US Corona Single Day Deaths Now 884 Figure Reached 4,475
  • Home
  • Corona live
  • વિશ્વયુદ્ધ બાદ અમેરિકામાં પહેલી વાર 24 કલાકમાં મોતનો આંકડો સામે આવતા દુનિયામાં હાહાકાર

વિશ્વયુદ્ધ બાદ અમેરિકામાં પહેલી વાર 24 કલાકમાં મોતનો આંકડો સામે આવતા દુનિયામાં હાહાકાર

 | 12:24 pm IST

ભલભલાને પાણી પીવડાવતી દુનિયાની મહાશક્તિ અમેરિકા આજે કોરોના સામે ઘુંટણીયે પડી ગઈ છે. અમેરિકામાં દિવસ ઉગતાની સાથે જ જે મોતના આંકડા જાહેર થઈ રહ્યા છે તે ખરેખર શ્વાસ થંભાવી દેનારા છે. ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસનો ગઢ બની ગયેલા અમેરિકામાં છેલ્લા 24 જ કલાકમાં 884 લોકોના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે.  

અમેરિકામાં એક જ દિવસમાં 884 લોકોના મોત થયા છે. જેના કારણે દેશમાં મૃત્યુઆંક વધીને 4475 પર પહોંચી ગયો છે. અમેરિકામાં 2,13,372 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જે દુનિયામાં સૌથી વધુ છે. દુનિયા આખીની વાત કરીએ તો કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોનો આંકડો 9,30,000 પર પહોંચી ગયો છે. જ્યારે 47000થી વધુ લોકોના મોત થયા છે.

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યાં પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 884 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. અમેરિકામાં એક દિવસમાં જીવ ગુમાવનારાઓનો અત્યાર સુધીમાં આ સૌથી મોટો આંકડો છે. આ બધા વચ્ચે અમેરિકામાં કોરોના વાયરસનો ગઢ બની ગયેલા ન્યૂયોર્ક શહેરમાં જ મૃતકોનો આંકડો 1300 પાર થઈ ગયો છે. આ મહાસંકટમાં અમેરિકામાં હોસ્પિટલોમાં માસ્ક અને અન્ય ચિકિત્સકિય સામાનોમાં ભારે અછત જોવા મળી રહી છે.

યુદ્ધ જહાજોથી જવાનોને બહાર કાઢશે અમેરિકા

આ ભાયનકતા વચ્ચે અમેરિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. એમેરિકા હવે પોતાના યુદ્ધ જહાજ થિયોડોર રૂઝવેલ્ટથી 3000 નૌસૈનિકોને બહાર કાઢશે. આ નૌસૈનિકોને ગુઆમની હોટલોમાં ક્વોરન્ટાઈન કરવામાં આવશે. જહાજ પર કોરોના સંક્રમિત નૌસૈનિકોની સંખ્યા વધીને 100 થઈ ગઈ છે. કોરોના વાયરસથી અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં પીપીઈ કિટની ભારે અછત થઈ છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ 10000 જેટલા છે.

6 મહિનાના બાળકના મોતથી ચિંતા

અમેરિકામાં માત્ર 6 અઠવાડિયાના નવજાત બાળકના મોતથી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કોરોના વાયરસના સંક્રમણથી ચેપગ્રસ્ત બન્યા બાદ આ બાળકનું મોત થયું છે. અમેરિકી રાજ્ય કનેક્ટિકટના ગવર્નરે કહ્યું હતું કે, કોરોના વાયરસથી થયેલા મોતોમાં આ સૌથી ઓછી ઉંમરનું મોત છે. ગવર્નર નેડ લામોન્ટે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, નવજાતને ગત અઠવાડિયે એક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો નહીં.

હોસ્પિટલોમાં દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે અમેરિકામાં ઠેર ઠેર હંગામી હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે. જે કામમાં આર્મી કામે લાગી છે. આ ઉપરાંત અન્ય સંગઠનો પણ હોસ્પિટલો બનાવવાના કામે લાગી છે. સિએટલમાં ફોર્ટ કાર્સન અને જોઈન બેસ લેવિસ મેકકોર્ડથી પહોંચેલા સેનાના જવાનો ફિલ્ડ હોસ્પિટલ બનાવવામાં લાગ્યા છે. અહીં 250 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં બેડ ઓછા પડે તો દર્દીઓને અહીં લાવવામાં આવશે.

ન્યૂયોર્કમાં પોર્ટ પર બની 1000 બેડની હોસ્પિટલ

નેવીએ પોતાના જહાજમાં બનેલી 1000 બેડની હોસ્પિટલને ન્યૂયોર્ક પોર્ટ પર ઊભી કરી દીધી છે. અહીં જો કે કોરોના વાયરસના દર્દીઓની સારવાર નહીં કરવામાં આવે. હોસ્પિટલમાં બેડની ભારે અછત થતા સામાન્ય દર્દીઓની સારવાર ત્યાં થશે. ન્યૂયોર્કનો જાણીતો સેન્ટ્રલ પાર્ક કે જે રાજકીય ગતિવિધિઓ માટે ખુબ મશહૂર છે ત્યાં પણ તંબુઓના સહારે હંગામી હોસ્પિટલો બનાવવામાં આવી છે. આ કામમાં બિનસરકારી સંસ્થાઓ પણ મદદ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન