US cyberattack strikes Iran's military computers : Source
  • Home
  • Featured
  • ઇરાનની સેના પર એકેય બોમ્બ ફેંકયા કે લોહીનું ટીપું પાડ્યા વગર અમેરિકા કરી રહ્યું છે ‘ધ્વસ્ત’

ઇરાનની સેના પર એકેય બોમ્બ ફેંકયા કે લોહીનું ટીપું પાડ્યા વગર અમેરિકા કરી રહ્યું છે ‘ધ્વસ્ત’

 | 2:04 pm IST

અમેરિકા અને ઇરાનની વચ્ચે યુદ્ધ શરૂ થઇ ચૂકયું છે અને ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું છે. તમને નવાઇ લાગશે કે જમીન પર તો આવું કંઇ થતું દેખાઇ રહ્યું નથી. જો કે વાત એમ છે કે અમેરિકાએ આ વખતે જંગનું મેદાન બદલી નાંખ્યું છે. દુનિયાના આ સૌથી શક્તિશાળી દેશે ઇરાનની વિરૂદ્ધ ભવિષ્યનું ‘બ્રહ્માસ્ત્ર’ ચલાવ્યું છે. પોતાના અત્યાધુનિક ડ્રોનને તોડી પાડતા ગિન્નાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિસાઇલ હુમલાના આદેશ પર યુ-ટર્ન લીધા બાદ ઇરાન પર ‘સાઇબર સ્ટ્રાઇક’ કરી છે. કહેવાય છે કે અમેરિકાએ તેના દ્વારા ઇરાની સૈન્ય સિસ્ટમને તબાહ કરી દીધી છે. તે પણ લોહીનું એક પણ ટીપું પાડ્યા વગર. ઇરાન પણ આ અંદાજમાં વળતો પ્રહાર કરવાની કોશિષમાં છે.

એકપણ બોમ્બ ફેંકયા વગર અમેરિકાએ ઇરાનની સેનાને બેબસ કરી દીધી છે. અમેરિકા અને ઇરાનની વચ્ચે ચાલી રહેલું સાઇબર વૉર ભવિષ્યની જંગનું એક ઉદાહરણ છે. દુનિયા મિસાઇલો, ટેન્કો અને ટોપોથી નીકળતા સાઇબર વેપનની તરફ વધી રહ્યું છે અને આ જંગમાં જીત માટે તમામ મહારથીઓએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોતાના શક્તિશાળી ડ્રોન પર હુમલા બાદ અમેરિકાએ 20મી જૂનના રોજ સાઇબર એટેક કરીને ઇરાની સેનાના સૈન્ય કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમને તબાહ કરી દીધી. આ સિવાય ઇરાનના એ ગુપ્તચર ગ્રૂપોને નિશાન બનાવ્યા જેના પર જાતેજતરના દિવસોમાં તેલ ટેન્કરો પર હુમલાની શંકા હતી. કેટલીય કોમ્પ્યુટર સિસ્ટમોને નિશાન બનાવાઇ. આ અભિયાન સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું કે ઇરાનના મિસાઇલ લોન્ચ કરવાના કોમ્પ્યુટર પણ આ હુમલાનો શિકાર બન્યા. આ હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થયું નથી. આની પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે મિસાઇલ હુમલામાં ઇરાનના સામાન્ય નાગરિક મૃત્યુ પામત, આથી તેમણે પોતાના નિર્ણયને પાછો ખેંચી લીધો. ટ્રમ્પ પોતાના નિર્ણયથી પાછા હટ્યા નથી પરંતુ અમેરિકન હુમલાની રીત બદલી દીધી. તેમણે મિસાઇલની જગ્યા પર સાઇબર એટેકનો આદેશ આપ્યો.

ઇરાને પણ કર્યા પ્રહારો
અમેરિકન સાઇબર હુમલા બાદ ઇરાને પણ વળતો પ્રહાર કર્યો છે. સાઇબર સિક્યોરિટી કંપની ફાયરઆઇના મતે ઇરાન સાથે જોડાયેલા APT39, APT33, APT34 હેકર ગ્રૂપ્સે અમેરિકાની ટેલિકોમ અને એરોસ્પેસ કંપનીઓને નિશાન બનાવી. જો કે તેમાં અમેરિકાને કેટલું નુકસાન થયું છે તેની પુષ્ટિ થઇ નથી. કહેવાય છે કે ઇરાન હેકર ગ્રૂપ APT34 2014થી સક્રિય છે અને સતત ઇરાનના પક્ષમાં સાઇબર હુમલા કરતું રહ્યું છે. એવું નથી કે અમેરિકાએ આ પ્રકારની ડિજિટલ સ્ટ્રાઇક પહેલી વખત કરી છે.

