરિકામાં તેમના સાથીઓનો સંપર્ક સાધીને મની ગ્રામ કે વેસ્ટર્ન યુનિયન દ્વારા વાયરથી પૈસા ટાન્સફર કરવા કહેવામાં આવતું હતું અને કૌભાંડીઓનાં ખાતામાં પૈસા જમા કરાવવામાં આવતા હતા અને મની લોન્ડરિંગ દ્વારા પૈસાની હેરાફેરી કરાતી હતી.

દોષિત ઠરેલી ૧૫ વ્યક્તિઓ કોણ?

શૈલેશ કુમાર શર્મા, દીલીપકુમાર કોડવિની, રાધિશ્રરાજ નટરાજન, શુભમ શર્મા, નિરવ જનકભાઈ પંચાલ, એથર પરવેઝ મન્સુરી, મોહમ્મદ સમીર મેમણ, મોહમદ કાઝિમ મોમિન, પલક કુમાર પટેલ, મોહમદ સોઝાબ મોમિન, રોડ્રરિગો લીઓન કેસ્ટિલો, ડેવિન બ્રેડફોર્ડ પોપ, નિકોલસ એલેકઝાન્ડર ડીએની, ડ્રુએ કાયલી રિગિન્સ અને જેન્ટઝ પેરિશ મિલર. આમાં સાત આરોપીઓ  મોહમદ કાઝિમ મોમિન, પટેલ, મોહમદ સોઝાબ મોમિન, પોપ, ડીએની, રિજીન્સ અને મિલર શુક્રવારે યુએસ મેજિસ્ટ્રેટ જજ સમક્ષ હાજર થયા હતા જેમની ધરપકડ કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;