અગાઉ અમેરિકા અને ઇઝરાયલ પણ ઇરાનની સામે સાઇબર એટેક કરી ચૂકયું હતું. આ હુમલામાં ઉપયોગ થનાર કોમ્પ્યુટર વાયરસ સ્ટક્સનેટને અમેરિકા અને ઇઝરાયલે મળીને બનાવ્યો હતો અને તેણે ઇરાનની સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમને બર્બાદ કરી દીધી હતી. 2010મા જ્યારે આ વાયરસ અંગે પહેલી વખત ખબર પડી તો ઇરાને પણ તેના જવાબમાં પોતાની સાઇબર આર્મીને તૈયાર કરી છે. ઇરાને પોતાના મહત્વપૂર્ણ કોમ્પ્યુટરને ઓફલાઇન કરી દીધા છે.

ગેમચેન્જર છે સાઇબર એટેક
નિષ્ણાતોના મતે ઝડપથી ડિજીટલ થઇ રહેલી દુનિયામાં સાઇબર એટેક આવનારા સમયમાં ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. વિચારો જો કોઇ દેશની મિસાઇલ લોન્ચ થયા વગર, સબમરીન પોતાના આદેશને ના માને અને પરમાણુ હથિયારો સાથે જોડાયેલા કોમ્પ્યુટર કામ ના કર એવા સમયમાં તે દેશ જંગના સમયમાં અસહાય થઇ જશે અને લડ્યા વગર જ ઘૂંટણિયે ટેકી દેશે. સાઇબર એટેક તેને સંભવ બનાવે છે. સૌથી અગત્યની વાત એ છે કે આ હુમલામાં કોઇ જાનમાલને નુકસાની થઇ નથી. આવનારા સમયમાં 5G ટેકનોલોજી અને આર્ટિફિશિલ ઇન્ટેલિજન્સ આ જંગને વધુ તેજ કરશે.

આ દેશ કરી રહ્યું છે સાઇબર વોરની તૈયારી
અમેરિકન ગુપ્તચર એજન્સીના મતે દરેક દેશ પોતાની સાઇબર વોરફેર ટેકનોલોજી અને સાઇબર ડિફેન્સ ક્ષમતામાં રોકાણ કરી રહી છે. આ સિવાય 30 દેશ એવા છે જે આક્રમક સાઇબર એટેક ક્ષમતા પર કામ કરી રહી છે. અમેરિકાનું માનવું છે કે રૂસ, ચીન, ઇરાન અને ઉત્તર કોરિયા તેના માટે મોટો ખતરો છે.

ભારતે બનાવી ધ ડિફેન્સ સાઇબર એજન્સી
ભારત પણ ખૂબ જ ગોપનીય રીતે સાઇબર વોરફેરની તૈયારી કરી રહ્યું છે. તાજેતરના દિવસોમાં પાકિસ્તાની સાઇબર એટેક ખૂબ જ વધી ગયા છે. તેને જોતા સરકારે પણ પોતાની ઝડપી તૈયારી શરૂ કરી દીધી છે. તેના અંતર્ગત સેના, નૌસેના, અને વાયુસેનાની એક સંયુક્ત એજન્સી ધ ડિફેન્સ સાઇબર એજન્સી બનાવામાં આવી રહી છે જે સાઇબર હુમલાનો મુકાબલો કરશે. તેમાં 1000 નિષ્ણાત હશે જે સેના, નૌસેના, અને એરફોર્સને આપશે. આ એજન્સી દુશ્મનો પર હુમલો કરશે અને ભારતીય પ્રતિષ્ઠાનોનો બચાવ પણ કરશે.

આ વીડિયો પણ જુઓ – વડોદરામાં સાપને પકડીને જીવન સાથે ચેડાં કરતો શખ્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન